બાળ વાર્તા - સફેદ કાગડો - Sandesh
  • Home
  • Featured
  • બાળ વાર્તા – સફેદ કાગડો

બાળ વાર્તા – સફેદ કાગડો

 | 4:35 pm IST

રિધમને શાળામાં રજાઓ પડી ગઈ હતી. પપ્પાએ તેને કાગળ, પીંછી અને વોટરકલર લાવી દીધા હતા. રિધમને ચિત્રકામનો બહુ શોખ હતો. તે ઓટલા પર બેસી ચિત્રમાં રંગ પૂરતો હતો.

બાજુના લીમડાના ઝાડ પર બેઠો બેઠો એક કાગડો આ બધું જોતો હતો. તેને નવાઈ લાગી. તેણે પૂછયું, “અલ્યા છોકરા, આ શું કરે છે?” રિધમ બોલ્યો, “કાગડાઅંકલ, માય નેમ ઇઝ રિધમ.”

“ઓહો! રિધમભાઈ, શું કરો છો?” કાગડો બોલ્યો.

“ડ્રોઇંગ કરું છું ને કલર કરું છું.” રિધમે ઊંચે જોયા વગર કહ્યું.

“રિધમભાઈ, તમારી પાસે કેટલા કલર છે?”

“ઘણા બધા. જુઓ આ રેડ, આ યલો, આ બ્લેક ને આ વાઇટ.”

“રિધમભાઈ, એક વાત કરું?” આમ કહી કાગડો ઊડીને છેક ઓટલાની ધાર પાસે આવીને બેઠો. “કહોને કાગડાઅંકલ.”

“મનેય કલર કરી દોને?” આ સાંભળી રિધમભાઈ હસ્યા.

“સાચું કહું છું. મને આ કાળો કલર નથી ગમતો.”

“ઓકે. કહો, કયો કલર કરી દઉં?” એટલે કાગડો કહે, “સફેદ રંગ કરી દો.” “ભલે.” રિધમને થયું કે આમેય સફેદ કલર બહુ વપરાતો ન હતો. રિધમે પીંછી વડે કાગડાને સફેદ રંગ કરી દીધો. કાગડો બહુ ખુશ થઈ ગયો. “થેંક્યુ, રિધમભાઈ” કહી તે ઊડી ગયો.

કાગડો ત્યાંથી ગામને પાદર ગયો. ત્યાં પીપળાના ઝાડ પર બીજા ઘણા કાગડા બેઠા હતા. તે પણ નજીક જઈને બેઠો. બધા કાગડાઓ નવાઈ પામી તેને જોઈ જ રહ્યા. આ વળી કયું નવું પક્ષી આવ્યું? લાગે છે તો આપણા જેવું, પણ એનો રંગ આવો ધોળો કેમ?ળ

કાગડાના સરદારે પૂછયું, “પક્ષીભાઈ, તમે અમારા જેવા લાગો છો. તમે કાગડો તો નથી જ. તો તમે છો કોણ?”

આ સાંભળી ધોળો કાગડો મનોમન ફુલાયો. તેને થયું કે લાવ મને ગપ્પું હાંકવા દે. તે બોલ્યો, “હું કાગડો જ છું- તમારા જેવો.”

“તો પછી આવો ધોળો રંગ કેમ?” બીજા કાગડાએ પૂછયું.

“હું આમ જંગલમાં ગયો હતો. ત્યાં વનદેવી મળ્યાં. એમની કૃપાથી હું આવો થઈ ગયો. વનદેવી કહે તું હવે ગામમાં જા અને તારી ટોળીનો સરદાર થજે.”

સરદાર કાગડાએ આ સાંભળ્યું પણ તેને વિશ્વાસ ન પડયો. તે બીજા કાગડાઓને કહે, “ભાઈઓ, આ જૂઠાબોલો છે. તે કાગડો નથી. આપણને તે છેતરવા આવ્યો છે.”

