ભારતીય ડ્રોન ચીનમાં ઘૂસ્યા પછી તૂટી પડ્યું - Sandesh
  • Home
  • World
  • ભારતીય ડ્રોન ચીનમાં ઘૂસ્યા પછી તૂટી પડ્યું

ભારતીય ડ્રોન ચીનમાં ઘૂસ્યા પછી તૂટી પડ્યું

 | 11:02 am IST

ચીને દાવો કર્યો છે કે ભારતના ડ્રોન (યુએવી) તેની હવાઈ સીમામાં ઘૂસણખોરી કર્યા પછી તૂટી પડ્યું છે આ અંગે ચીને ઉગ્ર વાંધો પણ ઉઠાવ્યો છે. આ ઘટના 11 ડિસેમ્બરની છે, જ્યારે ચીનના વિદેશપ્રધાન વાંગ યી ભારતની મુલાકાતે આવ્યા હતાં.

ચીનના વેસ્ટર્ન કમાન્ડ જોઈન્ટ સ્ટાફ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી વડા ઝાંગ શુઈલીએ જણાવ્યું હતું કે ભારતીય યુએવીએ તાજેતરમાં ચીનની હવાઈ સીમામાં ઘૂસણખોરી કરી હતી અને તૂટી પડ્યું હતું.  ભારતે આ રીતે ચીનના સાર્વભૌમત્વની સુરક્ષાનો ભંગ કર્યો છે. અમે તેનો વિરોધ કરીએ છીએ. અમે ચીનના સાર્વભૌમત્વને સુરક્ષિત બનાવવા માટે દરેક પગલાં લઈશું.

ઉલ્લેખનીય છે કે ડોકલામ વિવાદ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો વણસી ગયા છે. ભારત અને ચીનના અધિકારીઓ વચ્ચે નવેમ્બરમાં જ બૈજિંગમાં સીમાને લગતા મુદ્દાઓ અંગે ચર્ચા યોજાઈ તી. વિદેશ મંત્રાલયે આ અંગે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે બંને દેશોએ ભારત-ચીન સીમાને સ્પર્શતા બધા જ મુદ્દાઓની સમીક્ષા કરી હતી. ઉપરાંત બંને દેશો દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે સીમા ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવા પણ સંમત થયા હતાં.

ચીન સતત ભારત સામે ઘુરકિયા કરતું રહે છે. થોડા સમય અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અરુણાચલ મુલાકાત સામે પણ ચીને વાંધો ઉઠાવ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા ભારતે તેનાથી દૂર રહેવું જોઈએ. બંને દેશો વચ્ચેના સંબંધો સંવેદનશીલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે ભારત આ વાસ્તવિકતાને પણ  ધ્યાનમાં લેવી જોઈએ.

ચીન પાકિસ્તાનમાં સીપીઈસીનું નિર્માણ કરી રહ્યું છે અને ભારત લાંબા સમયથી તેનો વિરોધ કરે છે. ભારતની દલીલ એવી છે કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનો અવિભાજ્ય હિસ્સો છે. તેની પર પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો છે. ચીન દ્વારા પીઓકેમાં સીપીઈસીનું નિર્માણ ભારતના સાર્વભૌમત્વનો અનાદર છે. આ કારણે જ  ચીનમાં યોજાયેલી ઓબોર શિખર બેઠકનો ભારતે બહિષ્કાર કર્યો હતો.