બાળ વાર્તા : સનીની સાઇકલ - Sandesh
  • Home
  • Featured
  • બાળ વાર્તા : સનીની સાઇકલ

બાળ વાર્તા : સનીની સાઇકલ

 | 9:40 pm IST

સની હવે સાતમા ધોરણમાં આવ્યો હતો. તેની સ્કૂલ ઘરેથી લગભગ ત્રણેક કિલોમીટર દૂર હતી. આમ તો તે સ્કૂલે રિક્ષામાં જતો-આવતો હતો.

સનીના મિત્રો પ્રિયાંક અને ધીરેન નવી સાઇકલો લાવ્યા હતા. તેઓ હવે સાઇકલ પર જ સ્કૂલે જવાના હતા. સનીએ મમ્મીને કહ્યું, “મમ્મી, તું પપ્પાને કહેને મને નવી સાઇકલ લાવી દે.”

દિવ્યાબહેન કહે, “પણ બેટા, તને ગિરદીમાં ચલાવતાં ન ફાવે.”

“મને ફાવે છે, મમ્મી. મારા ભાઈબંધોની સાઇકલ હું રોડ પર ચલાવું છું ને એય પાછળ ભાઈબંધને બેસાડીને, બોલ?” સનીએ બહાદુરની જેમ કહ્યું. આ સાંભળી દિવ્યાબહેનને લાગ્યું કે સની સાઇકલ ચલાવે એવડો મોટો થઈ ગયો છે, “સારું, આજ તારા પપ્પાને વાત કરીશ.”

આ સાંભળી સની રાજી થયો. આ વાતની વધાઈ તેણે દાદા આગળ ખાધી ને દાદાનેય ભલામણ કરવા સમજાવ્યા.

સાંજે ભાનુભાઈ ઓફિસેથી આવ્યા. જમ્યા પછી સૌ બેઠા ને સનીની સાઇકલની વાત નીકળી. થોડી રકઝક પછી સનીની સાઇકલ મંજૂર થઈ. સની બહુ ખુશ થયો, પરંતુ પપ્પાએ કેટલીક શરતો સંભળાવતાં કહ્યું.

“જો સની, સાઇકલ અપાવું, પણ આટલી વાતો ધ્યાન રાખજે. અંદરોઅંદર ઝડપી ચલાવવાની હરીફાઈ નહીં કરવાની. બીજી વાત રોડ પર સાઇડમાં જ તે ચલાવવાની. સ્કૂલે જતાં-આવતાં બે-ત્રણ ભાઈબંધોએ જોડાજોડ નહીં ચલાવવાની કે ચલાવતી વખતે વાતોના તડાકા નહીં મારવાના. એકની પાછળ એક અને ધ્યાનથી ચલાવવાની ને હાથ વડે સાઇડ માગ્યા વગર વળાંક લેવાનો નહીં.”

“મંજૂર, પપ્પા. આ બધી વાતો યાદ રાખીશ.”

“ને એક અગત્યની વાત. જ્યાં પણ સાઇકલ મૂકે ત્યાં ડબલ લોક કરવાનું ભૂલવાનું નહીં.”

દિવ્યાબહેન વચ્ચે બોલ્યાં, “હા સની, તું પાછો થોડો ઉતાવળિયો અને ભુલકણો છે. જો લોક કરવાનું ભૂલ્યો તો સાઇકલ ખોવાઈ સમજો.”

“ઓ.કે. મમ્મી, આ બધી વાતો હું ધ્યાન રાખીશ.”

ને સનીની નવીનકોર સાઇકલ આવી ગઈ. તેના મિત્રો પણ તે જોવા માટે ઘેર આવ્યા. બધાએ એક-એક આંટોય મારી જોયો. સૌએ સાઇકલનાં વખાણ કર્યાં. સનીએ સૌને તે ખુશીમાં ચોકલેટ ખવરાવી.

સનીની સાઇકલ માટે દાદા સાંકળવાળું નવું લોક લઈ આવ્યા. એ સાથે ‘જેહહઅ’ લખેલ રંગબેરંગી કી-ચેઇન પણ લાવ્યા. આ જોઈ સની રાજી થયો.

પછી તો શાળાઓ ખૂલી. સની પણ તેના ભાઈબંધો સાથે સાઇકલ લઈ નિશાળે જવા લાગ્યો. સાઇકલ મળી કે સની રાજા! શેઠની શિખામણ ઝાંપા સુધી. સની મનફાવે તેમ સાઇકલને હવામાં ઉડાવવા લાગ્યો.

 એક વાર ત્રણે મિત્રો શાળાએથી જોડાજોડ સાઇકલ ચલાવતા, વાતોના તડાકા મારતા આવતા હતા. પાછળથી આવતી રિક્ષાએ સનીને ટક્કર મારી. સની પડતાં પડતાં માંડ માંડ બચ્યો. રિક્ષાવાળો તાડૂક્યો, “આમ, ત્રણે જણા અડધો રોડ રોકી સાઇકલ શીદ ચલાવો છો? બાપાનો આગવો રોડ છે? ક્યાંક કચડાઈ મરશો…” સનીને પપ્પાની શિખામણ યાદ આવી ગઈ.

શનિવારે સવારની સ્કૂલ હતી. સાંજે સની તેના મિત્રો સાથે સાઇકલો લઈ નજીકના બાગે ફરવા ગયા. ત્યાં રમ્યા, દોડયા, હીંચકા ખાધા ને આઇસ કેન્ડી પણ ખાધી. પછી જોરજોરથી હસતાં હસતાં બહાર આવ્યા. જોયું તો ત્રણમાંથી એક સાઇકલ ન હતી. સનીની જ સાઇકલ ન હતી! આ જોઈ સનીના હોશકોશ ઊડી ગયા. તેણે આમતેમ જોયું પણ સાઇકલ હોય તો જડેને? તેણે ગજવામાં હાથ નાખ્યો પણ કી-ચેઇન ન હતી. સનીને પોતાની ભૂલ સમજાઈ ગઈ. ઉતાવળમાં તે સાઇકલને લોક કરવાનું જ ભૂલી ગયો હતો! હવે? નક્કી પપ્પા ધોઈ નાખવાના… ને સની રડવા લાગ્યો. બંને મિત્રોએ માંડ માંડ છાનો રાખ્યો ને સમજાવી-પટાવીને ઘેર લાવ્યા.

આ માઠા સમાચાર સાંભળી મમ્મી ગુસ્સે થઈ. તે સનીને વઢવા લાગી. પપ્પા ઘરમાં હતા. તે બહાર આવ્યા. તે સનીને મારવા ગયા પણ દાદાએ આવી, વચ્ચે પડી સનીને બચાવ્યો.

દાદા બોલ્યા, “સની બેટા, ભુલકણા સ્વભાવની કેવડી મોટી કિંમત ચૂકવવી પડી? જોયું!”

સની રડતાં રડતાં કહે, “હા, દાદા. હવે આવી ભૂલ કદી નહીં કરું.”

પપ્પા કહે, “હવે નવી સાઇકલ લાવવાની નથી ને નિશાળે જવા રિક્ષા પણ બંધાવાની નથી. રોજ ટાંગા તોડતો જજે-આવજે. આ તારી શિક્ષા!”

દાદા હસીને બોલ્યા, “ભાનુ, તુંય નાનો હતો ત્યારે નિશાળમાં ઘણું બધું ભૂલીને આવતો હતો. સનીને સાઇકલ હું અપાવીશ.” આમ કહી દાદાએ ગજવામાંથી કી-ચેન કાઢી સની સામે ધરતાં કહ્યું, “લે, બેટા.”

“અરે! આ તો મારું જ કી-ચેન..? તો મારી સાઇકલ…” સની નવાઈ પામતાં બોલ્યો. દાદા હસતાં હસતાં બોલ્યા, “બેટા સાંભળ, તમે જ્યાં ગયા હતા એ બાગમાં હુંય ગયેલો. અંદર પેસતાં તારી સાઇકલ જોઈ તેથી નજીક ગયો. જોયું તો તું લોક કરવાનું ભૂલી ગયો હતો. મને થયું કે તને ટકોર કરવાની આ સારી તક છે. એટલે પછી તારી સાઇકલ લઈને હું ઘેર આવી ગયો.

“પણ અહીં ક્યાંય સાઇકલ તો નથી?” દિવ્યાબહેન બોલ્યાં.

“એ પડોશીને ત્યાં મૂકી છે. લે બેટા…” દાદાએ કી-ચેઇન આપતાં કહ્યું, “જા લઈ આવ. પણ હવેથી ધ્યાન રાખજે હોં. આ તો હું હતો બાકી બીજા કોઈનું ધ્યાન ગયું હોત તો..?”

“દાદા, હવે કદી ભૂલ નહીં કરું હોં!” આમ કહી સની દાદાને વળગી પડયો, “આઈ લવ યુ, દાદા!”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન