બાળ વાર્તા : હસી અને ખુશી - Sandesh
  • Home
  • Kids Corner
  • બાળ વાર્તા : હસી અને ખુશી

બાળ વાર્તા : હસી અને ખુશી

 | 2:55 pm IST

બેસહેલીઓ હતી. એકનું નામ હસી અને બીજીનું નામ ખુશી. હસી અને ખુશી વચ્ચે પાકી દોસ્તી. કાયમ એકબીજાને સાથ આપે. કદી અલગ ન થાય. બેઉ એક જ નિશાળમાં, એક જ વર્ગમાં ભણે. જોકે, બેઉ અલગ અલગ મહોલ્લામાં રહે એટલે નિશાળ પત્યા બાદ બેઉ પોતપોતાના ઘેર પહોંચી જાય. ખુશીના પપ્પાને તેમની દીકરીની હસી સાથેની દોસ્તી ન ગમે. તેઓ કાયમ કહે, “જો બેટા, તું જેની સાથે ફરે છેને એ છોકરી બહુ જ ગંદી છે, એની સાથે દોસ્તી ન રાખ. આપણાં ફળિયામાં રિંકલ, ગાયત્રી, ઝિન્નો, ગીતાજંલિ કેટલી બધી નાની છોકરીઓ છે! તેમની સાથે દોસ્તી કરને.”

હસીને તેના પપ્પાની વાત ક્યારેય ન સમજાતી. પપ્પા તેની બહેનપણીને ગંદી કહે તે પણ ન ગમતું. તે કાયમ ફરિયાદ કરતી અને કહેતી, “પપ્પા, એ તો રોજ નહાઈ-ધોઈને એકદમ ચોખ્ખી થઈને આવે છે. તમે તેને ગંદી કેમ કહો છો? નિશાળમાં એના કરતાં તો હું વધારે ગંદી હોઉં છું.”

હસીના પપ્પા તેને સમજાવવાની કોશિશ કર્યા કરતા પણ તેમની વાત હસીને કદી ગળે ન ઊતરતી. ખરેખર વાત જાણે એમ હતી કે, હસીના પપ્પા ઊંચા કુળના હતા એટલે પોતાની દીકરી પણ પોતાના જેવો મોભો ધરાવતા લોકોનાં બાળકો સાથે જ દોસ્તી કરે તેમ ઇચ્છતા હતા. હસી પોતાની દોસ્ત ખુશી વિશેની અનેક વાતો ઘરમાં કરતી રહેતી. ધીમે ધીમે હાજરી ન હોવા છતાં પણ ખુશી હસીના ઘરમાં એકદમ જાણીતી બની ગઈ. હવે એક દિવસ હસીનો જન્મદિન આવ્યો. હસી અને ખુશીના પરિવાર વચ્ચે તો કોઈ સંબંધ હતો જ નહીં, વળી હસીના પપ્પાનો આગવો વાંધો પણ હતો, એટલે હસીના જન્મદિનની ઉજવણીમાં ખુશીને આમંત્રણ ન આપવું તેમ નક્કી કરાયું. આ વાતની હસીને જાણ થઈ. નાનકડી બાળકી હસી બીજી દલીલ તો શું કરે, એણે તો મોટો ભેંકડો તાણ્યો. ખુશી વગર જન્મદિનની ઉજવણી નહીં કરું એવી જિદ્દ પકડી, પણ તેના પપ્પા ટસના મસ ન થયા. એક મસ્ત મોટી ગિફ્ટની લાલચ આપીને તેના પપ્પાએ હસીને પોતાની મરજી મુજબ મનાવી લીધી. આમ, ખુશીને બાદ કરતાં હસીના તમામ દોસ્તોને જન્મદિનની ઉજવણી માટે આમંત્રિત કરવામાં આવ્યા.

હસીનો જન્મદિન આખરે આવી ગયો. હસીના ઘરનો ડોરબેલ વહેલી સવારમાં છ વાગ્યે રણકી ઊઠયો. એના ઘરમાં તો કોઈ જાગ્યું પણ નહોતું. બે-ત્રણ વખત ઘંટડી વાગી એટલે હસીના પપ્પા ઊઠીને બહાર આવ્યા. તેમણે જોયું તો સામે એકદમ ખિલખિલાટ હસતી ખુશી ઊભી હતી. તેણે કહ્યું, ગૂડ મોર્નિગ અંકલ, હસી જાગી ગઈ છે?

હસીના પપ્પાએ કહ્યું, “ના, એ તો મોડા જ ઊઠે છે.”

ખુશી બોલી, “કંઈ વાંધો નહીં, હું પણ રોજ મોડી જ ઊઠંુ છું. આ તો મારે તેને જન્મદિનની શુભેચ્છા બધાં કરતાં વહેલી આપવી હતીને એટલે અત્યારે આવી. તેને સૂવા દો, પણ આ ગિફ્ટ તેને આપી દેજો અને કહેજો કે સૌથી પહેલું હેપ્પી બર્થડે મેં જ કહ્યું છે.”

આટલું કહીને ખુશી દોડતી જતી રહી. હસીના પપ્પા તો ત્યાં જ ઊભા રહી ગયા. તેમને ‘સાંજે ઉજવણીમાં આવજે’ એવું કહેવાનું મન થયું પણ તે કહી ન શક્યા. ધીમે ધીમે દિવસ પૂરો થયો. સાંજ પડી. ખુશીએ આપેલી ગિફટ હજી તેમણે હસીને આપી નહોતી. હસી અને ખુશીની દોસ્તી અંગે જ તેઓ વિચાર કરતા રહ્યાં. ઉજવણી ચાલુ થઈ. બધાં બાળકો પણ આવી ગયાં. જોકે, પોતાની દોસ્ત ખુશી વગર હસીને મજા આવતી નહોતી. હસીના પપ્પા તેના મગજમાં શું ચાલી રહ્યું છે તે સમજવાની કોશિશ કરતા હતા. ઉજવણી પૂરી થઈ એટલે હસીએ પૂછયું, “પપ્પા, તમે તો મને મોટી ગિફ્ટ આપવાના હતાને?”

હસીના પપ્પાએ કહ્યું, “હા બેટા, પણ એ ગિફ્ટ આપણે હજી લેવા જવાનું છે. ચાલ અત્યારે જઈએ. ”

હસીએ કહ્યું, “પપ્પા અત્યારે મોડી રાતે?”

હસીના પપ્પા બોલ્યા, “હા અત્યારે જ. ચાલ.”

આમ કહીને તે બહાર નીકળ્યા. બે-ચાર ઘરે પૂછતાં પૂછતાં એક ઘર આગળ આવીને અટક્યા અને બારણું ખખડાવ્યું. બારણું ખૂલતાં જ સામે ખુશી ઊભી હતી.

હસી અને ખુશી બેઉનાં મોં પર તો જાણે દુનિયાનો આનંદ હતો. રાત્રે ખુશીના ઘરમાં બીજી વાર હસીનો જન્મદિન ઊજવાયો.

  • મેહુલ મંગુબહેન