બાળ વાર્તા : લીલો ઘોડો - Sandesh
  • Home
  • Featured
  • બાળ વાર્તા : લીલો ઘોડો

બાળ વાર્તા : લીલો ઘોડો

 | 5:20 pm IST

રામપુર નામે એક નગર. એ નગરનો એક રાજા. આ રાજાને ઘોડા પાળવાનો બહુ શોખ. તેના ઘોડારમાં વિવિધ પ્રકારના ઘોડા હતા. ઘોડાર એટલે ઘોડા બાંધવાની જગ્યા. તેને તબેલો કે અશ્વશાળા પણ કહેવાય. તબેલામાં કાળા ઘોડા હતા ને ધોળાય હતા. તો વળી કોઈ રાતાય ઘોડા હતા ને કેટલાક ચટાપટાવાળાય ખરા. કોઈ ઘોડા ઊંચા હતા, તો કોઈ નીચા. કોઈ તગડા હતા તો કોઈ પાતળા, કોઈ દોડવામાં તેજ હતા, તો કોઈ મંદ ગતિએ ચાલનારા.

રાજા રોજ સવારે ઘોડારમાં જાય. તે ઘોડાઓનાં દર્શન કરે. પછી એકાદ ઘોડાને બહાર કઢાવે. તેના પર સવારી કરે. ઘોડાને ફેરવે, દોડાવે, બુચકારે ને પાછો હતો ત્યાં બંધાવી દે. સાંજના ટાણે પણ ઘોડારમાં જાય. ફરી ઘોડો પસંદ કરે ને બહાર કઢાવી ફરવા જાય. રાજાનો આ નિત્યનો ક્રમ.

રાજા રોજ નવા નવા ઘોડા પર સવારી કરે. રાજા એનાં વખાણ કરે, એટલે એના દરબારીઓ પણ તેની પાછળ પાછળ હા-જી-હા કર્યા કરે.

રાજા કહે, “આ ઘોડો જબરો દોડે છે.”

તરત દરબારીઓ બોલે, “હા હોં રાજાજી, તમે બેસો એટલે દોડે જને?”

રાજા કહે, “આ તો બે પગે ઊંચો થઈ જાય હોં!”

દરબારીઓ કહે, “હા મહારાજ, ઘોડો કોનો? આપનો ને?”

આમ રાજાના દિવસો પસાર થાય.

એક વાર રાજાના દરબારમાં એક પઠાણ આવ્યો. તે દૂર દેશાવરથી ઘોડા વેચવા આવ્યો હતો. રાજા દરબારીઓ સાથે ઘોડા જોવા ગયા. પઠાણે એક પછી એક એક-એકથી ચડિયાતા ઘોડા બતાવ્યા. પઠાણ દરેક ઘોડાનાં વખાણ કરતો જાય, પણ રાજા કંઈ ન બોલે. એટલે દરબારીઓ પણ ચૂપ જ રહેતા.

પઠાણ કહે, “મહારાજ, તમને ઘોડા ખરીદવાનો શોખ છે એ સાંભળી ઘોડા વેચવા આવ્યો છું, પણ તમને એકેય ઘોડો પસંદ નથી આવતો.”

રાજા બોલ્યા, “અમારા ઘોડારમાં તેં બતાવ્યા એવા ઘોડા છે જ. કંઈક નવી ચીજ હોય તો બતાવ.”

દરબારીઓ તરત બોલ્યા, “હા હોં! કંઈક નવું હોય તો જ ખરીદાયને?”

પણ રાજાને શું ગમે છે તે પઠાણ નક્કી ન કરી શક્યો. તે બધા જ જાતવંત ઘોડા બતાવી થાક્યો હતો. રાજાજીને સામાન્ય ઘોડા બતાવવાનો કોઈ અર્થ ન હતો.

એટલામાં ફરતાં ફરતાં રાજાની નજર એક ઘોડા પર પડી ને રાજા જોતા જ રહી ગયાં. સૌ દરબારીઓય રાજાની જેમ જોવા લાગ્યા. રાજા બોલ્યા, “અદ્ભુત! લીલા રંગનો ઘોડો! વાહ!”

તરત દરબારીઓ બોલ્યા, “હા, હા, જબરું હોં! લીલો ઘોડો..!”

રાજા કહે, “આ ઘોડો આપ.”

પઠાણ કહે, “મહારાજ, આ ઘોડો?” “હા, આ ઘોડાની કિંમત બોલ.”

ફરી પઠાણ બોલ્યો, ” મહારાજ, એના કરતાંય સારા ઘોડા છે તો…”

“ના, આ જ આપ. મારા ઘોડારમાં આવો લીલો ઘોડો એકેય નથી. તરત જ બધા દરબારીઓ બોલી ઊઠયા.” “સરસ ઘોડો છે. લીલો ઘોડો મહારાજ, લઈ જ લો.”

પઠાણ કહે, “ભલે, જેવી આપની મરજી. બાકી મારી ઇચ્છા નથી.”

તરત એક દરબારી બોલ્યો. “જોયું મહારાજ? સરસ ઘોડો તમને આપતાં એનો જીવ ચાલતો નથી, પણ હવે ક્યાં જશે?”

પઠાણે તે ઘોડો રાજાને વેચ્યો. બાકીના ઘોડા લઈ તે તરત જ બીજે જવા રવાના થઈ ગયો. રાજાએ ઘોડો તબેલામાં બંધાવી દીધો.

બીજે દિવસે રાજા સવારમાં ઘોડારમાં ગયા. તે બોલ્યા, “આજે અમે લીલા ઘોડા પર સવારી કરીશું. એને સજાવી બહાર લાવો.”

બે સેવકો ઘોડાને સજાવી લઈ આવ્યા. રાજા તેના પર બેઠા. લગામ ખેંચી, પણ ઘોડો ન હાલે કે ચાલે. રાજા અને દરબારીઓએ તેને પંપાળ્યો, બુચકાર્યો, પણ ઘોડો ન હાલે કે ન ચાલે.

રાજા નીચે ઊતર્યા. “ઘોડાને મેદાનમાં લઈ લો. કદાચ તે નવોસવો છે એટલે ગભરાતો હશે.”

“હા, હા, મેદાનમાં ચાલો.” ને સૌ ઘોડો દોરી મેદાનમાં આવ્યા. ફરી રાજાએ ઘોડા પર સવારી કરી. ઘોડો ન ચાલ્યો. ફરી સૌએ તેને પંપાળ્યો, બુચકાર્યો, પણ પરિણામ શૂન્ય.

એક દરબારી કહે. “એના પરની આ ગાદી હટાવી લઈએ તો કદાચ હેંડે.” રાજાએ ગાદી કઢાવી લીધી. ફરી રાજા બેઠા તોય ઘોડો ન ચાલ્યો. ફરી રાજા હેઠા ઊતર્યા. ઘોડાને થોડો દોરીને દૂર લઈ ગયા.

બીજો દરબારી કહે, “એનું ચોકડું કાઢી લો. એને નહીં ગમતું હોય.”

રાજાએ ઘોડાનું ચોકડુંય કઢાવી લીધું. ફરી રાજા ઉપર બેઠા. તોય ઘોડો ન હાલે કે ચાલે. આ જોઈ સૌ મૂંઝાયા.

ફરી રાજા હેઠા ઊતર્યા. હવે શું કરવું? ઘોડા પર કોઈ સામાન ન હતો. ચોકડુંય ન હતું. ઘોડો સ્વતંત્ર થઈ ગયો. ઘોડો ઊભો હતો. સૌ વિચારતા હતા કે ઘોડો કેમ દોડતો નથી? એનામાં શી ખામી છે?

રાજા બોલ્યા, “એના ચારે પગ તપાસો, કદાચ એના પગમાં કંઈ ખામી હોય. કંઈક વાગ્યું હોય!”

“હા, હોં. એ મુદ્દાની વાત.” દરબારીઓ બોલ્યા.

ને ચાર દરબારીઓ એક-એક પગ લઈ તપાસવા બેસી ગયા ને ત્યાં ઘોડો ભડક્યો. તેણે લાતો મારી ચારેને ધૂળ ચાટતા કરી દીધા ને પછી ઘોડો તો ભાગ્યો.

રાજાના હુકમથી સૌ તેને પકડવા પાછળ પડયા, પણ આ તો લગામ વગરનો ઘોડો. હણહણાટી કરતો ઘોડો તો જાય દોડતો. થોડી વારમાં તો તે નજરથીય અદૃશ્ય થઈ ગયો.

રાજા ને સૌ એ દિશામાં મોં વકાસી જોઈ જ રહ્યા.