બાળ વાર્તા : કૃષ્ણ-સુદામાની જોડી - Sandesh
  • Home
  • Featured
  • બાળ વાર્તા : કૃષ્ણ-સુદામાની જોડી

બાળ વાર્તા : કૃષ્ણ-સુદામાની જોડી

 | 9:40 pm IST

બેગાઢ મિત્રો. એકનું નામ તુષાર બીજાનું નામ યોગીન. છઠ્ઠા ધોરણમાં ભણે. એક જ વર્ગમાં એક જ પાટલીએ બેસે. સાથે નિશાળે જાય ને સાથે જ ઘરે આવે. એક જ સોસાયટીમાં રહે. સ્કૂલ નજીક હતી તેથી ચાલતા જાય ને ચાલતા આવે. રસ્તામાં વાતોના તડાકા મારતા જાય.

બંને વચ્ચે ક્યારેક નાની નાની વાતમાં ઝઘડા થાય ખરા, પણ થોડી વારમાં પાછા ભેગા ને ભેગા. એમની ભાઈબંધી જોઈ સોસાયટીમાં લોકો કહે, “કૃષ્ણ-સુદામાની જોડી જેવા છે.” આ સાંભળી બંને હરખાય.

એક વાર વર્ગશિક્ષકે પૂછયું, “તમે બંને કાયમ સાથે ને સાથે કેમ?” બંને હસી પડયા. પછી શિક્ષક જ બોલ્યા, “તમારી દોસ્તી જબરી કહેવાય. જાણે કૃષ્ણ-સુદામાની જોડી!” ને પછી સ્કૂલમાં બધા એમને આવું કહીને ચીડવે. પણ એ બંને ના ચીડાય. એમને એનું તો ગૌરવ થાય.

એક વખતની વાત. યોગીન એના મામાને ઘેર ગયો હતો. ત્યાં એક દિવસ સાઇકલ લઈ બહાર ગયો ને બાઇક સાથે અથડાયો. યોગીનને પગે ફ્રેક્ચર થઈ ગયું. યોગીનને થોડા દિવસ સોસાયટીની નજીકની હોસ્પિટલમાં રહેવું પડયું.

તુષાર રોજ સવાર-સાંજ હોસ્પિટલ જતો. મિત્ર પાસે બેસતો. સાથે દફતર લઈ જતો. તે દિવસે શાળામાં જે કંઈ ચલાવ્યું હોય તે વિષયવાર ચોપડીમાં જોઈ એને સમજાવતો. આમ તે યોગીનનો અભ્યાસ બગડવા ન દેતો. ઘણી વાર રાત્રે પણ તેની રૃમમાં સૂઈ જતો.

યોગીનનાં મમ્મી વંદનાબહેન કહેતાં, “બેટા, રાત્રે તું ઘેર જાય તો સારું. તારાં મમ્મી ચિંતા ના કરે.” પણ તુષાર ન માને. તે મમ્મીને ફોન કરી કહેતો, “મમ્મી, હું દવાખાને રોકાયો છું, લે વંદનામાશી જોડે વાત કરી લે.” ને ફોન પર તુષારની મમ્મી કહે, “વંદનાબહેન, વાંધો નહીં. ભલે રોકાતો.”

આમ પાંચેક દિવસ વીતી ગયા. યોગીનને દવાખાનામાંથી રજા મળી ગઈ. થોડા દિવસ ઘરે પણ આરામ કરવો પડયો. તુષાર રોજ એના ઘરે જતો જતો ને રાત પણ રોકાતો.

પંદર દિવસ બાદ યોગીન શાળાએ જતો-આવતો થયો. જે દિવસે એ શાળાએ ગયો એનો સૌથી વધુ આનંદ તુષારને થયો. તે દિવસે વર્ગશિક્ષકે હસી-મજાકમાં કહ્યું પણ ખરું, “કૃૃષ્ણ-સુદામાની ખંડિત જોડી શાળામાં આજે સાથે જોવા મળી!”

આમ ને આમ પ્રથમ સત્ર પૂરું થયું. બીજું સત્ર શરૃ થયું. જાન્યુઆરી મહિનો આવ્યો. એમની શાળાનો ર્વાિષકોત્સવ યોજાયો હતો. બંનેએ એક ગીતમાં ભાગ લીધો હતો. ત્યાં એક ઘટના બની. તુષારને અચાનક કમળો થઈ ગયો. કમળીની થોડી અસર પણ દેખાઈ. ડોક્ટરે તુષારને ફરજિયાત પથારીમાં આરામ કરવાને કહ્યું: હવે? તુષારને ગીતમાંથી નીકળી જવું પડયું. યોગીનને આ ન ગમ્યું. તેણે પણ પોતાનું નામ કમી કરાવ્યું.

આ વાતની જાણ તુષારને થઈ. સાંજે યોગીન આવ્યો ત્યારે તુષારે કહ્યું, “મિત્ર, તું તો ગીતમાં ભાગ લેને?”

યોગીન કહે, “ના, તારા વગર મને નહીં ગમે.” તુષારે પછી તેને બહુ આગ્રહ ન કર્યો, કારણ એ સમજતો હતો કે યોગીન નહીં માને.શાળાના ર્વાિષકોત્સવનો દિવસ પણ આવી ગયો. હજી ડોક્ટરે તુષારને શાળાએ કે ક્યાંય બહાર જવાની રજા આપી ન હતી. બંને મિત્રો તુષારને ઘેર બેઠા હતા.

તુષાર કહે, “યોગીન, કાલે શાળાનું ફંક્શન છે. તું જઈશને?” “ના દોસ્ત, તારા વગર મને ત્યાં નહીં ગમે.”

“પણ તું જાય તો સારું: તું કાર્યક્રમ જોઈ આવ પછી એના વિશે મને બધી વાત કરજે. એ રીતે ફંક્શન જોયાનો આનંદ હુંય લઈ શકીશ.”

“પણ તારા વગર મને મજા નહીં પડે.” યોગીન બોલ્યો.

“પડશે, તું જઈશ એ મને ગમશે. મારા આનંદ ખાતર પણ તું જજે. ને પછી મને ઘેર આવી બધું કહેજે. હુંય રાજી થઈશ.” તુષારે આગ્રહપૂર્વક કહ્યું, યોગીન કશું ન બોલ્યો.

બીજે દિવસે શહેરના ટાઉનહોલમાં ૩થી ૬ કાર્યક્રમ હતો. તુષાર એકલો ઘેર હતો. તેને થયું કે યોગીને મારી વાત માની ખરી. ઘડિયાળમાં ત્રણ વાગ્યા. તુષાર મનોમન વિચારવા લાગ્યોઃ હોલ વિદ્યાર્થીઓ અને વાલીઓથી હાઉસફુલ થઈ ગયો હશે. જેમણે કાર્યક્રમમાં ભાગ લીધો છે એે  સૌ બનીઠનીને પોતાની આઇટમની રાહ જોતા હશે. યોગીન પણ પહોંચી ગયો હશે. સાંજે એ કાર્યક્રમ જોઈને આવશે ને પછી એ બધું મને કહેશે ને હુંય મજા માણીશ.

એટલામાં ઘરનું બારણું ખૂલ્યું. એને એમ કે મમ્મી આવી હશે, પણ આ તો યોગીન હતો. તુષાર ચમક્યો. “તું ગયો નથી?” યોગીન ચૂપ રહ્યો. “તો પછી ફંક્શનની બધી વાત મને કોણ કહેશે?”

“મેં ટીચરને વાત કરી છે. આખું ફંક્શન આપણે સાથે જોઈશું.” યોગીને કહ્યું, “પણ એ કઈ રીતે બનશે?” તુષારે શંકા વ્યક્ત કરી.

“ટીચરને વાત કરી છે. એ ફંક્શનની સીડી બનવાની છે. ટીચર એ સીડી મને આપવાના છે. એ પછી આપણે તારા ઘરે બેસી સીડી પ્લેયર દ્વારા ટીવી પડદે આખું ફંક્શન માણીશું. બંને સાથે નાસ્તો કરતાં કરતાં ને વાતો કરતાં કરતાં. બોલ,  હવે?”

આ સાંભળી તુષાર મૂંગો થઈ યોગીનને જોઈ જ રહ્યો. યોગીને તુષારનો હાથ પોતાના હાથમાં લીધો. દબાવ્યો ને પછી બોલ્યો, “દોસ્ત, તારા વગર ફંક્શન કેવું!”

આ સાંભળી તુષારની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તે યોગીનને ભેટી પડયો, જાણે સુદામાને કૃષ્ણ ભેટી રહ્યા ન હોય!

વાહ તુષાર! વાહ યોગીન! ધન્ય છે તમારી મિત્રતાને!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન