ચિલ અને થ્રિલના ૩૧ દિવસ - Sandesh

ચિલ અને થ્રિલના ૩૧ દિવસ

 | 1:16 am IST

રશિયામાં આજથી ૨૧મા ફિફા ફૂટબોલ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. યજમાન રશિયા અને સાઉદી અરેબિયા ઓપનિંગ મેચમાં ટકરાશે.  તે અગાઉ મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમમાં પ્રસિદ્ધ ગાયક રોબી વિલિયમ્સ રશિયાની એડા ગારીફુલિના સાથે પર્ફોર્મ કરશે. સાઉદી અરેબિયાની ટીમ વર્લ્ડ કપની ઓપનિંગ મેચમાં રમનાર એશિયાની પ્રથમ ટીમ બનશે. જોકે, પ્રથમ વાર એવું બન્યું છે કે, બે નબળી ટીમો વચ્ચેની મેચ દ્વારા વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. બંને ટીમોનો તાજેતરનો દેખાવ ઘણો નબળો રહ્યો છે. રશિયાની ટીમ ગત ઓક્ટોબરમાં સાઉથ કોરિયા સામે જીત મેળવ્યા બાદ રમાયેલી સાત મેચમાં જીત મેળવી શકી નથી જ્યારે સાઉદી અરેબિયાની ટીમ પણ પેરુ, ઇટાલી અને જર્મની સામે સતત ત્રણ ફ્રેન્ડલી મેચ હારી ગઈ છે. બંને ટીમની નજર વર્લ્ડ કપના મુકાબલામાં વિજય મેળવવા પર રહેશે. રશિયાની ટીમ ૨૦૦૨ના વર્લ્ડ કપ બાદ ક્યારેય મેચ જીતી નથી. તે જ રીતે સાઉદી અરેબિયાની ટીમે ૧૯૯૪માં યુએસએ સામે વિજય મેળવ્યા બાદ જીત મેળવી શકી નથી. વર્લ્ડ કપના ઇતિહાસમાં યજમાન ટીમ ઓપનિંગ મેચમાં હારી નથી. અગાઉ છ વખત યજમાન દેશે ઓપનિંગ મેચ જીતી છે જ્યારે ત્રણ મેચ ડ્રો રહી છે. રશિયાની નજર હવે આ રેકોર્ડને જાળવી રાખવા પર રહશે. આ પહેલાં રશિયા જે સોવિયત યુનિયન તરીકે વર્લ્ડ કપમાં સામેલ હતું તેણે ૧૯૭૦માં મેક્સિકો સામેની મેચ ૦-૦થી ડ્રો કરી હતી.

જર્મની પાસે ઇતિહાસ રચવાની તક

ગત ચેમ્પિયન જર્મનીને આજથી શરૂ થઈ રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં પોતાનું ટાઇટલ જાળવી રાખવું હોય તો તેમણે ઇતિહાસ રચવો પડશે. વર્લ્ડ કપનો ૧૯૩૦થી અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે કે, માત્ર બે દેશ જ ઇટાલી અને બ્રાઝિલ ચેમ્પિયન બન્યા બાદ આગામી વર્લ્ડ કપમાં ટાઇટલ જીતવામાં સફળ રહ્યા છે. ઇટાલીએ ૧૯૩૪ અને ૧૯૩૮માં ટાઇટલ જાળવી રાખ્યું હતું. બ્રાઝિલે ૧૯૫૮માં ટાઇટલ જીત્યા બાદ ૧૯૬૨માં તેને જાળવી રાખ્યું હતું. જર્મનીએ પ્રથમ વાર ૧૯૫૪માં ટાઇટલ જીત્યું હતું પરંતુ ૧૯૫૮માં ચોથા સ્થાને રહી હતી. જર્મનીએ ૧૯૭૪માં બીજી વખત ટાઇટલ જીત્યું હતું પરંતુ ૧૯૭૮ના વર્લ્ડ કપમાં જર્મન ટીમ ક્વાર્ટર ફાઇનલમાં બહાર થઈ ગઈ હતી. જર્મની ૧૯૯૦માં ત્રીજી વખત ચેમ્પિયન બની હતી પરંતુ ૧૯૯૪માં તેનો ક્વાર્ટર ફાઇનલમાં પરાજય થયો હતો. જર્મનીએ ૨૦૧૪માં ટાઇટલ જીત્યું હતું અને તેને જાળવી રાખવા માટે ઇતિહાસ બદલવો પડશે.

