બાળ વાર્તા : જગ્યા કોની? - Sandesh
  • Home
  • Featured
  • બાળ વાર્તા : જગ્યા કોની?

બાળ વાર્તા : જગ્યા કોની?

 | 12:43 pm IST

રંગપુર ગામનાં કેટલાંક બાળકો દરિયાકિનારે રમી રહ્યાં હતાં. પટમાં રેતનું ઘર બનાવવાની રમત બાળકોની પ્રિય હતી. રેશ્મા અને રિયાએ સરસ ઘર બનાવ્યું હતું. થોડી વારમાં ત્યાં એમના ફળિયાનો જ એક છોકરો રોહન આવ્યો. તેણે તો આવતાંવેંત જ “આ જગ્યા મારી છે, કાલે મેં અહીં જ ઘર બનાવેલું” એમ કહીને રેશ્મા અને રિયાએ બનાવેલું ઘર તોડી પાડયું. પોતાનું ઘર તોડી પાડતાં જ રેશ્મા, રિયા અને રોહન વચ્ચે ઝઘડો થઈ ગયો. રોહન બેઉ છોકરીઓ કરતાં ઘણો મોટો હતો એટલે ઝઘડામાં જીત એની થઈ. રેશ્મા અને રિયા રડતાં રડતાં ઘરે રોહનની ફરિયાદ કરવા ગયાં.

રોહને જગ્યાનો કબ્જો લઈ ત્યાં ફરી વાર ઘર બનાવવા માંડયું. આસપાસમાંથી થોડાં નાનાં શંખલાં વીણી લાવી તેણે ઘરને સરસ રીતે સજાવ્યું. સળીઓની વાડ પણ બનાવી. રોહન રમતમાં મશગૂલ હતો ત્યાં જ એના જ ફળિયાનો રવિ આવ્યો.

“અલ્યા રોહનિયા, તને આટલા મોટા દરિયાના પટમાં ખાલી મારી જગ્યા જ મળી ઘર બનાવવા માટે? રોજ સાંજે હું આ જગ્યાએ જ બેસું છું અને અહીં જ મસ્ત ઘર બનાવું છું. ચાલ મારી જગ્યા ખાલી કર ફટાફટ” રવિ બોલ્યો. હવે તો રોહન અને રવિ વચ્ચે જગ્યાની બબાલ ઊભી થઈ. આ રવિ રોહન કરતાં મોટો અને શક્તિશાળી હતો. બેઉના ઝઘડામાં રવિનો વિજય થયો. રોહન રડતો રડતો ફરિયાદ કરવા ગામ ભણી ભાગ્યો. આ બાજુ રોહને બનાવેલા ઘરને તોડી પાડીને રવિએ ત્યાં નવું જ ઘર બનાવવા માંડયું. થોડી વારમાં તો રેશ્મા અને રિયા “આ જગ્યા અમારી છે” તેવા દાવા સાથે તેમની મમ્મીને લઈને આવી. રેશ્માની મમ્મીએ નાનાં બાળકોને હેરાન કરવા બદલ રવિને ઠપકો આપ્યો અને તેમને અહીં જ રમવા દેવા કહ્યું, પણ રવિ માને તેમ નહોતો. જગ્યા પરનો પોતાનો દાવો તે છોડવા તૈયાર નહોતો. તેમની વચ્ચે રકઝક ચાલતી હતી એવામાં જ રોહન અને તેના પપ્પા આવ્યા. જગ્યા પરનો દાવો રોહને કર્યો. આમ, રોહન, રેશ્મા, રવિ ત્રણેય જણાનો દાવો એક જ જગ્યા પર થઈ ગયો. તેમનાં વાલીઓએ દરેકને સમજાવવાની કોશિશ કરી, પરંતુ જગ્યા પરનો દાવો છોડી દેવા કોઈ તૈયાર નહોતું. રકઝક લાંબી ચાલી. દરિયાકિનારે બીજી ઘણી જગ્યા હતી પણ તોય કોઈ જગ્યા બદલવા તૈયાર નહોતું. દરેકનો આ જગ્યા પહેલેથી મારી જ છે એવો દાવો હતો. કોઈ સમજાવટ કામ ન આવતાં બધાં વાલીઓ તો વારાફરતી ‘ઝઘડતા નહીં, શાંતિથી રમજો’ એમ કહીને જતા રહ્યાં. હવે રહ્યાં ફક્ત બાળકો! રમવાનું તો ક્યાંય ભુલાઈ ગયું અને તેઓ તો ઝઘડવામાં જ પડયાં. દરેક પાસે જગ્યા બાબતે આગવી દાખલા-દલીલો હતી. એમનો કકળાટ બહુ જ વધી ગયો. એટલામાં એક મોટું મોજું આવ્યું અને તેમની બધી જગ્યા ધોવાઈ ગઈ. મોજું પાછું વળતાં બોલ્યું, “આ બધી જગ્યા મારી છે, ખોટો ઝઘડો ન કરો અને હું ફરી વાર આવું ત્યાં સુધી શાંતિથી રમો.” મોજાની વાત બધાએ માની લીધી અને એ જ જગ્યા પર અડોશપડોશમાં દરેકે પોતાનાં ઘર બનાવ્યાં.