china-army-infiltrating-up-to-6-km-inside-indian-territory-in-ladakh
  • Home
  • Featured
  • ચીની સેના દ્વારા લદાખના ભારતીય વિસ્તારમાં 6 કિલોમીટર અંદર સુધી ઘૂસણખોરી !

ચીની સેના દ્વારા લદાખના ભારતીય વિસ્તારમાં 6 કિલોમીટર અંદર સુધી ઘૂસણખોરી !

 | 6:17 pm IST

ડોકલામ વિવાદના બે વર્ષ બાદ ફરી અપલખણા ચીને તેમનો રંગ બતાવવાનું શરૂ કર્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ થોડા દિવસ પહેલા જમ્મુ – કાશ્મીરના લદાખમાં પૂર્વી ડેમચોક વિસ્તારમાં 6 કિલોમીટર અંદર સુધી ઘુસણખોરી કરી અને ચીનનો ધ્વજ લહેરાવ્યો હતો. ચીની સેનાએ એવા સમયે આ ઘૂસણખોરી કરી હતી કે જ્યારે સ્થાનિક લોકો તિબ્બતના ધર્મગુરૂ દલાઇ લામાનો જન્મદિવસ મનાવી રહ્યા છે.

મીડિયામાં પ્રકાશીત થયેલા અહેવાલો અનુસાર ડેમચોકના સરપંચે ચીની સેનાની ઘૂસણખોરીની પુષ્ટિ કરી છે. આ સૈનિકો સૈન્યના વાહનોમાં બેસીને ભારતીય સીમામાં આવ્યા અને ચીનના ધ્વજ લહેરાવ્યા હતા. સરપંચ ઉરગેન ચૌદોને વધુમાં જણાવ્યું હતું કે ચીનના સૈનિકોનો ઇરાદો કંઇક અલગ લાગી રહ્યો છે.

સ્થાનિક લોકો મનાવી રહ્યા છે દલાઇ લામાનો જન્મદિવસ

સરપંચે બતાવ્યું કે ચીનના સૈનિક એવા સમયે આ વિસ્તારમાં ઘૂસ્યા કે જ્યારે સ્થાનિક લોકો દલાઇ લામાનો જન્મ દિવસ મનાવી રહ્યા છે. ઉરગેને જણાવ્યું કે ચીનના સૈનિકોનું ડેમચોકમાં આવવું ચિંતાનો વિષય છે. ચીન આ પ્રકારની હરકતો કરીને ભારત પર દબાણ ઉભુ કરવા માંગે છે જેથી જો વાતચીત થાય તો એ સમયે તે આ વિસ્તાર પર પોતાનો દાવો કરી શકે.

ચીને આવી હરકત પહેલી વખત નથી કરી અહીં વાસ્તવિક નિયંત્રણ રેખા પર એક વોકળા પાસે આજે પણ ચીનના બે તંબુ લાગેલા છે. ઓગષ્ટ 2018માં ચીને આ વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી અને ઘણા તંબુઓ તાણ્યા હતા. પરંતુ ભારતના વિરોધ બાદ તેણે તંબુઓ દૂર કર્યા હતા છતાં કેટલાક તંબુઓ આજે પણ લાગેલા છે. ચીને સરહદની પેલી પાર મોટી સંખ્યામાં રસ્તાઓનું નિર્માણ કર્યું છે અને માળખુ મજબુત કરી લીધું છે.

ઘૂસણખોરી વુહાન શિખર સંમેલનની ભાવનાઓ વિરૂદ્ધ

સરપંચ ઉરગેને વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ દલાઇ લામાનો જન્મ દિવસ મનાવે છે પરંતુ પહેલી વખત એવું થયું કે ચીનના સૈનિકો અહીં સુધી આવ્યા હોય. સેના અને સરકારને આ કાર્યક્રમની જાણકારી છે અને આ વિસ્તાર ચીન અને ભારત વચ્ચેનો છેલ્લે રહેણાંક વિસ્તાર છે. ઉલ્લેખનીય છે કે ચીની સેનાનું આ પગલું વુહાન શિખર સંમેલનની ભાવનાઓ વિરૂદ્ધનું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગ વચ્ચે 27-28 એપ્રિલે વુહાનમાં થયેલી બેઠકને દ્રિપક્ષીય સબંધોમાં સુધારાનો શ્રેય આપવામાં આવે છે જેમાં ડોકલામમાં ચાલેલા 73 દિવસના ગતિરોધના પગલે ખટાશ આવી ગઇ હતી. ડોકલામમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય સરહદમાં રસ્તો બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો જેના પર 2017માં ભુટાને પણ દાવો કર્યો હતો. વુહાન શિખર સંમેલન બાદ બંને દેશો વચ્ચે અલગ અલગ ક્ષેત્રોમાં સબંધો સુધારવાના પ્રયાસોને આગળ વધારવામાં આવ્યા જેમાં એક બીજા દેશોની સેના વચ્ચેના સબંધોનો પણ સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન