બાળ વાર્તા : એક હતી બટાકી - Sandesh
  • Home
  • Featured
  • બાળ વાર્તા : એક હતી બટાકી

બાળ વાર્તા : એક હતી બટાકી

 | 7:14 pm IST

એક નાની બેબી. નામ એનું રિચા. ચોથા ધોરણમાં એ ભણે. ભણવામાં એ હોશિયાર. કાયમ એકથી પાંચમાં નંબર લાવે.

રિચાને એક કુટેવ. એ બટાકા સિવાય અન્ય કોઈ શાક ન ખાય. એને બટાકાની ભાજી ભાવે. બટાકાની વેફરની એ શોખીન. બટાટા-પૌંઆ મળે તો રાજી રાજી થઈ જાય. ઘરમાં મમ્મી વઢે, દાદાય વઢે, પણ એ કોઈનું ન માને. સૌ અકળાય. આનું કરવું શું?

શાળામાંય નાસ્તાના ડબ્બામાં આવું બધું લઈ જાય. મમ્મી કહે, “શાક ને રોટલી લઈ જા. જરા ખાતાં શીખ.” એટલે રિચા કહે, “રોટલી લઈ જાઉં પણ બટાકાનું શાક ભરી દે.” હવે આને શું કહેવું? ખિજાઈને મમ્મી એને બટાકી કહી ચીડવે, તોય એ ન સુધરે.

એક વાર રિચાના પપ્પા સ્કૂલમાં ગયા. વર્ગશિક્ષકને મળ્યા. રિચાની કુટેવની વાત કરી. પછી કહે, “બહેન, તમે કંઈક કરો તો એની આ કુટેવ છૂટે.” રિચાના પપ્પાના ગયા બાદ તેમણે રિચાને બોલાવીને કહ્યું, “કાલથી તારે મને નાસ્તાનો ડબ્બો બતાવવાનો, પણ એમાં બટાકાની કોઈ વાનગી નહીં લાવવાની. સમજી?” આ સાંભળી રિચા નવાઈ પામી. હવે?

પછીના દિવસથી નાસ્તાના ડબામાં મમ્મી રોટલી સાથે બટાકા સિવાયનું શાક ભરી દે. રિચા સ્કૂલે જાય. રિસેસ પડે એટલે વર્ગશિક્ષિકા પાસે જાય. લંચબોક્સ બતાવે. ટીચર ચેક કરે પછી એ નાસ્તો કરવા જાય, પણ કશું ન ખાય. આખો ડબ્બો કચરાપેટીમાં ઊંધો પાડી દે. ભૂખી જ રહે. ઘરે આવે ત્યારે મમ્મી પર ખિજાય. વળી ભૂખથી એ સાવ નંખાઈ ગયેલી લાગે. મમ્મી બધું સમજી જાય કે બટાકીએ કશું ખાધું નથી.

બટાકીની આ ટેવથી ઘરનાં સૌ પરેશાન હતાં. એટલામાં દાદાને એક ઉપાય જડી ગયો.

રવિવારની રજા આવી. દાદા કહે, “રિચા બેટા, ચાલ મારી સાથે ફરવા.” રિચા કહે, “ક્યાં જવાનંુ છે?” દાદા કહે, “હું તને કંઈક નવું બતાવું.”

આમ કહી દાદા રિચાને લઈ હોસ્પિટલ ગયા. તે બાળકોની હોસ્પિટલ હતી. ત્યાંનાં ડોક્ટર અને નર્સ દાદાને ઓળખતાં હતાં. ડોક્ટરે દાદાને આવકાર્યા. “આવો સુમનકાકા, નમસ્કાર.”

“જય શ્રીકૃષ્ણ ડોક્ટર સાહેબ.” દાદા બોલ્યા ને એ પછી રિચાને કહે, “બેટા, ડોક્ટર અંકલને જે-જે કરો.” રિચાએ ડોક્ટરને હાથ જોડી વંદન કર્યાં. ડોક્ટર કહે, “વેરી સ્માર્ટ ગર્લ! કયા ધોરણમાં ભણે છે?” રિચા કહે, “ચોથા ધોરણમાં.”

પછી દાદા રિચાને લઈને ડોક્ટરની કેબિનમાં ગયા. કેબિનમાં દીવાલ પર નાનાં બાળકોનાં ચિત્રો હતાં. રિચા તે જોવા લાગી. દરેકમાં અંગ્રેજીમાં કંઈક લખ્યું હતું, પણ તે ઉકેલી ન શકી.

“દાદા, ચિત્રમાં આ બાબો આવો માંદલો કેમ છે?”

“એ તું ડોક્ટર અંકલને પૂછ” દાદાએ કહ્યું. રિચાએ ડોક્ટરને પૂછયું. ડોક્ટર કહે, “બેટા, આ બાબો દૂધ પીતો નથી એટલે તે વારંવાર બીમાર પડી જાય છે. દૂધ ન પીએ તો આવા થઈ જવાય. તું દૂધ પીએ છે?”

“હા, હું તો દૂધ પીઉં છું.” કહી રિચા હસી પડી. પછી રિચા બીજી દીવાલ પરનું ચિત્ર જોવા લાગી. એમાં એક માંદલી છોકરી દેખાતી હતી. તેનું શરીર ફૂલી ગયું હતું. તેની આંખો સૂજી ગઈ હતી. રિચાએ પૂછયું, “અંકલ, આ છોકરી આવી કેમ છે?”

“કહું? એ રોજ એક જ શાક ખાય છે બટાકાનું શાક. એને બીજાં શાક ભાવતાં નથી એટલે પછી તે આવી થઈ ગઈ. સમજી?” તું તો બધાં શાક ખાય છે ને?”

પણ રિચા શું બોલે? ડોક્ટરે ફરી પૂછયું, “તને કયાં કયાં શાક બહુ ભાવે છે?” ફરી રિચા ચૂપ. એટલે દાદા હસીને કહે, “ફક્ત બટાકાનું.”

ડોક્ટર કહે, “જો બેટા, તારે ભણવામાં પણ આવતું હશે કે શાકભાજીમાં વિટામિન્સ અને ખનિજક્ષારો રહેલાં છે. તમે આ બધાં શાક નિયમિત ન ખાઓ તો શરીરનો વિકાસ રુંધાય.”

“એ કઈ રીતે?” રિચાએ પૂછયું.

“સાંભળ, તને સ્કૂલમાં કુદરતી સૌંદર્યનું ચિત્ર દોરી રંગ પૂરવાનું કહેવામાં આવે. હવે એ ચિત્રમાં તું તારો એક જ મનગમતો કલર પૂરે તો ચિત્ર કેવું લાગશે? એના બદલે તું ઝાડમાં લીલો, સૂરજમાં પીળો, પહાડમાં કથ્થઈ, નદીમાં વાદળી વગેરે રંગો પૂરે તો?”

રિચાને ચિત્રની વાત સમજાઈ ગઈ. તે શાકભાજી અંગે વિચાર કરવા લાગી. તે બોલી, “બધા રંગોથી ચિત્ર સરસ બને.”

“એ જ રીતે બધાં શાકભાજીથી શરીર પણ સરસ બને.”

“અંકલ, તમારી વાત મને સમજાઈ ગઈ.”

“શું સમજી, બેટા?” ડોક્ટરે ખાતરી કરવા પૂછયું, એટલે રિચા બોલી, “એકલા બટાકા ના ચાલે. બધાં શાક વારાફરતી ખાવાં જોઈએ.” આ સાંભળી ડોક્ટરની સાથે દાદાય ખુશ થયા.

દાદા ને રિચા કેબિન બહાર નીકળ્યાં. થોડે દૂર જઈ દાદા કહે, “બેટા, અહીં ઊભી રહેજે, હું મારાં ચશ્માં અંદર ભૂલી ગયો, લઈ આવું.” આમ કહી દાદા ફરી કેબિનમાં ગયા. ડોક્ટરને કહે, “ચિરાગભાઈ, આપણી યોજના સફળ થઈ ખરી. સહકાર આપવા બદલ આભાર.”

“એ શું બોલ્યા અંકલ, એ તો મારી ફરજનો એક ભાગ છે.” ડોક્ટરે કહ્યું.

ઘરે જતાં રસ્તામાં રિચા દાદાને કહે, “દાદા, આજે તમે અહીં લાવ્યા તે સારું થયું હોં!” ને દાદા મનોમન ખુશ થયા.