ચીનના મુદ્દે હવે જરૂર છે મજબૂત રાજકીય ઇચ્છાશક્તિની - Sandesh
  • Home
  • Columnist
  • ચીનના મુદ્દે હવે જરૂર છે મજબૂત રાજકીય ઇચ્છાશક્તિની

ચીનના મુદ્દે હવે જરૂર છે મજબૂત રાજકીય ઇચ્છાશક્તિની

 | 12:48 am IST

સ્નેપ શોટ

ચીન અને ભારત વચ્ચેનો ઝઘડો દિવસે દિવસે રાજકીય પેચમાં ફસાતો જાય છે. વડાપ્રધાને જ્યારે જાહેર કર્યું કે, ભારતની એક ઇંચ પણ જમીન પર પણ ચીનનો કબજો નથી તે વાત ચીને પકડી લીધી છે અને ઇન્ટરનેશનલ ફોરમ પર કહી રહ્યું છે કે, અમે ભારતમાં ઘૂસપેઠ કરી નથી. જ્યારે દેશનાં વડાપ્રધાન જ આવી વાત કરતાં હોય ત્યારે આખી વાત ઇન્ટરનેશનલ લેવલે પણ થોડી બગડી ચૂકી છે. ભારતના હીતેચ્છુ દેશો પણ બેકફૂટમાં આવી ગયાં છે અને ચીન સામે જે સંયુક્ત મોરચો ઇન્ટરનેશનલી બનાવવાનો હતો તેમાં થોડી ઢીલ થઇ છે.

એક વાત જગજાહેર છે કે, ગલવાન ઘાટી હોટસ્પ્રીંગ્સ અને પેંગોંગ ત્સો વિસ્તાર અત્યારે વિવાદાસ્પદ છે. આ વિસ્તારોમાં ચીની સૈનિકોએ ઘૂસપેઠ કરી છે. સેનાના લેફટન્ટ જનરલ હરવિંદરસિંહે જેમણે ચીનના જનરલો સાથે ભારત તરફથી વાતચીત કરવાનું નેતૃત્વ કર્યું હતું તેમણે કહ્યું હતું કે, ચીનના સૈનિકોએ ભારતિય ક્ષેત્રમાંથી બહાર જવાની જરૂર છે.આમ જ્યારે સેનાના જનરલ કબૂલે છે કે ચીનના સૈનિકો ભારતિય સીમામાં ઘૂસપેઠ કરી છે. બીજી બાજુ વડાપ્રધાન કંઇક જુદી વાત કરે છે. આ આખી વાતે હવે નવી જ ચર્ચા શરૂ કરી છે.

મુખ્ય વિપક્ષ કોંગ્રેસ તરફથી પણ સરકાર પર પ્રહારો કરાયાં છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ મીડિયામાં કહ્યું કે, વડાપ્રધાન જે હોય તે સાચી વાત કહે, અમે તમારી સાથે છીએ. ચીને ભારતની સીમામાં ઘૂસપેઠ કરી છે કે નહીં તે વાત જાહેર કરે. ગલવાન ઘાટીની ઘટનામાં ૨૦ સૈનિકોના મોત થયાં તે જગ્યા ભારતની હતી કે ચીનની એ વાત પણ સ્પષ્ટ થવી જોઇએ અને જો આ જગ્યા જો ભારતની હોય તો ચીનના સૈનિકો ત્યાં કેવી રીતે આપણા જવાનોને મારવા આવી પહોંચ્યા. આ બધી વાતના ખુલાસા સરકાર તરફથી થવા જોઇએ.

સીમા સુરક્ષા એક ખૂબ પેચીદો મામલો છે. સીમા પરની શું હાલત છે તે વાત કરવા માટે રાજકીય સૂઝબૂઝની ખૂબજ આવશ્યકતા છે. કારગિલ યુદ્ધ લડેલા કર્નલ સોનમ વાંગચૂક જેઓ મૂળ લદાખનાં છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં તાજેતરમાં કહ્યું છે કે, ભારતે પોતાની સીમાઓની સુરક્ષા માટે ઢીલુ વલણ રાખવું ના જોઇએ. ચીન અને પાકિસ્તાનની સંયુક્ત તાકાતની વિરુદ્ધ આપણે લડવાનું છે. આ એક યોગ્ય સમય છે કે જ્યારે દેશ માટે એક મજબૂત રાજનીતિક ઇચ્છાશક્તિની જરૂર છે.

કર્નલ વાંગચૂક કારગિલ વોરના હિરો છે. તેમણે ૧૯૯૯માં પાકિસ્તાને કબજે કરેલ ચોરબત પાસ ફરી કબજે કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમણે આ કામ સફળતાપૂર્વક પાર પાડયું હતું. કર્નલ વાંગચૂક લદાખ સ્કાઉટ રેજિમેન્ટમાંથી આવે છે અને તેમની ટીમ સ્લો ટાઇગર તરીકે જાણીતી છે. ભારત સરકારે કર્નલ વાંગચૂકની કામગીરી બદલ દેશનો સૌથી મોટો વીરતા પુરસ્કાર મહાવીરચક્ર આપીને સન્માન કર્યું છે.

આવા કર્નલ વાંગચૂકનું કહેવું છે કે, અત્યારે ભારત અને ચીન વચ્ચે અભૂતપૂર્વ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. ૧૯૬૨ પછી પહેલીવાર ભારત અને ચીન વચ્ચે આટલો તણાવ પેદા થયો છે. કર્નલ વાંગચૂકનું કહેવું છે કે, ભારતિય સેનાનો પોતાનો કોઇ એજન્ડા હોતો નથી. સરકાર જે હુકમ કરે તેનું પાલન કરવાનું કામ સેના કરતી હોય છે. અત્યારે તમે એ વાતનો ઇનકાર ના કરી શકો કે પેંગોગ જીંગ અને ગલવાન ઘાટીમાં ચીની સેનાએ ચોકીઓ અને બંકર બનાવવાની કામગીરી કરી છે. દેશનું સૌભાગ્ય છે કે સરકાર કોઇ પણ નિવેદન કરે પરંતુ સેનાએ પોતાનું મનોબળ જાળવી રાખ્યું છે અને પોતાની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અત્યારે એવો સમય છે કે સરહદો પર આપણે સહેજ પણ ગાફેલ રહેવું પોષાય તેમ નથી. અત્યારે જ્યારે ચીનના સૈનિકો ભારતિય સરહદો પર તૈનાત છે ત્યારે સરકારે આ સરહદોની સ્થાનિક સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઇએ. સરહદી વિસ્તારના ગામોનો વિકાસ એ મહત્વની વાત છે. હકીકત એ છે કે આ સરહદી વિસ્તારો હજુ સુધી વિકસિત થયાં નથી. ચીની સૈનિકો આ વિસ્તારના લોકોને ધમકાવી રહ્યાં છે. પરિણામ એ છે કે બે બાજુનો માર આ લોકો સહન કરી રહ્યાં છે. સ્થાનિક લોકોની જમીનો ચીનીઓ દ્વારા છીનવાઇ રહી છે અને કોઇ તેમની વાત સાંભળતું નથી. સ્થાનિક પ્રશ્નો પર ધ્યાન આપવા એક અલગ તંત્ર સરકારે બનાવવું જોઇએ. સેનાને મજબૂત કરવા સેનામાં લદાખ વિસ્તારના જવાનોની ભરતીને પ્રાથમિકતા આપવી જોઇએ. લદાખ વિસ્તારનાં લોકો આ સમગ્ર વિસ્તારથી  અને પર્વતીય ક્ષેત્રોથી જાણકાર હોય છે. હવામાનથી પણ તેઓ અનુકૂળ હોય છે. જ્યારે મેદાની વિસ્તારથી લદાખ વિસ્તારમાં આવતા સૈનિકોને સમય લાગતો હોય છે ત્યારે લદાખનાં જ સૈનિકોને જો અહીંયા પોસ્ટિંગ મળે તો કામ આસાન બની રહે. કર્નલ વાંગચૂંકનું કહેવું છે કે, અત્યારે પરિસ્થિતિ એ છે કે લદાખથી સૈનિકોને રાજસ્થાનમાં પોસ્ટિંગ અપાય છે અને મેદાની વિસ્તારમાંથી ભરતી થયેલા જવાનોને લદાખમાં પોસ્ટિંગ અપાય છે. આ વાત યોગ્ય નથી. પૂર્વ ભારતની સરહદો પર લદાખી યુવાનોને મહત્વ આપવું જરૂરી છે.

છેલ્લાં બે અઠવાડિયાથી ચીન સાથે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં અત્યાર સુધી આપણો હાથ ઉપર હોય તેવી કોઇ વાત જોવા મળી નથી. ચીનની વર્ષોથી એ સ્ટાઇલ રહી છે કે, ચીન બે ડગલાં આગળ આવે છે અને જ્યારે વિવાદ વાતચીતના ટેબલ પહોંચે છે ત્યારે ચીન એક ડગલું પાછળ હટે છે. પરિણામ એ છે કે છેલ્લે ચીનના ભાગે એક ડગલું તો આવી જ જાય છે. આ ચીનની કુટીલ નીતિ રહી છે. જ્યારે ભારતિય સેના પ્રમુખ નરવાણેએ ગલવાન ઘાટીની કરૂણ ઘટના બાદ જાહેર કર્યું હતું કે, ભારત અને ચીનની સેનાઓ ક્રમબદ્ધ અલગ પડી રહી છે ત્યારે બે સેનાઓ અલગ થવાનો મતલબ એ થતો નથી કે ચીનના સૈનિકો આપણી જમીન પરથી પાછાં ફરી ગયાં છે. સરહદ પર હજુ પણ યથાસ્થિતિ નહીં હોવાનું જાણકારો કહી રહ્યાં છે ત્યારે આ આખી પરિસ્થિતિને ભારતે હવે ચીનના દબાણમાં આવ્યા વગર અને ચીનનો ડર રાખ્યા વગર ઉકેલવી પડશે.

હકીકત એ છે કે ચીનને ભારતની જમીન પર એટલો રસ નથી જેટલો રસ તેને ભારતના મોટાભાઇ બનવામાં છે. ચીનની સરકાર એ રીતનું દબાણ કરી રહી છે કે, ભારત ચીનને પોતાના બીગ બ્રધર તરીકે સ્વીકારી લે. એટલે જ ચીન આ પ્રકારના દબાણો કરી રહ્યું છે. જો કે ભારત ચીનના આ જાંસામાં આવવાનું નથી. વડાપ્રધાન મોદીએ પણ પોતાના નિવેદનમાં કહ્યું છે કે,  ચીનની કોઇ બેહૂદી માગણીઓ ભારત સ્વીકારશે નહીં અને અત્યારે અમેરિકા સહિત અન્ય દેશોનો પણ સહકાર આપણને મળી રહ્યો છે ત્યારે  ચીનના સાથી એવા રશિયાએ પણ ચીન પર દબાણ લાવ્યું છે અને ભારત સાથે યથાસ્થિતિ જાળવી રાખવાનું કહ્યું છે. જોઇએ હવે આગામી દિવસોમાં ચીન સાથે ભારતના કેવા સમીકરણો રચાય છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન