China Trying Destroy The Graves Of Uighur Muslim
  • Home
  • Featured
  • ઉઇગર મુસલમાનોને જડમૂળથી નષ્ટ કરવા માટે ચીન બન્યું નિર્દયી, ઉઠાવ્યું આ પગલું

ઉઇગર મુસલમાનોને જડમૂળથી નષ્ટ કરવા માટે ચીન બન્યું નિર્દયી, ઉઠાવ્યું આ પગલું

 | 6:08 pm IST

ચીન દલીલ કરી રહ્યું છે કે તેના દેશમાં ઉઇગર મુસલમાનોની વિરુદ્ધ માનવ અધિકાર હનનની ઘટનાઓ નથી થઈ રહી, જ્યારે હકીકત એ છે કે ઉઇગરોનાં ઇતિહાસ, તેમની ઓળખ ભૂંસી દેવાનાં રસ્તે ચીન ચાલી રહ્યું છે. લાખો ઉઇગરોને બંધક બનાવી રાખ્યા બાદ હવે તે તેમના કબ્રસ્તાનને તબાહ કરી રહ્યું છે, જેથી તેમને તેમના ઇતિહાસ અને પૂર્વજોથી દૂર કરી શકાય. ઉલ્લેખનીય છે કે આ સમાચાર એ સમયે આવી રહ્યા છે જ્યારે ઉઇગર મુસલમાનો પર થઇ રહેલા અત્યાચારની વચ્ચે ચીન અને અમેરિકા વચ્ચે ડખો થયો છે. અમેરિકાએ ચીનને કહ્યું છે કે, જ્યાં સુધી તે ઉઇગર મુસલમાનોનું દમન બંધ નહીં કરે, તેના અધિકારીઓને વિઝા નહીં આપવામાં આવે.

કબરોને તોડી દેવામાં આવી

એક રિપોર્ટ પ્રમાણે, ‘ચીન પ્રશાસન શિંજિયાંગમાં કબરો નષ્ટ કરી રહ્યું છે જ્યાં ઉઇગરોની અનેક પેઢીઓ દફન છે, જેના કારણે આસપાસનાં વિસ્તારમાં માનવ હાડકા અને કબરોનાં તૂટેલા અવશેષો વિખેરાયેલા છે. બે વર્ષ પહેલા જ ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં તેની ડઝન કબરોને તોડી દેવામાં આવી હતી. શાયર કાઉન્ટીમાં ત્રણ અલગ અલગ જગ્યાઓમાં માનવ અસ્થિઓ જોવા મળી. જ્યારે અધિકારીઓને આ વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, કબરોને તોડવામાં નથી આવી રહી, પરંતુ તેને પ્રમાણિત કરવામાં આવી રહી છે. ચીનની બહાર રહેતા ઉઇગરોનો આરોપ છે કે આ તેમની જિંદગી પર સંપૂર્ણ રીતે નિયંત્રણ કરવાનો પ્રયત્ન છે.”

ઉઇગર મુસલમાનોની ઓળખ ભૂંસી દેવા માટેનાં પ્રયત્ન

દેશની બહાર રહેતા સાલિહ હુદાયરે કહ્યું કે, “આ અમારી ઓળખ સાથે જોડાયેલા સબૂતને પ્રભાવી રીતથી સમાપ્ત કરવાનું ચીનનું અભિયાન છે. તેઓ પ્રભાવી રીતથી અમને હૈન ચીની બનાવવા ઇચ્છે છે.” તેમણે કહ્યું કે, “આ કારણે તેઓ તમામ ઐતિહાસિક સ્થળો, કબ્રસ્તાનોને તોડી રહ્યા છે જેથી અમને અમારા ઇતિહાસ, અમારા પિતા અને પૂર્વજોથી દૂર કરી શકાય.”

10 લાખથી વધારે લોકોને બંધક બનાવીને રાખવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે શિજિયાંગમાં કથિત રી-એજ્યુકેશન કેમ્પમાં 10 લાખથી વધારે લોકોને બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. આમાંથી મોટાભાગનાં મુસ્લિમ છે. તેમને ધાર્મિક કટ્ટરપંથ અને અલગાવવાદની વિરુદ્ધ કાર્યવાહીનાં નામ પર બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. તો જેઓ આ કેમ્પની બહાર છે તેમના પર નજર રાખવામાં આવી રહી છે. અધિકારી તેમના ઘરે આવીને ક્યારેય પણ ધમકાવી શકે છે. મહિલાઓને બુરખો પહેરવા અને પુરૂષોને દાઢી રાખવા પર બેન લગાવવામાં આવ્યો છે.

માનવઅધિકાર ઉલ્લંઘનનાં આરોપી 28 ફર્મને બ્લેક લિસ્ટ કરી દીધા

આ ઘટનાને લઇને જ્યારે વિશ્વ ચિંતિત છે, તો ચીન પર આની કોઇ અસર દેખાઇ રહી નથી. અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તે માનવઅધિકારનાં ઉલ્લંઘનને જોતા ચીની અધિકારીઓને વિઝા નહીં આપે. અમેરિકાએ સાથે જ માનવઅધિકાર ઉલ્લંઘનનાં આરોપી 28 ફર્મને બ્લેક લિસ્ટ કરી દીધા છે. તો ચીનનો આરોપ છે કે અમેરિકા તેના આંતરિક મુદ્દામાં દખલ આપી રહ્યું છે.

આ વિડીયો પણ જુઓ: મુુંબઈના વાશી સ્ટેશન પર ટ્રેનમાં લાગી આગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન