બાળ વાર્તા : ચાલાક ફેરિયો - Sandesh
  • Home
  • Kids Corner
  • બાળ વાર્તા : ચાલાક ફેરિયો

બાળ વાર્તા : ચાલાક ફેરિયો

 | 3:54 pm IST

એ ક ફેરિયો હતો. એ રોજ ગામેગામ ફેરી કરતો અને જાતજાતની વસ્તુઓ વેચતો. નાનાં બાળકો માટેની પિપરમીટથી માંડીને રમકડાં જેવી અનેક વસ્તુઓ એ રાખતો. એક ગામથી બીજે ગામ ફરતો રહેતો. ક્યારેક તેની વસ્તુઓ વેચાતી તો ક્યારેક ન વેચાતી પણ તે કદી કોઈ ફરિયાદ ન કરતો. જો એક ગામમાં વસ્તુઓ ન વેચાય તો તે બીજે ગામ જતો. પોતાની પાસે આવનાર દરેક સાથે પ્રેમથી વાત કરતો અને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ જ વેચતો. એક દિવસ આ ફેરિયાની એક પણ વસ્તુ વેચાઈ નહોતી એટલે એક ગામથી બીજે ગામ ફરતાં ફરતાં તે સાંજે સુંદરપુર નામના એક અંતરિયાળ ગામમાં જઈ ચડયો. એ વખતે ગામમાં કોઈ મોટો ઉત્સવ હતો. ગામમાં ફેરિયો આવતાં બાળકોને તો મજા પડી ગઈ. એક બાળકથી બીજું બાળક ને બીજાથી ત્રીજું. ધીમે ધીમે તો ફેરિયાનો આખો થેલો ખાલી થઈ ગયો. તેની બધી જ વસ્તુઓ વેચાઈ ગઈ. ઘણા દિવસો પછી પોતાનો બધો સામાન વેચાઈ જતાં ફેરિયો બહુ જ ખુશ થયો. હવે પોતે કમાવેલા પૈસાથી બીજો સામાન લઈશ એમ વિચારી તે ઘરે જવા નીકળ્યો.

ગામના લોકોએ રસ્તામાં ચોર-લૂંટારાઓનો ભય હોવાથી રોકાઈને સવારે જવા કહ્યું પણ તે ન માન્યો. તે તો નીકળ્યો. શિયાળાનો દિવસ હતો અને અંધારું જલદી થઈ ગયું. રસ્તો પણ અજાણ્યો હતો. ગામલોકોએ ચોર-લૂંટારાઓનો ભય છે તેમ કહ્યું’તું તે તેને યાદ આવ્યું. તે ધીમે ધીમે દૂર સુધી નજર માંડીને ચાલતો રહ્યો. આખરે ગામલોકોની વાત તેને સાચી પડતી લાગી. ઝીણી આંખે દૂર તેને મશાલ બળતી દેખાઈ. નક્કી ચોર છે અને પોતાને લૂંટી જ લેશે એવું લાગતાં તે તરત ઊભો રહી ગયો. પોતાના ખિસ્સામાં રહેલા થોડાક છુટ્ટા પૈસા આસપાસ જમીન પર નાખ્યા. શર્ટનો એક કોલર ફાડી નાખ્યો અને પછી જોરજોરથી બૂમો પાડવા લાગ્યો, “બચાવો બચાવો… લૂંટી લીધો રે મને… બચાવો બચાવો… કોઈ તો બચાવો.” ફેરિયાની આ બૂમો દૂર દૂર રહેલા ચોરોએ સાંભળી. તેઓ દોડતાં દોડતાં આવ્યા. ફેરિયો, “મારા પૈસા લઈ ગયા… મને લૂંટી લીધો એમ કહીને જમીન પર આળોટવા લાગ્યો. આ બાજુ જ ગયા છે ભાઈ, પકડો એમને… મને લૂંટી લીધો રે…” જે ખરેખર ચોર હતા તે ફેરિયાની રોકકળથી ઘડીક માટે તો સાવ હેબતાઈ ગયા અને પછી ફેરિયાને લૂંટીને ભાગનારાને લૂંટવા માટે પોતે એની પાછળ ભાગ્યા. એ દેખાતા બંધ થયા એટલે ફેરિયો પોતાના પૈસા વીણીને ફરી પોતાને રસ્તે આગળ ગયો અને શાંતિથી ઘરે પહોંચી ગયો.

  • મેહુલ મંગુબહેન