બાળકોને નવા ખાદ્યોથી પરિચિત કરાવો - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • બાળકોને નવા ખાદ્યોથી પરિચિત કરાવો

બાળકોને નવા ખાદ્યોથી પરિચિત કરાવો

 | 1:20 am IST

ડાયટિશિયનની કલમે । સોહિની શાહ (BS. RD – USA)

બાળકોને નવા ખાદ્યપદાર્થોથી પરિચિત કરવા એ કામ બોલવામાં સહેલું લાગે છે, પરંતુ માતા-પિતા અને કેરટેકર્સ જાણે છે કે, ઘણાં બાળકોને નવા સ્વાદ, સુગંધ, સ્પર્શ, તાપમાન અને નામ ધરાવતાં ખાદ્યો ખાવાનું પસંદ નથી હોતું.

ખવડાવવાનું કામ કંટાળાજનક બનવાને બદલે આનંદભર્યું બને તે માટે તમે શું કરશો? અહીં નીચે એવા આઠ સૂચનો આપ્યા છે જે તમારા બાળકમાં ખોરાક પ્રત્યે પ્રેમનો પાયો નાખશે, જે ખાનપાનના સમયને તાણમુક્ત બનાવશે.

પૂર્વભૂમિકા તૈયાર કરો

તમારા બાળકને દુનિયાભરની વાનગીઓ અને વિવિધ સંસ્કૃતિના બાળકોના ખોરાક વિશે જાણકારી આપો. તેઓને રસોઈની વિવિધ પદ્ધતિઓ જેવી કે બેકિંગ, ખેડૂતો અને શેફ્સ (પાકશાસ્ત્રી) વિશે માહિતી આપો. તમારા બાળકો સાથે કૂકિંગ-શોઝ અને વીડિયોઝ જુઓ. તેઓ સાથે રાંધવાની પ્રક્રિયા વગેરે વિશે વાત કરો.

આહારની સોડમથી પરિચિત કરો :

સોડમ એટલે કે વાનગીની સુગંધ આપણામાં ખાવા માટે રુચિ પેદા કરે છે. સવારે અનુભવાતી કોફીની સોડમ આપણને પથારીમાંથી બહાર નીકળવા પ્રેરે છે. ખોરાકની સુગંધ ખાવાના આનંદ અને સંતોષમાં વધારો કરે છે. બાળકોને વિવિધ સુગંધ વિશે જાણકારી આપતી રમતો તેઓ સાથે રમો. એ રીતે તેઓ વિવિધ સુગંધથી પરિચિત થશે. સુગંધ ઓળખવા માટે મરી-મસાલાની બરણીઓનો ઉપયોગ કરો. બબલ-બ્લોની રમત વખતે નારંગી, વેનિલા કે અન્ય સુગંધ ઉમેરીને પણ બ્લો કરો અને બાળકને તે સુગંધ વિશે પૂછો. આ પ્રકારની રમતો બાળકને સુગંધોથી પરિચિત કરશે અને તમે તેનો ઉપયોગ વાનગી બનાવીને તેને ખવડાવવામાં કરી શકશો.

ખાદ્યો અને ચિત્રકળા

ખાદ્યોનો ઉપયોગ ચિત્રકળામાં કરો. અડધી કાપેલી સ્ટ્રોબેરીની છાપ હાર્ટ જેવી લાગે છે. સફરજનનું અડધિયું સ્ટાર શેપ જેવું લાગે છે. આ રીતે વિવિધ ફળો અને ભીંડા જેવા શાકની છાપ ઉપસાવીને બાળકને આકારો વિશે જાણકારી આપો. આ પરિચય તેઓને ખાવા પ્રેરશે.

સકારાત્મક-પ્રોત્સાહનભર્યા શબ્દો

‘મારું બાળક ખાતું જ નથી’ એ પ્રકારના નકારાત્મક શબ્દો વાપરવાને બદલે ‘તે નવી વાનગીઓ ખાતાં શીખી રહ્યું છે’ એ પ્રકારના શબ્દો વાપરો. તમે જો સકારાત્મક રહેશો તો બાળકનું ખોરાક તરફનું વલણ પણ સકારાત્મક બનશે.

ખાદ્યના રંગોનો ઉપયોગ

ખાદ્યોના રંગો વિશે બાળક સાથે વાત કરો. લાલ ચેરી, ટમેટાં, લીલા કિવિ, જાંબલી દ્રાક્ષને સાથે મૂકીને તેમાંથી ચોક્કસ રંગના ખાદ્યને શોધી કાઢવાની રમત બાળક સાથે રમો. ખાદ્યોના રંગ સાથેનો તેનો પરિચય તેને ખાવા તરફ લઈ જશે. પોપકોર્ન, સફરજન, ચેરી, ટમેટાં, દ્રાક્ષ વગેરે તેના ગળામાં ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખો.

અલગ, આકર્ષક નામ આપો

ખાદ્યોને આકર્ષક નામ આપીને બાળકને ખાવા પ્રેરો. બાફેલી ગાજરની સ્લાઈસને ‘એક્સ-રે વિઝન કોઈન્સ’ જેવું નામ આપીને બાળકને ખાવા લલચાવો. જે રીતે રેસ્ટોરાંના મેનુમાં લખેલા અનેરા નામો આપણને લલચાવે છે તે જ રીતે તમે તમારા બાળકમાં ખાવા માટે રસ જગાવો.

બાળકને કેન્દ્રમાં રાખો

કેટલાંક બાળકોને ફોકસમાં રહેવું ગમતું હોય છે. તે ખાતું હોય ત્યારે તેનો વીડિયો લો જેથી તેને ખાવાનો ઉત્સાહ રહેશે. જો તે તેના નાના ભાઈ-બહેનનો હીરો કે માનીતો હોય તો તે નાનકા શિશુની હાજરીમાં અથવા તેના માનીતા સ્ટફ્ડ-એનિમલની સંગતમાં બેસાડીને તેને નવી વાનગીનો પ્રથમ કોળિયો આપો તે જરૂર ખાશે.

બગીચા-ખેતીનો પરિચય કરાવો

અભ્યાસો દર્શાવે છે કે, ફળ-શાકના છોડ વગેરે વિશેની જાણકારી બાળકોના મનમાં ફળ-શાક તરફ આકર્ષણ જગાડે છે. બાળકને ખેતર કે બગીચામાં લઈ જઈને વાવેતર, સિંચન, ઉત્પાદન વગેરેનો પરિચય કરાવો.