ચાઇના ઓપન : કિદાંબી શ્રીકાંત બીજા રાઉન્ડમાં, પ્રણોય આઉટ - Sandesh
  • Home
  • Sports
  • ચાઇના ઓપન : કિદાંબી શ્રીકાંત બીજા રાઉન્ડમાં, પ્રણોય આઉટ

ચાઇના ઓપન : કિદાંબી શ્રીકાંત બીજા રાઉન્ડમાં, પ્રણોય આઉટ

 | 12:24 am IST

। ફુઝોઉ  ।

ભારતીય બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે ચાઇના ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે જ્યારે એચ. એસ. પ્રણોયનો પરાજય થતાં તે બહાર થઈ ગયો હતો.

પાંચમા ક્રમાંકિત કિદાંબી શ્રીકાંતે ફ્રાન્સના લુકાસ કોરવીએ ૩૫ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૧-૧૨, ૨૧-૧૬થી પરાજય આપ્યો હતો. બંને વચ્ચે આ ત્રીજો મુકાબલો હતો જેમાં કિદાંબી શ્રીકાંતે આ સતત ત્રીજો વિજય મેળવ્યો હતો. આ પહેલાં શ્રીકાંતે ગત વર્ષે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં અને ૨૦૧૫માં સ્વિસ ઓપનમાં પરાજય આપ્યો હતો. બીજા રાઉન્ડમાં કિદાંબી શ્રીકાંતનો સામનો ઇન્ડોનેશિયાના ટોમી સુગિઆર્તો સામે થશે. બંને પાંચ વખત ટકરાઈ ચૂક્યા છે જેમાં સુગિઆર્તોનો રેકોર્ડ ૩-૨નો છે. જોકે, છેલ્લે બંને ૨૦૧૬માં એશિયા ટીમ ચેમ્પિયનશિપમાં ટકરાયા હતા જેમાં શ્રીકાંતે વિજય મેળવ્યો હતો.

અન્ય એક મેચમાં ભારતના એચ. એસ. પ્રણોયને ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીએ ૩૩ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ૨૧-૧૧, ૨૧-૧૪થી હાર આપી હતી. બંને વચ્ચે આ ત્રીજો મુકાબલો હતો. આ પહેલાં બંને આ વર્ષે જાપાન ઓપન અને એશિયન ગેમ્સની ટીમ ઇવેન્ટમાં ટકરાયા હતા અને બંને વખતે પ્રણોય જીત્યો હતો.

મિક્સ ડબલ્સમાં પણ ભારતને નિરાશા હાથ લાગી હતી. ભારતીય જોડી અશ્વિની પોનપ્પા અને સાત્વિકસાંઇરાજ રેન્કિરેડ્ડીને મલેશિયાના ચેન પેંગ સુન અને ગો લિયુ યિંગની જોડીએ ૨૧-૧૭, ૨૧-૧૮થી હરાવી બહાર કરી દીધી હતી.