બાળ વાર્તા : સોનેરી ઝાડ - Sandesh
  • Home
  • Kids Corner
  • બાળ વાર્તા : સોનેરી ઝાડ

બાળ વાર્તા : સોનેરી ઝાડ

 | 3:03 pm IST

સુંદરવનમાં અનેક જાતની વનસ્પતિ હતી. આ બધી વનસ્પતિમાં સોનેરી રંગનાં

પાંદડાંવાળું એક ઝાડ સાવ અલગ હતું. આખા જંગલમાં આ એક જ ઝાડ એવું હતું કે જેને કદી પાનખર નહોતી આવતી. તેનાં પાંદડાં પણ બીજાં વૃક્ષો કરતાં સાવ અલગ હતાં. એક દિવસ એક મોટો વેપારી સુંદરવનમાં આવ્યો. તેણે ઝાડ જોયું અને તે તેના પર મોહી પડયો. તેને થયું, “જો આ ઝાડ મળી જાય તો બજારમાં સારા પૈસે વેચી શકાય.” જોકે, સુંદરવનમાં કોઈ પણ ઝાડ કાપવાની મનાઈ હતી. દરેક પ્રાણી જરૂર પડયે સુકાયેલાં લાકડાંઓનો જ ઉપયોગ કરતાં. પ્રેસિડેન્ટ લવલી લાયને ઝાડ કાપવાની મનાઈ કરતા પેલો વેપારી મૂંઝાયો. હવે શું કરવું? ઝાડ કાપવા માટે તેણે નવો નુસખો અપનાવ્યો. પોતાના સાગરિત એવા જંગલના એક મોરને તેણે તૈયાર કર્યો. આ મોરે સોનેરી પાંદડાંવાળું ઝાડ દરેકની બધીયે ઇચ્છા પૂરી કરે છે તેવી અફવા ફેલાવી. મોરની વાત ધીમે ધીમે આખા જંગલમાં ફેલાવા લાગી.

પોતાની ચાલ યોગ્ય દિશામાં જતાં મોરે એક પગલું વધારે ભર્યું. હવે તેણે જાહેર કર્યું કે, “જે પણ પ્રાણી આ ઝાડનું પાંદડું પોતાના માળામાં રાખશે તેનાં તમામ દુઃખો દૂર થશે.” બસ ખલ્લાસ! મોરની આ વાતમાં બધાં પ્રાણીઓ આવી ગયાં. ગઈ કાલ સુધી એકલું રહેતું ઝાડ હવે પ્રાણીઓથી ઘેરાઈ ગયું. આસપાસનાં ગામોના લોકો પણ ત્યાં આવવા લાગ્યા. જે આવે તે પાંદડું તોડીને જાય એમ બનવા લાગ્યું. ઝાડનો દીદાર સાવ બદલાઈ ગયો. આ ઝાડ પર રહેતું સોનપરી નામનું એક પંખી રોજેરોજ ચાલતા આ તમાશાથી પરેશાન હતું. તેણે લવલી લાયનને ફરિયાદ કરવાનું નક્કી કર્યું. બીજી તરફ હવે ઝાડ સાવ બુઠ્ઠું થઈ ગયું હોવાથી કાપવામાં વાંધો નહીં આવે તેમ વિચારી પેલો વેપારી પણ પ્રેસિડેન્ટ લવલી લાયન પાસે પહોંચ્યો. તેણે સારા દામ આપીને ઝાડ ખરીદવાની ઇચ્છા જણાવી. લવલી લાયને સૂકા થઈ ગયેલા ઝાડને વેચવામા કશો વાંધો નથી તેમ કહ્યું પણ તરત જ ત્યાં પેલું સોનપરી પંખી પહોંચ્યું. તેણે મોર દ્વારા રચાયેલા આખા ષડ્યંત્રની વાત લવલી લાયનને કરી. સોનપરી પંખીની વાત સાંભળીને તરત જ લવલી લાયને તપાસનો આદેશ આપ્યો. ઝાડની મુલાકાત તથા

પાંદડાં તોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. મોરની ઉલટ તપાસમાં વેપારીનું નામ પણ આવ્યું. છેવટે બદઇરાદાથી જંગલની સંપત્તિને નુકસાન કરવા બદલ મોર અને વેપારીને સજા કરવામાં આવી. દર્શન કરવા તથા પાંદડાં તોડવાં આવતા લોકોની સમજાવટ માટે આખી ઘટનાની જાણકારી તમામ પ્રાણીઓને આપવામાં આવી.

  • મેહુલ મંગુબહેન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન