ચીનના બેકિંગથી નેપાળના ભારત સાથે બદલાયેલા સૂર - Sandesh
  • Home
  • Columnist
  • ચીનના બેકિંગથી નેપાળના ભારત સાથે બદલાયેલા સૂર

ચીનના બેકિંગથી નેપાળના ભારત સાથે બદલાયેલા સૂર

 | 2:17 am IST

સ્નેપ શોટ

ભારતનો પડોશી દેશ નેપાળ આજકાલ અલગ અંદાજમાં પેશ આવી રહ્યો છે. ભારત સાથેના ભૂમિ વિવાદમાં નેપાળે ભારતના કબજાવાળી જમીન પોતાની હોવાનો દાવો કરીને અલગ નકશા બનાવ્યા છે. આ નકશાને નેપાળની કેબિનેટે મંજૂર પણ કરી દીધા છે. નેપાળની કેબિનેટે જે આવા નવા નકશાની મંજૂરી આપી છે તેમાં લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની વિસ્તારને નેપાળના હોવાનું બતાવાયું છે. નેપાળે બનાવેલા આ નવા નકશાને કારણે રાજકીય ગરમી બંને દેશોમાં વધી ગઈ છે. નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલી પણ આજકાલ ભારત વિરોધી નિવેદનો કરવા લાગ્યા છે.

નેપાળની કોમ્યુનિસ્ટ સરકાર ત્યારથી હરકતમાં આવી જ્યારે આજથી ૧૨ દિવસ પહેલા દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા ઉત્તરાખંડના પિથૌરાગઢમાં માનસરોવર માર્ગ પર ૮૦ કિ.મી. ના એક લિંકરોડનું ઉદઘાટન કરાયુ. આ લિંકરોડ લિપુલેખ સુધી જાય છે જે ચીનની બોર્ડરને અડકે છે. ૮૦ કિ.મી. લાંબો આ રસ્તો ઉત્તરાખંડના ધારચૂલાથી શરૂ કરીને લિપુલેખ પાસ થઈને ચીનની સીમા સુધી જાય છે. અને આ રસ્તે કૈલાસ માનસરોવર યાત્રાના યાત્રીઓ હવેથી સરળતાથી પ્રવાસ કરી શકશે. કૈલાસ માનસરોવરના યાત્રીઓની યાત્રા હવે ૮૪ ટકા ભારતીય ક્ષેત્રમાં થશે અને માત્ર ૧૬ ટકા યાત્રા ચીનના વિસ્તારમાં થશે. આ રોડ બન્યા પહેલા કૈલાસ માનસરોવરના તીર્થયાત્રીઓની ૮૦ ટકા યાત્રા વિદેશી જમીનમાં થતી હતી.

લિપુલેખ બાયપાસના રસ્તાના ઉદઘાટન બાદ તરત જ નેપાળ સરકાર હરકતમાં આવી હતી અને નિવેદન કર્યુ હતું કે આ રસ્તો નેપાળના વિસ્તારમાંથી પસાર થાય છે. અને ભારતે એક તરફી કાર્યવાહી કરીને આ રસ્તો બનાવ્યો છે.

સવાલ એ છે કે છેલ્લા ર વર્ષથી આ રસ્તો બની રહ્યો હતો ત્યાં સુધી નેપાળે આ રસ્તા અંગે કોઈ વાંધો ઉઠાવ્યો નહિ અને હવે જ્યારે રસ્તો બની ગયો છે ત્યારે કોના ઈશારે નેપાળ ભારતના રસ્તાનો વિરોધ કરી રહ્યુ છે. ભારતનું કહેવું છે કે કૈલાસ માનસરોવર યાત્રાના તીર્થયાત્રીઓ માટે આ રસ્તો પહેલેથી જ હતો પરંતુ આ કાચા રસ્તો હોવાથી તીર્થયાત્રીઓને તકલીફ પડતી હતી જે માટે સરકારે પાકો રસ્તો બનાવ્યો છે.

લિપુલેખા પાસ અંગે ભારત અને નેપાળ વચ્ચે જે વિવાદ ઊભો થયો છે તે આખો રસ્તો હિમાલયના પહાડી વિસ્તારનો રસ્તો છે. જેના પર ભારતનો કબજો છે. આ ક્ષેત્ર ભારતના ઉત્તરાખંડ રાજ્યના કુમાઉ વિસ્તારને તિબેટના તકલાકોટ શહેર સાથે જોડે છે. પ્રાચીન સમયથી વેપારીઓ અને તીર્થયાત્રીઓ દ્વારા ભારત અને તિબેટની વચ્ચે આવવા જવા માટે આ રસ્તાનો ઉપયોગ થતો હતો.

હકીકત એ છે કે આ રસ્તો બનતા હવે ચીનની સીમા પર આવેલી ભારતની છેલ્લી ચોકી પર સરળતાથી ભારતીય લશ્કર પહોંચી શકવાનું છે. આ જગ્યા પર પહોંચતા પહેલાં ત્રણેક દિવસ લાગતા હતાં પંરતુ રસ્તો બનતા હવે માત્ર ૩ થી ચાર કલાકમાં આ જગ્યાએ પહોંચી શકાશે. એટલે ચીનના પેટમાં દુઃખ્યુ છે અને નેપાળને આગળ કરીને આ રસ્તાનો વિરોધ કરી રહ્યુ છે.