ભારતમાં ફૂટબોલ વર્લ્ડ કપનો ક્રેઝ

આજથી શરૂ થઈ રહેલા ફૂટબોલ વર્લ્ડ કપની ખુમારી સમગ્ર વિશ્વમાં છવાઈ છે. ભારતીય ટીમ વર્લ્ડ કપમાં ક્વોલિફાઇ થઈ શકી નથી પરંતુ વિશ્વના જાણીતા ખેલાડીઓની ટીમને ભારતીય ફૂટબોલ પ્રશંસકો સપોર્ટ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ પ્રશંસકો લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિના ટીમના છે જ્યારે કેરળમાં નેયમારની બ્રાઝિલ ટીમના સપોર્ટર વધુ છે. ગોવાના લોકો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પોર્ટુગલને સપોર્ટ કરી રહ્યા છે. વર્લ્ડ કપને કારણે કોલકાતામાં સ્લમથી લઈને મોટી સોસાયટીઓમાં પોતાની પસંગદીની ટીમોના ધ્વજ લહેરાવ્યા છે અને દીવાલો પર મેસ્સી, નેયમારનાં ચિત્રો દોર્યા છે તો ક્યાંક પોસ્ટરો લગાવાયાં છે.

ફૂટબોલ વર્લ્ડ કપ સ્ટેટસ

૫.૪ની એવરેજથી ૧૯૫૪માં સ્વિટ્ઝરલેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં ગોલ નોંધાયા હતા.

૬૮,૯૯૧ લોકો સરેરાશ અમેરિકામાં ૧૯૯૪માં યોજાયેલા વર્લ્ડ કપમાં નોંધાયા હતા.

૦૮ વખત જર્મનીની ટીમ ફાઇનલમાં પહોંચી છે જે પૈકી ચાર વખત ચેમ્પિયન બની છે અને ચાર વખત   રનરઅપ રહી છે.

૦૪  દેશે વર્લ્ડ કપમાં ભાગ લીધો પરંતુ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ ટીમોમાં કેનેડા, ચીન, ઇન્ડોનેશિયા અને કોંગો ડીઆર સામેલ છે.

૦૯ મેચ હોન્ડુરાસે વર્લ્ડ કપમાં રમી છે,  એકેય મેચ જીતી નથી જે રેકોર્ડ છે.

૨૧ મેચ ઇટાલીએ વર્લ્ડ કપમાં ડ્રો કરી છે જે એક રેકોર્ડ છે.

૧૦ ખેલાડીઓ બ્રાઝિલના છે જેમને વર્લ્ડ કપમાં રેડકાર્ડ મળી ચૂક્યા છે.

૧૧૧ યલો કાર્ડ આર્જેન્ટિનાના ખેલાડીઓને મળી ચૂક્યા છે.

૨૫ મેચ વર્લ્ડ કપમાં લોથાર મેથાએયુસે રમી છે અને તે આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર ખેલાડી છે.

૧૭ વર્ષ, એક મહિનો અને ૧૦ દિવસની વયે નોરમાન વઇટસાઇડે નોર્ધન આયરલેન્ડ તરફથી  ૧૯૮૨ના વર્લ્ડ કપમાં યુગોસ્લાવિયા સામે રમ્યો હતો જે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી યુવા ખેલાડીનો રેકોર્ડ છે.

૦૫ ગોલ ૧૯૯૪માં રશિયા તરફથી રમતાં ઓલેગ સાલેન્કોએ કેમરૂન સામેની ૬-૧થી મળેલી  જીતવાળી મેચમાં નોંધાવ્યા હતા જે એક મેચમાં ખેલાડી તરફથી સૌથી વધુ ગોલનો રેકોર્ડ છે.

૦૨ ખેલાડી ઝિનેદિન ઝિદાન અને કેમરૂનના રિગોબર્ટ સોંગને વર્લ્ડ કપમાં બે વખત રેડકાર્ડ દર્શાવી  મેદાનની બહાર મોકલાયા છે.

૦૩ વખત પેલેએ વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે અને તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો એક માત્ર ખેલાડી છે.

૨,૨૧૭ મિનિટ ઇટાલીના ફૂટબોલ ખેલાડી પાઓલો માલ્દિનીએ વર્લ્ડ કપમાં રમી છે જે સૌથી વધુ છે.

