બાળ વાર્તા : ચિત્રકાર ચિન્ટુ - Sandesh
  • Home
  • Kids Corner
  • બાળ વાર્તા : ચિત્રકાર ચિન્ટુ

બાળ વાર્તા : ચિત્રકાર ચિન્ટુ

 | 5:31 pm IST

એક હતો છોકરો. નામ એનું ચિન્ટુ. તેને ચિત્રમાં બહુ રસ પડે. ચિત્રનો પિરિયડ આવે ને એનો ચહેરો ખીલી ઊઠે. સાહેબ ચિત્ર દોરવાનો વિષય આપે પણ એ તો એની રીતે જ ચિત્ર દોરે. સાહેબ ખિજાય. આખા વર્ગને એનું ચિત્ર બતાવી કહે, “જુઓ, આ મહાન ચિત્રકારનું ચિત્ર!” ને એનું ચિત્ર જોઈ સૌ કોઈ હસી પડે. સાહેબ એને ટપલી મારી કહે, “સુધર, જરા સુધર. ચિત્ર ચિત્ર જેવું દોરતાં શીખ”

પણ આ તો ચિન્ટુ, ના સુધરે. એને એમ થાય કે હું આટલું સરસ ચિત્ર દોરું છું છતાં કેમ કોઈને ગમતું નથી? મારા ચિત્રમાં શી ખામી છે? શું વાઘને ઝાડ પર ન બેસાડાય? શું બિલાડીને હવામાં ઊડતી ન દોરાય?

એ ચિત્રનો એટલો રસિયો કે બીજી નોટોમાં પણ નાનાં-મોટાં ચિત્રો દોર્યાં કરે. અન્ય વિષયના સાહેબો પણ એને ટોકે, “એય બુદ્ધુ! આ શું ચીતર્યું છે? નોટ બગાડી! ચિત્ર દોરવાં હોય તો બીજે ક્યાંક દોરજે. હવેથી આવા લીટાળા કર્યા છે તો પાનું જ ફાડી નાખીશ.” બિચારો ચિન્ટુ!

ઘેર મમ્મી જો એને એકલો વાંચવા બેસાડે તો બંદા વાંચવાનું પડતું મૂકી ચિત્ર દોરવા જ બેસી જાય! આ જોઈ મમ્મી ખિજાય. કહે, “તારું શું થશે?” એટલે ચિન્ટુ પૂછે, “કેમ મમ્મી?” “કેમ શું? લીટાળા કરીશ તો ભણીશ ક્યારે?”

એક વાર શિક્ષકે નિબંધની નોટમાં ‘મને શું થવું ગમે?’ નિબંધ લખવા આપ્યો હતો. કોઈએ શિક્ષક, કોઈએ ડોક્ટર તો કોઈએ વડાપ્રધાન થવાની વાત લખેલી, પણ બંદા ચિન્ટુભાઈએ ચિત્રકાર થવાની વાત લખી. એના નિબંધનાં આ વાક્યો સાહેબે કથાની જેમ વર્ગમાં વાંચ્યાં: “હું મોટો ચિત્રકાર થઈશ. મારાં ચિત્રો લાખો રૃપિયામાં વેચાશે. હું ચિત્રોનું પ્રદર્શન ભરીશ ને એ લઈ ફોરેન પણ જઈશ.” આ સાંભળી આખો વર્ગ હસી પડેલો. સાહેબે નોટ પાછી આપતાં કહેલું, “તું આપણું નગર છોડી અમદાવાદ સુધી જાય ને તોય ઘણું!”

એક વાર તેમના જિલ્લાની ચિત્રની સ્પર્ધા જિલ્લાસ્થળે યોજાઈ હતી. તે અંગે શાળામાં પણ પરિપત્ર આવ્યો હતો. આચાર્યસાહેબે પ્રાર્થનાસભામાં આ વાત કરતાં કહ્યું, “જેમને આ ચિત્રસ્પર્ધામાં ભાગ લેવો હોય તે વર્ગશિક્ષકને નામ નોંધાવે.” ચિન્ટુએ પણ વર્ગશિક્ષકને નામ નોંધવા કહ્યું. સાહેબ કહે, “અલ્યા, શાળાનું નામ બોળવું છે? તારે ભાગ લેવા જવાનું નથી.” ચિન્ટુને એમાં જવાની તક ન આપી.

ચિન્ટુ રાતે એકલો એકલો બહુ રડયો. તેને થયું કે જો મને ભાગ લેવા દીધો હોત તો શાળાનું નામ રોશન કરત, પણ… ચિન્ટુએ મનોમન નક્કી કર્યું કે એક વાર તે ચિત્રમાં ઇનામ લઈ સાહેબને બતાવી દેશે કે હું કંઈ કમ નથી!

