બાળ વાર્તા : ગીધની ફરિયાદ - Sandesh
  • Home
  • Kids Corner
  • બાળ વાર્તા : ગીધની ફરિયાદ

બાળ વાર્તા : ગીધની ફરિયાદ

 | 3:33 pm IST

એક દિવસ સુંદરવનનો પ્રેસિડેન્ટ લવલી લાયન તેના મંત્રીઓ સાથે બેઠો હતો. એવામાં એક અજાણ્યું ગીધ ફરિયાદ લઈને આવ્યું અને બોલ્યું, “માફ

કરજો મહારાજ, પણ તમને સરખી રીતે રાજ કરતા નથી આવડતું. તમારા રાજમાં આખા સુંદરવનની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે અને એમાં પણ સૌથી ખરાબ હાલત તો અમારી અને સમડીઓની છે.”

ગીધની આવી વાત સાંભળીને વિક્ટર વરુ, સેનાપતિ શેરુ સહિત તમામ પ્રાણીઓ અકળાઈ ઊઠયાં. જમ્બો હાથી ગુસ્સામાં સૂંઢ હલાવતો હલાવતો આગળ આવ્યો અને બોલ્યો, “મૂર્ખ ગીધ, લવલી લાયન જેવા ઉમદા પ્રેસિડેન્ટ સાથે આવી રીતે વાત કરે છે. ખબરદાર જો હવે એક પણ શબ્દ બોલ્યું તો….”

જમ્બો આગળ બોલવા જ જતો હતો, પણ લવલી લાયને તેને વાર્યો. ગીધની વાતોથી અકળાયા વગર તે શાંતિથી બોલ્યો, “બની શકે કે તમારી વાત સાચી હોય ગીધજી, પણ તમે મને તે સરખી રીતે સમજાવો તો ખબર પડે.”

ગીધ બોલ્યું, “પ્રેસિડેન્ટ, તમારા શાસનમાં સુંદરવનમાં પ્રાણીઓ-પ્રાણીઓ વચ્ચેના ભેદભાવો સતત વધી રહ્યા છે અને તમે તેના પર કશું ધ્યાન જ આપતા નથી.”

હવે સેનાપતિ વિક્ટર વાઘ અકળાયો અને બોલ્યો, “મૂર્ખ ગીધ, સીધી તકલીફની જ વાત કરને, બાકી નકામો બકવાસ શું કામ કરે છે!” જોકે, લવલી લાયને તેને પણ શાંત પાડયો અને બોલ્યો, “જુઓ ગીધજી, હું ભલે સુંદરવનનો પ્રેસિડેન્ટ રહ્યો પણ આખરે તો હું પણ તમારી જેમ એક સામાન્ય પ્રાણી જ છું. મારાથી પણ ભૂલ થઈ શકે છે તેમ હું માનું છું. તમારી જે સમસ્યા હોય તે નિરાંતે જણાવો. હું તેને ઉકેલવાનો ચોક્કસ પ્રયાસ કરીશ.”

લવલી લાયનનું આવું સાલસ વર્તન ગીધને ગમ્યું. તે બોલ્યું, “પ્રેસિડેન્ટજી, અમારા ગીધ સમાજની વસ્તી આમ પણ સુંદરવનમાં ઓછી છે અને તેમાં પણ સુંદરવનનાં અનેક પ્રાણીઓ અમે જાણે કે જંગલની બહારનાં હોઈએ એમ વર્તે છે. અમારી સાથે ભેદભાવ રાખવામાં આવે છે. અમને દૂરનાં ઝાડ પર જ માળો બાંધવા દેવામાં આવે છે અને અમારાં બચ્ચાંઓને પણ ધુત્કારવામાં આવે છે.”

ગીધની વાત સાંભળીને સભામાં સોપો પડી ગયો. થોડી વાર બાદ લવલી લાયન બોલ્યો,

“મારા વહાલા અને પ્રેમાળ સુંદરવનમાં આવું ચાલી રહ્યું છે અને મને તેની જાણ નથી! શું આ વાત ખરેખર સાચી છે?” હવે ગુસ્સે થયેલો જમ્બો આગળ આવ્યો અને બોલ્યો, “સાચી વાત છે લવલી. કેટલાંક તૃણભક્ષીઓ મૃત માંસ આરોગી કુદરતી રીતે જ સફાઈ રાખતાં ગીધોને તેમજ ક્યારેક માંસભક્ષીઓને પણ ધુત્કારે છે. જોકે, મોટાં પ્રાણીઓ આગળ તેમની તાકાત ન ચાલતી હોવાથી વધારે ભોગ તો ગીધ અને સમડીઓ જ બને છે.”

લવલી લાયને પોતાના વડપણ હેઠળ તાત્કાલિક એક તપાસ સમિતિ નીમી. ફરિયાદ લઈ આવનાર ગીધને પણ તેમાં સમાવવામાં આવ્યું. આ સમિતિએ તપાસ કરતાં તમામ ફરિયાદ સાચી નીકળી. લવલી લાયને ખોરાકને આધારે થતાં ભેદભાવની સામે નવો કાયદો પસાર કર્યો અને દર મહિને સુંદરવનનાં તમામ પ્રાણી-પંખીઓ માટે એક સમૂહભોજનું પણ આયોજન કર્યું. આ સમૂહભોજને શરૂઆતમાં તો બહુ પ્રતિસાદ ન મળ્યો, પણ ધીમે ધીમે દરેક પશુ તથા પંખીને એકમેકની ખોરાકની ટેવો અને જરૂરિયાતો વિશે માહિતી મળી. છેવટે, એક દિવસ એવો આવ્યો કે ગીધસમાજ સાથેના ભેદભાવનો અંત આવ્યો.

  • મેહુલ મંગુબહેન