વર્લ્ડ કપમાં ક્વોલિફાઇ કરવું આસાન નથી હોતું

૧૯૩૦માં યોજાયેલા પ્રથમ વર્લ્ડ કપમાં ૧૩ દેશોએ ભાગ લીધો હતો પરંતુ હવે પરિસ્થિતિ એ છે કે, વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ રાઉન્ડમાંની બાધા પાર કરી ફાઇનલમાં પહોંચવું એક મોટો પડકાર બની ગયો છે. આ વખતે ક્વોલિફિકેશન રાઉન્ડના મુકાબલામાં અંદાજે ૨૦૦ જેટલા દેશોએ ભાગ લીધો હતો. જેમાંથી ૩૧ દેશોએ વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવ્યો છે જ્યારે રશિયાને યજમાન દેશ હોવાના કારણે સીધો પ્રવેશ મળ્યો છે. વર્લ્ડ કપનો ક્વોલિફાઇંગ રાઉન્ડ કેટલો કઠિન હતો તેનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય છે કે, ચાર વખતની ચેમ્પિયન ઇટાલી, ત્રણ વખતની રનર્સ અપ નેધરલેન્ડ્સ અને ચાર વર્તમાન મહાદ્વીપ ચેમ્પિયન ટીમો કેમરુન, ચિલી, ન્યૂઝીલેન્ડ અને અમેરિકા જેવા દેશો વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ કરી શકી નથી. જે અન્ય મહત્ત્વપૂર્ણ ટીમો રશિયામાં જોવા નહીં મળે તેમાં ઘાના અને આઇવરી કોસ્ટ છે. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વાર વર્લ્ડ કપમાં ભાગ લેશે.

યુરોપ પાસે સૌથી વધુ ક્વોટાસ્થાન  

ફૂટબોલ વર્લ્ડ કપમાં સૌથી વધુ ૧૪ ક્વોટા સ્થાન યુરોપ પાસે છે. યજમાન રશિયા ઉપરાંત ઇંગ્લેન્ડ, જર્મની, ફ્રાન્સ, પોર્ટુગલ, ક્રોએશિયા, સ્વિટ્ઝરલેન્ડ, બેલ્જિયમ, ડેન્માર્ક, આઇસલેન્ડ, પોલેન્ડ, ર્સિબયા, સ્પેન અને સ્વિડન આ વર્લ્ડ કપમાં રમી રહી છે. સાઉથ અમેરિકાથી બ્રાઝિલ, આર્જેન્ટિના, કોલંબિયા, પેરું અને ઉરુગ્વે દાવેદારી રજૂ કરી રહી છે. આફ્રિકામાંથી ઇજિપ્ત, નાઇજીરિયા, મોરક્કો, સેનેગલ અને ટયૂનિશિયાની ટીમ વર્લ્ડ કપમાં પહોંચી છે. એશિયામાંથી જાપાન, સાઉથ કોરિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને ઓસ્ટ્રેલિયા રમી રહ્યા છે. કોન્કાકાફ એટલે કે ઉત્તર મધ્ય અમેરિકા અને કેરેબિયન ક્ષેત્રોમાંથી મેક્સિકો, કોસ્ટારિકા અને પનામાની ટીમો સામેલ છે.

વર્લ્ડ કપ શરૂ થયાના એક દિવસ અગાઉ સ્પેને પોતાના કોચની હકાલપટ્ટી કરી

ફૂટબોલ વર્લ્ડ કપ શરૂ થવાના એક દિવસ અગાઉ સ્પેનની ટીમે પોતાના કોચ જુલેન લોપેટગુઇની હકાલપટ્ટી કરી દીધી છે. ફૂટબોલ વર્લ્ડ કપમાં સ્પેન પોતાના અભિયાનની શરૂઆત ૧૫મી જૂને પોર્ટુગલ સામે કરનાર છે.  સ્પેનિશ ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડે મંગળવારે લોપેટેગુઇને પોતાની ટીમના મુખ્ય કોચ નિયુક્ત કર્યાની જાહેરાત કરી હતી. તે ફિફા વર્લ્ડ કપમાં ઝિનેદિન ઝિદાનના સ્થાને રિયલ મેડ્રિડ ટીમના કોચપદની જવાબદારી સંભાળનાર છે. આ જાહેરાતના એક દિવસ બાદ સ્પેન ફૂટબોલ ફેડરેશને લોપેટગુઇને હાંકી કાઢયા હતા કારણ કે, રિયલ મેડ્રિડ ક્લબ સાથે તેના કરારની જાણકારી ફેડરેશનની નહોતી. એસોસિયેશનના અધ્યક્ષ લુઇસ રૂબિએલેસે કહ્યું કે, અમને કરારની જાણકારી અગાઉ મળી હોત તો સ્થિતિ અલગ હોત. ૨૦૧૬માં યૂરો કપમાં સ્પેનના ખરાબ દેખાવ બાદ વિન્સેન્ટે ડેલ બાસ્કના સ્થાને લેપેટેગુઇને કોચ બનાવાયા હતા. તેમનો કાર્યકાળ ૨૦૨૦ સુધી વધાર્યો પણ હતો પરંતુ રિયલ મેડ્રિડ સાથે જોડાતાં હકાલપટ્ટી કરાઈ હતી.