ચીનની ચાલ : નેપાળને બંદર, લેન્ડ પોર્ટનો ઉપયોગ કરવા મંજૂરી આપી - Sandesh
  • Home
  • Newspaper
  • ચીનની ચાલ : નેપાળને બંદર, લેન્ડ પોર્ટનો ઉપયોગ કરવા મંજૂરી આપી

ચીનની ચાલ : નેપાળને બંદર, લેન્ડ પોર્ટનો ઉપયોગ કરવા મંજૂરી આપી

 | 1:12 am IST

। કાઠમાંડુ ।

ભારતીય ઉપખંડના દેશોમાં ભારતનો પ્રભાવ ઘટાડવા સતત પ્રયાસરત રહેતા ચીને ખંધી ચાલ રમતાં નેપાળને વેપાર માટે પોતાના ચાર બંદર અને ૩ લેન્ડ પોર્ટનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી છે. આ સાથે જ નેપાળના વેપારમાં પ્રવર્તતી ભારતની મોનોપોલીનો અંત આવી ગયો છે. ચીનના આ નિર્ણયથી ચારેતરફ જમીનથી ઘેરાયેલા નેપાળની આંતરરાષ્ટ્રીય વેપાર માટે ભારત પરની નિર્ભરતા નજીવી બની રહેશે. ભારતના પડોશી દેશોમાં વગ વધારવા ચીન પહેલાં મોટાપાયે ઋણ આપી રહ્યો હતો અને હવે તેણે પોતાના સંસાધનોના ઉપયોગની મંજૂરી આપવાનું શરૂ કરી દીધું છે.

કાઠમાંડુ અને બેઇજિંગે ટ્રાન્ઝિટ પ્રોટોકોલ તૈયાર કરી દીધો છે જેના પગલે નેપાળને ચીન અને વિદેશો સાથે વેપાર માટે ચીની બંદરોનો ઉપયોગ કરવાની પરવાનગી મળી છે. ગુરુવારે રાત્રે નેપાળ અને ચીનના અધિકારીઓએ આ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યાં હતાં. નવી વ્યવસ્થા અંતર્ગત ચીન નેપાળને આંતરરાષ્ટ્રીય વેપાર માટે વૈકલ્પિક જમીન અને દરિયાઇ માર્ગ ઉપલબ્ધ કરાવશે. ચીની અધિકારી તિબેટમાં શિગાટ્સના રસ્તે નેપાળનો સામાન લઇ જતા ટ્રકો અને કન્ટેનરોને પરમિટ આપશે. નેપાળના વાણિજ્ય સંયુક્ત સચિવ રવિશંકર સૈજુએ જણાવ્યું હતું કે, વિદેશ વેપાર માટે નેપાળી વેપારીઓને ચીનના બંદરો સુધી પહોંચવા રેલ અથવા સડકમાર્ગનો ઉપયોગ કરવાની પરવાનગી અપાઇ છે.  ૨૦૧૫માં નેપાળમાં મધેસી આંદોલન થયું હતું. તે દરમિયાન નેપાળમાં રોજિંદી જરૂરિયાતની વસ્તુઓની તીવ્ર અછત સર્જાઇ હતી. આ આંદોલન બાદ નેપાળે ભારત પરનો આધાર ઘટાડવા પર વિચારણા શરૂ કરી દીધી હતી. તેનો લાભ ઉઠાવી ચીને નેપાળ સાથેના સંબંધ મજબૂત બનાવવાનું શરૂ કરી દીધું હતું.

અત્યાર સુધી નેપાળનો વેપાર ભારતના કોલકાતા અને વિશાખાપટ્ટનમ બંદરોથી ચાલતો હતો

નેપાળ વિદેશ વેપાર માટે ભારતના બંદરોનો ઉપયોગ કરતો હતો. નેપાળની નિકાસ મુખ્યત્વે કોલકાતા બંદરથી થતી હતી પરંતુ તેમાં ૩ મહિનાનો સમય લાગી જતો હતો. નવી દિલ્હીએ નેપાળી વેપાર માટે વિશાખાપટ્ટનમ બંદરનો ઉપયોગ કરવા પણ પરવાનગી આપી હતી.  ચીન નેપાળમાં ભારતનું પ્રભુત્વ ઘટાડવા લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યો છે. ચીન અને નેપાળ મુક્ત વેપાર કરારની દિશામાં પણ આગળ વધી રહ્યાં છે.

નેપાળ ચીનના કયા પોર્ટનો ઉપયોગ કરી શકશે?

સી પોર્ટ : ૧. તિઆનજિન, ૨. શેનઝેન, ૩. લિઆન્યગેંગ, ૪. ઝાનઝિઆંગ

ડ્રાય પોર્ટ : ૧. લ્હાનઝિન, ૨. લ્હાસા, ૩. શિગ્ત્સે

;