China builds military base in POK, Pak. Violated the ceasefire 3186 times
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચીને પીઓકેમાં સૈનિકમથકનું નિર્માણ કર્યું, પાકે. 3186 વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું

ચીને પીઓકેમાં સૈનિકમથકનું નિર્માણ કર્યું, પાકે. 3186 વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું

 | 7:21 am IST

લદ્દાખમાં એલએસી પર મોટી સંખ્યામાં ચીની સેનાના જમાવડા અને ચીની સેના લદ્દાખમાં ઓપ્ટિકલ ફાઇબર બિછાવી રહી હોવાના અહેવાલોએ ભારતીય સેના સામે નવો પડકાર ઊભો કર્યો છે તો બીજીતરફ એલઓસી પર પાકિસ્તાની સેના દ્વારા થઈ રહેલું યુદ્ધવિરામ ઉલ્લંઘન ૧૭ વર્ષની સૌથી ઊંચી સપાટી પર પહોંચ્યું છે. સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર ૧ જાન્યુઆરીથી ૭ સપ્ટેમ્બર સુધીમાં એલઓસી પર પાકિસ્તાની સેના દ્વારા ૩,૧૮૬ વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરાયું છે. આજ સમયગાળામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની સેના દ્વારા ગોળીબારની ૨૪૨ ઘટના બની છે. આમ ભારતીય સેના એલએસી અને એલઓસી એમ બેવડા મોરચા પર લડી રહી છે.

પાકિસ્તાન અને ચીન બંને સાથે મળીને ભારતને સંયુક્ત પડકાર આપી રહ્યાં છે. પાકિસ્તાન ચીનને પચાવી પાડેલા કાશ્મીરમાં તમામ સુવિધાઓ પૂરી પાડી રહ્યો છે. ચીન પાકિસ્તાની કબજા હેઠળના ગિલગિટમાં પાકિસ્તાની સેનાની મદદથી સૈનિક મથકનું નિર્માણ કરી રહ્યો છે. પીઓકેમાં ચાલી રહેલા ચીની પ્રોજેક્ટોની સામે પાકિસ્તાને ચીનને ગ્વાદર, ગિલગિટ અને બાલ્ટિસ્તાનના સૈનિક મથકોનો ઉપયોગ કરવાનો અધિકાર આપી દીધો છે. ગિલગિટમાં ચીની સેનાની એન્ટ્રીથી પાકિસ્તાનની સ્થિતિ વધુ મજબૂત બનશે.

ભારતીય સેનાને એલઓસી પર વ્યસ્ત રાખવાનો નાપાક કારસો

લદ્દાખમાં ચીની સેનાને આગળ વધતી અટકાવવામાં ભારતીય સેના વ્યસ્ત છે ત્યારે પાકિસ્તાની સેના એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારતીય સેના માટે પડકાર ઊભો કરી ચીન સામે નબળી પાડવાના પ્રયાસો કરી રહી છે. ૨૦૨૦માં અત્યાર સુધીમાં પાકિસ્તાની સેના દ્વારા છેલ્લા ૧૭ વર્ષના સૌથી વધુ યુદ્ધવિરામ ઉલ્લંઘન કરાયાં છે. પાકિસ્તાની સેનાએ ૨૦૧૯માં ૩,૧૬૮, ૨૦૧૮માં ૧,૬૨૯ અને ૨૦૧૭માં ૯૭૧ વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.

ચીનનું વધુ એક જુઠ્ઠાણું

ચીનના વિદેશમંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, લદ્દાખમાં ચીની સેના એલએસી ખાતે ઓપ્ટિલક ફાઇબર નેટવર્ક બિછાવી રહી નથી. ભારત અને ચીન રાજદ્વારી અને લશ્કરી ચેનલો દ્વારા સંપર્ક જાળવી રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન