બાળ વાર્તા : હાય રે...ગરોળી - Sandesh
  • Home
  • Kids Corner
  • બાળ વાર્તા : હાય રે…ગરોળી

બાળ વાર્તા : હાય રે…ગરોળી

 | 7:38 pm IST

ત્રીજા ધોરણમાં ભણતી નાનકડી નતાશા એના ઓરડામાં બેસીને લેસન કરતી હતી, એમાં ધબ્બ દઈને અવાજ આવ્યો. અવાજની દિશામાં નજર કરતાં જ તે ચીસ પાડતી બહાર ભાગી. એનાં મમ્મી પણ દોડતાં આવ્યાં. મમ્મીએ પૂછયું, “શું થયું મારી નતુ બેબીને?”ળ

નતાશા બોલી, “મમ્મી, ગરોળી… છી છી છી…”

“લે, મારી નતુ બેબી ગરોળીથી ડરી ગઈ એમ? એ તો વાઘથી કે સિંહથી પણ નથી ડરતી તો ગરોળીથી કેમ ડરી?” મમ્મી બોલ્યાં.

નતાશાએ મમ્મીની સાથે ધીમે ધીમે પાછાં ઓરડામાં જતાં કહ્યું, “જોને એ કેટલી વિચિત્ર લાગે છે. એકદમ કદરૃપી અને જોતાં જ ચીતરી ચઢે એવી. તું એને અત્યારે જ મારીને બહાર નાખી દે.”

જોકે, નતાશાનાં મમ્મીએ તેને મારવાને બદલે સાવરણી વડે હટ્ટ કર્યું એટલે તે પાછી દીવાલે ચડી ગઈ. એ છેક ઊંચે ચડી ગઈ એટલે નતાશાનાં મમ્મી બોલ્યાં, “જો બેટા, જતી રહી એ. ચલ હવે તું શાંતિથી લેસન કર બસ.”

નતાશા ગરોળી પર બરાબર ગુસ્સે હતી. તેણે કહ્યું, “હું લેસન નહીં કરું જા. તેં એને ભગાડી દીધી પણ એ પાછી આવશે. એને મારી નાખવી જોઈતી હતીને!”

“હા પણ, એ હવે ક્યાં તને નડે છે. ગરોળી કશું ન કરે બેટા!” મમ્મીએ નતાશાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. “એ કંઈ કરે કે ન કરે, મને તો એને જોઈને જ ચીતરી ચઢે છે.”

વાત તો નતાશાની સાચી હતી. ગરોળીને જોઈ દરેકને ચીતરી તો ચઢતી જ હોય છે એવું મમ્મી જાણતાં હતાં. એ ધીમેથી બોલ્યાં, “તને જોઈને એને ચીતરી ચઢતી હશે તો! જો બેટા, આપણે આ જમીન પર મકાન બનાવ્યુંને એ પહેલાંથી એ અહીં રહે છે. એટલે એનું પણ ઘર જ કહેવાય આ. જ્યાં સુધી એ કનડે નહીં ત્યાં સુધી તેને શું કામ મારવી?”

મમ્મીની આવી સુફિયાણી વાત આગળ કોઈ દલીલ નતાશાને સૂઝી નહીં એટલે તે તો એકદમ રિસાઈને ઊભી રહી ગઈ. હવે શું કરવું તે ન સમજાતાં નતાશાનાં મમ્મી પણ મૂંઝાયાં.

તેમણે કહ્યું, “સારું ચલ, હું તેને છેક ઘરની બહાર ભગાડી દઉં છું બસ, પણ પછી તંુ એને યાદ કરીને રડતી નહીં?”

નતાશા બોલી, “તું પણ શું મમ્મી! હું ગરોળીને યાદ કરીને શું કામ રડું?”

આ વાતને થોડાક દિવસ વીતી ગયા. એક દિવસ રાતે નતાશા સૂવાની તૈયારી કરતી હતી અને એ વખતે તેને એક મચ્છર કરડી ગયો. તેણે ફરી મમ્મીને મચ્છરો વધી ગયા હોવાની ફરિયાદ કરી.

મમ્મીએ કહ્યું, “હા, પણ હવે શું થાય બેટા! પહેલાં ઘરમા એક ગરોળી હતી. તે નાના-મોટા જીવજંતુઓ ને મચ્છર બધું જ ખાઈ જતી હતી, પણ હવે તે જતી રહી એટલે મચ્છર તો વધે જ ને!”

મમ્મીની વાત સાંભળીને નતાશા દુઃખી થઈ ગઈ. હવે તેને ગરોળીને યાદ કરીને રડીશ એ વાત યાદ આવી. તે બોલી, “મમ્મી, તારી વાત હવે મને સમજાઈ. ગરોળી ગઈ એમાં જ મચ્છર વધી ગયા. જા, હવે તું એને પાછી બોલાવી લાવ.”

મમ્મી તો હસવા માંડી, “હા હા હા… હશે. તું ફિકર ન કર. ગરોળીને જોઈને છળી મારવાની કે ચીતરી ચઢાવવાની કંઈ જ જરૃર નથી. હવે મચ્છર વધશે એટલે પોતાનો ખોરાક શોધતી કોઈક ગરોળી ફરી પાછી ઘરમાં આવશે જ.” “પણ મા, પછી ગરોળીઓ વધી જશે તો…?” નતાશા બોલી.

“અરે બેટા, કુદરતે આખી સૃષ્ટિનું સર્જન જ એવી રીતે કર્યું છે કે બધા ક્રમ અને નિયમો જળવાઈ રહે!”

  • મેહુલ મંગુબહેન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન