બાળ વાર્તા : સૌને રાજી કેમ રખાય? - Sandesh
  • Home
  • Kids Corner
  • બાળ વાર્તા : સૌને રાજી કેમ રખાય?

બાળ વાર્તા : સૌને રાજી કેમ રખાય?

 | 3:57 pm IST

એક છોકરો. નાગજી એનું નામ. એના પપ્પાનું નામ વાલજી. શહેરથી દૂર અંતરિયાળ ગામમાં રહે. નદીનાળાં અને જંગલ વચ્ચે આવેલું નાનકડું ગામ. આ ગામમાં પાકા રસ્તા નહીં. કોઈ બસ પણ ન આવે. કેટલાક લોકો સાઇકલ રાખે. ક્યાંક જવું હોય તો સાઇકલ જ વાહન જેવી કામ લાગે.

એક વાર નાગજીના નાનાને નજીકના શહેરના દવાખાનામાં દાખલ કર્યા. નાગજીના નાના એટલે વાલજીભાઈના સસરા. નાગજીના મામાએ વાલજીભાઈને મોબાઇલ કર્યો. “બાપાને દવાખાને લાવ્યા છીએ, આવો.” સામે વાલજીભાઈ કહે, “સરનામું લખાવો.” ને વાલજીભાઈના સાળાએ સરનામું લખાવ્યું.

વાલજીભાઈ કહે, “નાગજી, હું સાઇકલ લઈને જાઉં છું.” એટલે નાગજી કહે, “બાપા, હુંય આવું. આપણે ડબલ સવારી જઈશું.”

વાલજીભાઈને થયું કે નાગજી ભલે આવતો. રસ્તામાં કંઈ અડચણ પડે તો એક કરતાં બે ભલા. વળી રસ્તોય એવો ઊબડખાબડ હતો. સાવ કેડી જેવો અને ઊંચોનીચો.

બાપ-દીકરો સાઇકલ લઈ નીકળ્યા. શરૂ શરૂમાં બંને જણ વારાફરતી સાઇકલ દોરતા જાય ને આગળ વધતા જાય. સામે એક બાઈ મળી. આ જોઈ કહે, “સાઇકલ છે તો શીદ દોરો છો?” નાગજી કહે, “પણ રસ્તો અહીં બંનેને બેસાય એવો નથી.” એટલે બાઈ કહે, “એકાદ જણ તો બેસી શકેને?” બાઈ હસીને આગળ ગઈ.

આ જોઈ બંનેને મશ્કરી જેવું લાગ્યું. તેમને થયું કે એકાદ જણે બેસવું જોઈએ. નાગજી કહે, “બાપા, તમે સાઇકલ પર બેસી આગળ જાવ. ક્યાંક ઊભા રે’જો, હું પહોંચું છું.”

રસ્તો સારો આવતાં બાપા સાઇકલ પર બેઠા. થોડે દૂરથી એક માણસ આવતો હતો. તેણે આ જોયુંઃ સાઇકલ નજીક આવી એટલે કહે, “પાછળ આવનાર છોકરો તમારો છે?” વાલજીભાઈ કહે, “હા, કેમ?” એટલે પેલો માણસ કહે, “તમેય ખરા છો. બાપ થઈ દીકરાના ટાંગા તોડાવો છો? બિચારો થાકી જશે.” ને એ માણસ પાછળ નાગજીનેય સંભળાવતો ગયો, “તારા બાપને તારી જરાય દયા ન આવી, તને ચલાવે છે?”

આગળ વાલજીએ સાઇકલ ઊભી રાખી. નાગજી આવ્યો એટલે કહે, “બેટા, એમ કર તું બેસી જા, હું ચાલું છું.” ને પછી નાગજી સાઇકલ પર બેઠો. વાલજીભાઈ ચાલવા લાગ્યા. આગળ જતાં એક ડોશી મળી. તેણે આ જોયુંઃ તે કહે, “અરરર! શો કળજુગ આયો છે! આજકાલના જુવાનિયા સાઇકલ પર ને બાપને હેંડાડે છે!”

આ સાંભળી નાગજીને ખોટું લાગ્યું. તેણે સાઇકલ થોભાવી. બાપા નજીક આવ્યા એટલે કહે, “બાપા, એમ કરો. તમે બેસી જાવ. પેલી ડોશી મને સંભળાવતી ગઈ.” બાપ કહે, “ના બેટા, મારે કોઈનાં કડવાં વેણ નથી સાંભળવાં.”

“તો કટુવેણ મારે પણ નથી સાંભળવાં.” આમ કહી નાગજી સાઇકલ દોરવા માંડયો. એટલામાં વાલજીભાઈને વિચાર સૂઝ્યો. તેઓ કહે, “એમ કરીએ તો? બંને જણ બેસી જઈએ. હું સાઇકલ ચલાવું ને તું પાછળ કેરિયર પર બેસી જા.”

“ના બાપા, તમે પાછળ બેસો. સાઇકલ હું હંકારીશ.”

આનાકાની પછી વાલજીભાઈ કેરિયર પર બેઠા ને દીકરો સાઇકલ ચલાવવા માંડયો. આગળ જતાં એક કાકા મળ્યા. તે કહે, “અલ્યા, બાપ-દીકરો લાગો છો.” વાલજીભાઈ કહે, “હા, આ મારો દીકરો છે.”

કાકા કહે, “અલ્યા, ભલા ભૈ, પાછળ બેસતાં શરમ નથી આવતી. આ છોકરું હજી નાનું કહેવાય. એના પગ કપાઈ જશે. હજી તમે કંઈ ઘરડા નથી થઈ ગયા!”

આ સાંભળી વાલજીને ખોટું લાગ્યું. કાકા ગયા. વાલજી નીચે ઊતરી કહે, “લાવ દીકરા, હું ચલાવી લઉં. તું પાછળ બેસી જા.”

કમને નાગજી પાછળ બેઠો. વાલજીભાઈ પરાણે સાઇકલ ચલાવવા માંડયા. ડબલ સવારી હતીને!

આગળ જતાં એક દાદા જેવડા ભાઈ મળ્યા. વાલજીને સાઇકલ પરાણે ચલાવતા જોઈ મોં બગાડી કહે, “આ ઉંમરે તમે જવાન છોકરાનો ભાર ખેંચો છો? તો પછી દીકરો તમારી સેવા ક્યારે કરશે? શો જમાનો આયો છે!”

આથી નાગજીને બહુ ખોટું લાગ્યું. તે કૂદકો મારી નીચે ઊતરી ગયો. તે કહે, “બાપા, લાવો હું જ સાઇકલ ચલાવી લઉં. મારાથી આવાં વેણે નહીં ખમાય.”

બાપા સમજુ હતા. તે કહે, “બેટા, લોકોને નહીં પહોંચાય. આપણે જે કંઈ કરીશું એના વિશે ટીકા કરવાના ને જો એમની સલાહ મુજબ કરીશું તો બીજો કોક નિંદા કરવાનો.”

“તો પછી શું કરવું?” નાગજીએ પૂછયું.

“એમ કર, એક પૈડામાંથી થોડી હવા કાઢી નાખ ને સાઇકલ વારાફરતી દોરી લઈએ. કોઈ પૂછે તો કહીશું કે પંક્ચર થઈ ગયું છે.”

નાગજીને આ વાત ગમી. તેણે એમ કર્યું. આગલા વ્હિલમાંથી થોડી હવા કાઢી નાખી. પછી સાઇકલ દોરવા લાગ્યો.

આગળ જતાં એક માજી મળ્યાં. આ જોઈ કહે, “દોર્યા વગર સવારી કરોને? શીદ ટાંગા તોડો છો?”

એટલે નાગજી કહે, “પણ પંક્ચર પડયું છે, માજી!”

આ સાંભળી માજી વાલજીને કહે, “આ નાના છોકરા પાંહે સાઇકલ દોરાવો છો ને તમે ટેસથી હેંડો છો, થોડી વાર તમેય દોરી લો તો!”

બાપ-દીકરો એકમેકની સામે જોઈ રહ્યા. આ માજીને શો જવાબ આપવો?

પરંતુ કશોય ઉત્તર આપ્યા વગર બંને ચાલતા જ રહ્યા.