બાળપણના મિત્રોનો આઈક્યુ પણ તમારી બુદ્ધિક્ષમતાને પ્રભાવિત કરે છે - Sandesh
  • Home
  • Ahmedabad
  • બાળપણના મિત્રોનો આઈક્યુ પણ તમારી બુદ્ધિક્ષમતાને પ્રભાવિત કરે છે

બાળપણના મિત્રોનો આઈક્યુ પણ તમારી બુદ્ધિક્ષમતાને પ્રભાવિત કરે છે

 | 1:33 am IST

લંડન :

મોટી ઉંમરે આપણે કેટલા બુદ્ધિશાળી બની શકીએ છીએ તેનો આધાર આપણા બાળપણના મિત્રો કેટલો આઈક્યુ ધરાવતા હોય છે તે પર આધારિત છે. નિષ્ણાતોનાં ધ્યાને આવ્યું છે કે ૧૧ વર્ષની ઉંમર સુધી કેટલો ઊંચો આઈક્યુ ધરાવતા મિત્રો સાથે આપણો સંપર્ક હોય તેના પર વ્યક્તિની બુદ્ધિક્ષમતા વિકસવાની સંભાવનાનો આધાર રહેલો છે. અભ્યાસનાં તારણ કહે છે કે જીવનના આરંભિક તબક્કામાં આપણા મિત્રો કેટલી ગુણવત્તા ધરાવે છે તેના પર આપણા માનસિક વિકાસનો આધાર છે. અભ્યાસનાં તારણો એ મુજબની ધારણાને સાચી ઠેરવે છે કે આપણા બાળપણના બુદ્ધિશાળી મિત્રો આપણી બુદ્ધિક્ષમતાને વિકસાવે છે. વર્ષ ૧૯૯૧થી ૨૦૦૭ દરમિયાન અમેરિકાનાં ૧૦ શહેરોમાંથી એકત્ર કરવામાં આવેલા સેંકડો પરિવારની આંકડાકીય માહિતીના આધારે આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.

૭૧૫ જેટલાં બાળકો દશ વર્ષનાં હતાં અને તે પછી ૧૫ વર્ષનાં થયાં ત્યારની માહિતીનું વિશ્લેષણ કરીને તારણો કાઢવામાં આવ્યાં હતાં. મોટાભાગના મિત્રો સમાન લિંગના અને એકાદ-બે વધતીઓછી ઉંમરના હતા. સંશોધકોનું કહેવું છે કે ૧૫ વર્ષે જોવા મળતો બાળકનો આઈક્યુ તે ૧૧ વર્ષનો હતો ત્યારે તેના મિત્રો કેવા હતા તે પર આધારિત હોય છે. બાળક પોતે ૧૧ વર્ષની ઉંમરે કેટલો આઈક્યુ ધરાવતું હતું તે સહિતના માપદંડોના આધારે આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. અન્ય માપદંડોમાં માતાનો આઈક્યુ, ઘરમાં શૈક્ષણિક સ્તર ઊંચું લઈ જવાની તક સહિતના માપદંડો પણ ધ્યાને લેવામાં આવ્યા હતા. સંશોધકોએ જણાવ્યં હતું કે સમાન આઈક્યુના આધારે જ બાળકો પોતાના મિત્રોની પસંદગી કરે છે તેવું નથી પણ બાળકોનો આઈક્યુ એકબીજાને પ્રભાવિત કરતો હોય છે તે વાત સાચી, અર્થાત્ આપણા મિત્રો જેટલો ઊંચો આઈક્યુ ધરાવતા હોય તેટલી હદે આપણો આઈક્યુ ઊંચો જવાની શક્યતા રહેલી હોય છે.