પુત્રતર્પણ! - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS

પુત્રતર્પણ!

 | 11:32 pm IST

વાર્તા । જસ્મીન દેસાઇ

”બાપુ, હવે તો મને સાઈકલ લઈ દો ને, નવી શાળા વળી થોડી આઘી પણ છે, બાપુ લઈ દો ને.” રાજુએ પોતાની રિક્ષા ચલાવી ગુજરાન કરતા પિતા વિરમને આજે એક વધુ સાઈકલ વિશે આજીજી કરી ત્યાં તો વિરમની પત્ની પણ ટપકી પડી, ”લઈ દ્યોને, એ ક્યાં સ્કૂટર માગે છે, નવી ન લઈ શકો તો નવા જેવી જૂની લાવી આપો.” વિરમે ઠંડો પ્રત્યુત્તર આપ્યો, ”વાત સાચી છે, હું જરૂર વહેલાસર લઈ આપીશ. થોડા પૈસા ભેગા થાય એટલી વાર છે.” એમ કહેતાં વિરમે પોતાના પુત્ર રાજુને છાતી સરસો ચાંપી લીધો.

હવે વિરમ પુત્ર મો સાઈકલ બને તેટલી વહેલી લઈ શકાય એ માટે વધુ કામ કરવા લાગ્યો.

… અને… આજે વિરમ બહુ ઉત્તેજિત હતો. આજે પોતાના પુત્ર માટે એક નવા જેવી જૂની સાઈકલ લઈ દેવાનો સુખદ અને સુનહરો દિન આવી પહોંચ્યો હતો. આજે સાંજે જ્યારે રાજુ શાળાએથી ઘરે આવે એ સમયે વિરમ તેને માટે એક સાઈકલ લઈને આવવાનો હતો. સાઈકલ બજારમાં એક જગ્યાએ એ વિશે નક્કી કરીને આવ્યો હતો. આથી આજે વિરમ વિહવળ ઉતાવળા-અંદરથી ઉત્સાહથી ઊછળતો હતો, પરંતુ આ વાત તેમણે સવારે તેની પત્ની અને રાજુને ન કરી જેથી તેઓને ‘સરપ્રાઈઝ’માં રાખીને તેઓને સાંજે ઓચિંતા સાઈકલ લાવીને સામે ધરીને વિરમ એક સુખદ આૃર્ય લાવવા માગતો હતો. જેથી તેઓ સાઈકલ ઓચિંતી આવેલી જોઈને ખૂબ જ રોમાંચિત થઈ જાય- આનંદથી ઊછળી ઊઠી… આવા વિચારમાં સાંજની રાહ જોવાની ઉતાવળ-ઉત્તેજનામાં વિરમ રિક્ષા લઈને નીકળી પડયો ધંધા અર્થે… આજે તો વિરમને દિવસ બહુ મોટો લાગ્યો.

… અને એમ કરતાં સાંજ પડી. વિરમ સાઈકલ બજારે પહોંચ્યો અને નક્કી થયા મુજબ પેલી સાઈકલ લઈને તેના નાણાં આપીને સાઈકલને પાછળ રિક્ષામાં મૂકીને જાણે ભાગ્યો પોતાના ઘર તરફ! આજે એની આંખમાં હર્ષનાં-સંતોષનાં અશ્રુ હતાં તો દિલમાં સંતોષ સાથે ઉત્તેજના પણ હતાં. બસ, એક જ વિચારે ચડયો હતો કે હવે રાજુ ઘરે આવી ગયો હશે. તે અને પોતાની પત્ની આમ સાઈકલને ઓચિંતી જોઈને સ્તબ્ધ થઈ આનંદથી ઊછળી પડશે, ઓહ!

વિરમ સાઈકલ લઈને ઘરે પહોંચ્યો… ત્યાં તો ઓહ! આ શું? વિરમને તો કોઈ ગતાગમ પડી ત્યાં તો એમણે જોયું કે તેના ઘરને કેટલાક લોકોએ ઘેરી લીધું છે… એ તર્ક-વિતર્ક કરવા માંડયો અને હાંફળો ફાંફળો દોડયો ઘરમાં. સાઈકલને તો રિક્ષામાં જ છોડી દીધી હતી. એનું તો ભાન જ ક્યાંથી રહે!

એ ઘરમાં ગયો ત્યાં આંખ ફાટી ગઈ. ઓહ! આ શું થઈ ગયું, એ રાજુનો જમીન ઉપર પેલો નિસ્તેજ-નિર્જીવ દેહ જોઈને રાડ પાડી ઊઠયો, ”રાજુ, રાજુ” ધ્રુસકે ધ્રુસકે રડી પડયો. તે પછી તેની પત્નીએ જે ઘટના બની ગઈ હતી એ વિશે વાત કરી તે મુજબ આજે સવારે રાજુ તેના મિત્રો સાથે શાળાએ જતો હતો ત્યારે એક ટ્રકે તેને અડફેટે લઈ લીધો. રાજુનું પ્રાણ પંખેરું ત્યાં જ ઊડી ગયું. મિત્રો અને કેટલાક તેને દવાખાને લઈ ગયા એક બીજો રાજુની માતાને બનાવની જાણ કરવા દોડયો એ છેકે દવાખાને તેમના પતિ વિરમને આ વિશે જણાવવા પ્રયત્નો કર્યો તો ખબર પડી કે એ મોબાઈલ તો અહીં ઘરે જ ભૂલી ગયેલ છે. કોઈ કોઈ રિક્ષાવાળા મારફત જાણ કરવા પ્રયત્નો કરી જોયા, પણ કંઈ ન મળ્યું. વિરમ તેની પત્નીને વળગી પડયો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડયો અને પછી ગાંડા જેવો થઈને કહેવા લાગ્યો, ”ઊઠ રાજુ, ઊઠ, જો તારા માટે સાઈકલ લાવ્યો છું, જલદી ઊઠ…” લવારે ચડેલા વિરમની પત્નીએ માંડ માંડ શાંત પાડયો. રાજુની ઉત્તરક્રિયા થઈ ગઈ અને રાજુ માટે લાવેલ સાઈકલ રાજુની કાયમી યાદરૂપે રૂમમાં એક જગ્યાએ રાખી દીધી.

હવે વિરમે નવો ક્રમ શરૂ કર્યો. રોજ સાંજે ૫થી ૭ સુધી શહેરની સાઈકલ બજારમાં અચૂક પહોંચી જાય.

આવા ક્રમના પ્રથમ દિવસે એક ગૃહસ્થે તેમના પુત્ર માટે નવીનક્કોર સાઈકલ લાવી હતી તેમણે વિરમની રિક્ષા એ સાઈકલ રિક્ષામાં મૂકી એ પિતા-પુત્ર તેમાં બેસીને પોતાને ઘરે જવા વિરમને કહેતા ભાડાનું પૂછયું. એ સદ્ગૃહસ્થે વિરમને સરનામું આપ્યું. ત્યારે વિરમે માત્ર એટલું જ કહ્યું, ”સાહેબ, બેસી જાઓ, ભાડાની ચિંતા ના કરો. પેલા સદ્ગૃહસ્થ રિક્ષામાં બેસતા બોલ્યા, ભાઈ વાજબી ભાડું લેજે હોં!

આશરે ૪૫ મિનિટે સદ્ગૃહસ્થનું ઘર આવ્યું. સાઈકલ રિક્ષામાંથી ઉતારવામાં આવી અને પેલા સદ્ગૃહસ્થે રિક્ષાભાડું પૂછતાં વિરમે આંખમાં આંસુ લાવતાં વિનમ્રપણે ભાડું કંઈ નથી જોઈતું એમ કહીને રિક્ષા ચાલુ કરવા માંડી ત્યારે સદ્ગૃહસ્થ તો નવાઈ પામી ગયા. ”ભાઈ, આમ કેમ અને તું કેમ રુએ છે?” ત્યારે વિરમે પોતાના પુત્ર રાજુ માટે સાઈકલ લઈને ઘરે આવેલો તે અને તે પછીની ઘટના કહી ત્યારે પેલા સદ્ગૃહસ્થની પણ આંખો ભીની થઈ.

હવે રોજ સાંજે વિરમ કોઈને કોઈની સાઈકલ આમ વિનામૂલ્યે સૌ સૌના ઘરે પહોંચાડીને પોતાના સદ્ગત પુત્રના આત્માની શાંતિ અને તૃપ્તિ અર્થે એક પુત્રતર્પણ કરતો હતો… એ પણ રોજ!