સ્પર્ધાનું પરિણામ આવ્યું. શાળામાંથી ભાગ લેવા ગયેલા એમાંથી એકેયને સમ ખાવાય ઇનામ મળ્યું ન હતું. પ્રાર્થનાસભામાં આચાર્યસાહેબ ટીખળમાં બોલ્યા, “કદાચ ચિન્ટુને મોકલ્યો હોત તો ઇનામ લઈ આવ્યો હોત!” ને સૌ હસી પડયા.

આમ ને આમ દિવસો વીતતા ગયા.

એક વાર અમદાવાદ રહેતા ચિન્ટુના મામા આવ્યા. ચિન્ટુની મમ્મીએ વાત વાતમાં કહ્યું, “આ તમારા ભાણિયાને ચિત્તરનો

ગાંડો શોખ છે. એને જરા શિખામણ આપતા જજો.” મામા ભણેલા હતા. તેમણે ચિન્ટુનાં ચિત્રો જોયાં. એ જોઈ મામા ખુશ થઈ ગયા. ચિન્ટુમાં રહેલી મૌલિક સર્જન શક્તિ ચિત્રમાં વર્તાતી હતી. મામાને થયું કે બાળકો માટેની ચિત્રસ્પર્ધામાં ચિન્ટુ ભાગ લે તો ચોક્કસ ઇનામ લઈ આવે.

એક વાર મામાએ પેપરમાં ફ્રાન્સ દેશે યોજેલી ચિત્રસ્પર્ધા અંગે વાંચ્યું. એમણે વેબસાઇટ ખોલી. ચિત્રસ્પર્ધા અંગેના નિયમો અને ફોર્મની નકલ મેળવી. તેઓ ફરી ચિન્ટુને ઘેર ગયા અને પોતાને ઘેર લઈ આવ્યા. સ્પર્ધાના નિયમ મુજબનું એની પાસે ચિત્ર તૈયાર કરાવ્યું ને પછી સ્પર્ધામાં મોકલી આપ્યું. આ વાત હમણાં ખાનગી રાખવા મામાએ ચિન્ટુને કહ્યું.

ને એક દિવસ મામા ચિન્ટુને ઘેર આવ્યા. આવતાંવેંત કહે, “ક્યાં ગયો ચિન્ટુ?” મમ્મી કહે, “શું છે? કંઈ પરાક્રમ કર્યું છે?” “હા બહેના, પરાક્રમ…! એય કેવું મોટું? તુંય ખુશ થઈશ. પેરિસની ચિત્રસ્પર્ધામાં એના વિભાગમાં એનો પ્રથમ નંબર આવ્યો છે!” એટલામાં ચિન્ટુય આવી ગયો. મામાએ એને તેડી જ લીધો. મમ્મીય ખુશ ખુશ થઈ ગઈ. “બહેના, ઇનામ લેવા છેક પેરિસ જવાનું નિમંત્રણ છે. ટિકિટ પણ એ લોકો મોકલવાના છે. બાળક સાથે એક વ્યક્તિ વાલી તરીકે જઈ શકશે.”

આ સમાચાર ચિન્ટુના નગરમાં પવનની જેમ ફેલાઈ ગયા. શાળામાંથી સૌને ખબર પડી. સાહેબો તો માનવા જ તૈયાર ન થાય. મામા શાળામાં ગયા. આચાર્યસાહેબને બધી વાત કરી. સાહેબે તરત જ સભા બોલાવી, આચાર્યસાહેબે ચિન્ટુને જાહેરમાં બિરદાવ્યો. કહે, “તેં શાળાનું નામ રોશન કર્યું!”

ચિન્ટુને શાળાએ કેટલું પ્રોત્સાહન આપ્યું હતું તે મામા જાણતા હતા, પણ મનમાં એ વાત દબાવી જાહેરમાં મામાએ કહ્યું, “દરેક બાળકમાં કોઈ ને કોઈ શક્તિ પડેલી હોય છે. એને જો આપણે ઓળખીએ અને તક આપીએ તો કમળના ફૂલની જેમ એ ખીલી ઊઠે છે અને સૂર્યની જેમ ઝળહળી ઊઠે છે. તમે લોકો ચિન્ટુની ચિત્રની કળાને ન ઓળખી શક્યા. મેં પણ તમારી જેમ એની સાથે વર્તન કર્યું હોત તો? ખેર…! અંતે જે થયું તે તમારી સામે છે!”

વર્ગશિક્ષક સહિત સૌ સાહેબોને થયું કે, ચિન્ટુને સમજવામાં આપણે સૌ ગોથું ખાઈ ગયા. કોલસાના કોથળામાં હીરો હતો પણ એનેય કોલસો ગણ્યો, હીરો નહીં! સૌ શિક્ષકોના ચહેરા પર આ અફસોસ દેખાઈ રહ્યો હતો, જ્યારે ચિન્ટુનો ચહેરો ખિલખિલ થઈ રહ્યો હતો.