દેશના સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ શબ્દો ચોર્યા વગર સીધી વાત કરી કે લિપુલેખપાસ રોડને કારણે નેપાળ અત્યારે જે વિરોધ કરીરહ્યો છે તેની પાછળ ચીનનો હાથ હોઈ શકે છે. સડક બની ત્યાં સુધી ચૂપ રહેલું નેપાળ હવે જ્યારે રસ્તાનું ઉદઘાટન થયુ ત્યારે વિરોધ કરી રહ્યું છે તેની પાછળ એક બીજો જ હાથ છે તે દેખાઈ રહ્યુ છે. જનરલ નરવણેએ કહ્યુ કે નેપાળની પ્રતિક્રિયા હેરાન કરવાવાળી છે. ભારત અને નેપાળ વચ્ચે બ્રિટીશરોના સમયમાં સૌગાલી સંધિ થઈ હતી. જે મુજબ કાલી નદીના પૂર્વ તરફનો ભાગ નેપાળનો છે અને પશ્ચિમ તરફનો ભાગ ભારતનો છે. અત્યારે જે રસ્તો બનાવવામાં આવ્યો છે નદીના પશ્ચિમ તરફ છે અને એમાં કોઈ વિવાદ હતો નહી. પરંતુ હવે મને ખબર નથી પડતી કે કંઈ વાતનો વિરોધ થઈ રહ્યો છે.

હકીકત એ છે કે ચીન સમગ્ર દુનિયામાં મહાસત્તા તરીકે પોતાની ધાક જમાવવા માગી રહ્યું છે અને તેના માટે તેને એશિયામાં પોતાનું પ્રભુત્વ સાબિત કરવાની જરૂર છે. એશિયામાં ચીનના મુખ્ય બે હરીફ ભારત અને જાપાન છે જે ચીનનું વર્ચસ્વ સ્વીકારવા ક્યારેય તૈયાર થાય તેમ નથી. આ સંજોગોમાં ભારતને દબાવવા ચીને ભારતના તમામ પડોશીઓને પોતાની પાંખમાં લેવાનું શરૂ કર્યુ છે. જે મુજબ સૌપ્રથમ ભારતના કટ્ટરવિરોધી પાકિસ્તાનને ચીને પોતાની પાંખમાં પૈસાના જોરે લઈ લીધું છે ત્યારબાદ શ્રીલંકા અને બાંગ્લાદેશને પણ આર્થિક મદદ અને વિકાસના કામોમાં સહાય અને ટેકનોલોજી પુરી પાડીને પોતાની સાથે કરવાનું શરૂ કર્યુ છે. ત્યારબાદ ભારતના ખાસ મિત્ર એવા નેપાળને પણ ચીને દાણા નાખવાનું શરૂ કર્યુ છે.

નેપાળ જ્યારે હિન્દુ રાષ્ટ્ર હતુ ત્યારથી ચીનની તેના પર નજર હતી અને સતત ચીનમાં કોમ્યુનિસ્ટ સરકાર સ્થાપિત થાય તેવા પ્રયત્નો કરી રહ્યું છે. આખરે આ દાવમાં ચીન સફળ રહ્યુ. નેપાળનું હિન્દુ રાષ્ટ્ર પડી ભાંગ્યુ અને લોકશાહી સરકારની સ્થાપના થઈ જેમાં ચીન તરફી પાર્ટી સત્તા પર આવી અને હવે ચીન નેપાળની સરકારમાં પોતાનું ધાર્યું કરાવવા તત્પર બન્યું છે.

તાજેતરમાં જ ભારત-ચીનની સરહદ પર બંને દેશના સૈનિકો વચ્ચે હાથાપાઈના બનાવો બન્યા હતા જેમાં બંને દેશોના સૈનિકો ઘાયલ થયા હતાં. ચીન સરહદના મુદે સતત ભારત સાથે ઝઘડો કરી રહ્યું છે. સરહદ પર પોતાના સેનાની ચૌકીઓ અને રસ્તાઓ બનાવવામાં સતત કાર્યશીલ હોય છે. ચીન એક દિવસ ભારત પર હુમલો કરવા ઈચ્છે છે અને સૈન્ય શક્તિથી ભારતને દબાવવા માગે છે તે માટે તમામ તૈયારીઓ સતત કરી રહ્યું છે. ભારત પણ ચીનની આ માનસિકતાને ઓળખે છે અને એટલે ચીનની સરહદો સુધી પાકા રસ્તા અને ચૌકીઓ બનાવવામાં વ્યસ્ત છે. આ વાત ચીનથી હજમ થતી નથી. અને પરિણામે પડોશી દેશને ઉશ્કેરી ભારતનો વિરોધ કરાવે છે.

નેપાળ સરહદના વિરોધ પાછળ પણ આ જ વાત કારણભૂત છે વર્ષો સુધી નેપાળને ભારતને સાચવ્યું છે ત્યારે હવે નેપાળ ચીનની ભાષા ભારત સામે બોલી રહ્યું છે તે બતાવી રહ્યુ છે કે એશિયા ખંડમાં ચીન અશાંતિનો દોર સર્જવા માગે છે અને પોતાનું પ્રભુત્વ વધારવા માગે છે આવનારા દિવસોમાં ભારતે ચીનની આકાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવો રહ્યો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન