બાળકોને શીખવો : અભિવ્યક્તિ - Sandesh

બાળકોને શીખવો : અભિવ્યક્તિ

 | 1:23 am IST

બાળઉછેર । શીતલ દવે

આપણા જીવનમાં ભાવનાઓની અત્યંત મહત્ત્વની ભૂમિકા હોય છે અને ભાવનાઓની અભિવ્યક્તિ માટે શબ્દો સુંદર માધ્યમ હોય છે. પરંતુ બાળકો અમુક ઉંમર સુધી પોતાની ભાવનાઓને વ્યવસ્થિત અને પ્રભાવી રીતે વ્યક્ત નથી કરી શકતા. તેઓ ઘણીવાર ભાવનાઓને ઓળખી પણ નથી શકતા. એટલે જ બાળકોના મનને ઓળખવું ઘણી વાર મોટા લોકો માટે એક મુસીબત બની જાય છે.

વાતચીત જરૂરી

જો તમારે તમારા બાળકને તેની ભાવનાઓ વ્યક્ત કરતાં શીખવવું હોય તો ખૂબ જરૂરી છે એની સાથે ચર્ચાની શરૂઆત કરવી. તમારે બાળકને ભાવનાત્મક જાગૃતિ અને પોતાની ભાવનાઓની અભિવ્યક્તિની રીતો શીખવવી જોઇએ. એ સિવાય બાળકો પાસેથી ક્યારેય એ અપેક્ષા ન રાખવી કે એ બધી વાતો અહેસાસ અને લાગણીઓ વ્યવસ્થિત રીતે કહી શકશે.

સજાગ રહો.

ઘણા બાળકો પોતાની લાગણીઓને વ્યક્ત નથી કરી શકતા તેઓ બોલતા અચકાય છે, તેમના હાવભાવ અને શારીરિક ફરિયાદો, રોવાની ટેવ, વાતે વાતે ગુસ્સો આવી જવો. દરેક વાતે ચીડાઇ જવું કે ગમે તેમ વર્તન કરવું. આ બધા લક્ષણો બતાવે છે કે તમારું બાળક તેના અંદર ચાલી રહેલા મનોમંથને તે અભિવ્યક્ત નથી કરી શકતું. માતા-પિતા તરીકે તમારે બાળકના આવા વર્તન અને લક્ષણોથી સજાગ રહેવું જોઇએ અને તેને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો જોઇએ.

તક આપો

આપણા શબ્દો એ બીજા સાથેના સંચારનું માધ્યમ છે. માણસની દરેક લાગણી કે અનુભવ શબ્દોમાં વ્યક્ત ન પણ કરી શકાય. કારણ કે કેટલાક અનુભવો અને અવસ્થાઓ શબ્દોથી પર હોય છે. જે બાળકો પોતાની ભાવના મુખથી અભિવ્યક્ત ન કરી શકતા હોય, ત્યારે નાટક, ચિત્ર, નૃત્ય કે સંગીત વૈકલ્પિક માધ્યમ બની શકે છે.

બાળકને મદદ કરો

ઘણા એવા કિસ્સાઓ જીવનમાં બનતા હોય છે, જેનું ઉદાહરણ લઇને તમે બાળકની અભિવ્યક્તની કુશળતા સુધારી શકો છો. ઘણીવાર બાળકને કોઇ વાર્તા કહેતા કહેતા એના બોધ પરથી અમુક બાબતો સમજાવી શકાય. કોઇ ફિલ્મ કે નાટક પરથી પણ ઘણા બોધપાઠ આપી શકાય એમ છે. હંમેશા તમારા બાળકને અભિવ્યક્ત કરવાના અલગ અલગ રસ્તાઓ શીખવતા રહો.

મજાક ન ઉડાવો

જ્યારે તમે બાળકોને ભાવનાની અભિવ્યક્તિ માટે પ્રેરો ત્યારે સાથે સાથે બાળકોને એક સુરક્ષિત વાતાવરણ પણ મહેસૂસ કરાવવું જોઇએ. બાળકોને પોતાની વાત કહેવાનો ડર ન રહે તેનું ધ્યાન રાખો એની માટે બાળકોની કોઇ પણ વાતને મજાકમાં ન ઉડાવો. એની લાગણીને મહત્ત્વ આપો, સમજો અને સન્માન આપો. જેથી બાળક બીજી વાર બોલતા ન અચકાય.

સારા શ્રોતા બનો

હંમેશા બાળકોને સાનુકૂળતાનો અહેસાસ કરાવો, જેથી એ પોતાની કોઇ પણ વાત તમને કહી શકે. જ્યારે બાળકોને લાગશે કે તમે એમની દરેક સમસ્યા માટે ઉપલબ્ધ છો ત્યારે બાળકને ઘણી બધી મુસીબતોમાંથી બચાવી શકશો.

અભિવ્યક્તિની વૈકલ્પિક રીતો

બાળકોનું મન અત્યંત નાજુક અને સંવેદનશીલ હોય છે અને તેઓ પોતાની આસપાસની વસ્તુઓમાંથી ખૂબ જલદી શીખતા હોય છે એટલે જ બાળકોને પોતાની અભિવ્યક્તિની વૈકલ્પિક રીતો શીખવો. જેથી તેઓ માતા-પિતા સાથે અત્યંત મજબૂતીથી જોડાઇ શકે.