ધોળો કાગડો કહે, “મારી વાત સાચી માનો. મને વનદેવીએ મોકલ્યો છે. હું કાગડો જ છું. મારો અવાજ સાંભળો કા… કા… છેને તમારા જેવો?”

સરદાર કાગડો કહે, “મિત્રો, આ તેની ચાલાકી છે. કોઈએ આનો વિશ્વાસ ન કરવો. એનાથી દૂર જ રહેજો. ચાલો ઊડો.” ને સરદાર બધા કાગડાને લઈ ઊડી ગયો. ધોળો કાગડો એકલો પડી ગયો.

ત્યાંથી કાગડો ચબૂતરા તરફ ગયો. ત્યાં કબૂતરાં, હોલા, ચકલાં ચણ ચણતાં હતાં. ધોળા કાગડાને જોઈ એ સૌ ભડક્યાં. બધાં ડરીને દૂર જઈને બેઠાં. એટલે ધોળો કાગડો કહે, “મારાથી ડરો નહીં હોં! હું તો કાગડો છું.” “પણ તમારો રંગ આવો કેમ?”

“એ તો મને વનદેવીએ વરદાનરૃપે આ રંગ આપ્યો છે.”

એક કબૂતર કહે, “ભલે વરદાન હોય પણ તમે આ રંગમાં જરાય સારા નથી લાગતા.” કાગડાને થયું કે આ વળી કેવું? લોકો કાળામાંથી ધોળા થવા પ્રયત્ન કરે છે. હું ધોળો થયો તો આ લોકોને નથી ગમતો. તેણે પૂછયું, “કબૂતરભાઈ, તમને ધોળા થવું ગમે કે?”

“ના, હોં! જેવા છીએ તેવા ઠીક જ છીએ. કેમ હોલાભાઈ?”

હોલો કહે, “હા, કબૂભાઈ, ભગવાને જેવા બનાવ્યા છે એવા જ રહેવામાં મજા. સૌના જેવા રહીએ તો શાંતિથી રહેવાય.”

આ સાંભળી કાગડાને થયું કે ધોળા થવામાં ઉતાવળ કરી નાખી. તેને પસ્તાવો થવા લાગ્યો. ફરી તે ઊડયો ને રિધમ પાસે આવ્યો. રિધમભાઈ, ચિત્રનું કામ પતાવી હીંચકે બેસી હીંચતા હતા.

“રિધમભાઈ, આવું કે?” રિધમે ઊંચે જોયું. ધોળા કાગડાને જોઈ તે કહે, “ઓહો! તમે અંકલ? આવો. બધે ફરી આવ્યાને? તમને મજા પડીને?”

“રિધમભાઈ, મને ફરી પાછો કાળો કલર કરી દોને?”

“અંકલ, કાલે આવજો. આજનું ડ્રોઇંગ કામ ખતમ. ડિશ ને હાથ પણ ધોઈ નાખ્યાં.”

આ સાંભળી કાગડાભાઈ નિરાશ થઈ ગયા. તે રિધમને વારંવાર વિનવવા લાગ્યો, પણ રિધમભાઈ ન માન્યા.

એટલામાં રિધમની મમ્મી રીનાબહેન બહાર આવ્યાં. “શી વાત છે, રિધમ?”

“જોને મમ્મી? આ કાગડાઅંકલે મારી પાસે ટાઇમ બગાડી વાઇટ કલર કરાવ્યો ને હવે એમને બ્લેક થવું છે.”

આ સાંભળી રીનાબહેન કહે, “કાગડાભાઈ, એમાં રિધમની મદદની શી જરૃર છે?” કાગડો નવાઈ પામી કહે, “કેમ?”

“કેમ શું? જાવ, તળાવના પાણીમાં નાહી લો એટલે ધોળો રંગ જતો રહેશે. આ તો વોટરકલર છે, સમજ્યા?”

આ સાંભળી કાગડો ખુશ થઈ ગયો. તે કા… કા… કરતો ગામના તળાવ તરફ ઊડી ગયો.