ચાઇના ઓપન : પીવી સિંધુ બીજા રાઉન્ડમાં - Sandesh
  • Home
  • Newspaper
  • ચાઇના ઓપન : પીવી સિંધુ બીજા રાઉન્ડમાં

ચાઇના ઓપન : પીવી સિંધુ બીજા રાઉન્ડમાં

 | 1:09 am IST

। ફુઝોઉ ।

આ વર્ષે પોતાના પ્રથમ ટાઇટલની રાહ જોઈ રહેલી ભારતની ટોચની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ અહીં શરૂ થયેલી ચાઇના ઓપનના પ્રથમ રાઉન્ડમાં રશિયાની એવગેનિયા કોસેત્કાયાને ૨૯ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૧-૧૩, ૨૧-૧૯થી પરાજય આપી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે, મહિલા ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડીની જોડીનો પરાજય થતાં બહાર થઈ હતી. ભારતીય મહિલા જોડીને જાપાનની શિહો તનાકા અને કોહારુ યોનેમોટોની જોડીએ એક કલાક નવ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૧-૧૯, ૧૫-૨૧, ૨૧-૧૭થી હાર આપી હતી. પુરુષ ડબલ્સમાં પણ ભારતને નિરાશા હાથ લાગી હતી. ભારતીય જોડી મનુ અત્રી અને બી. સુમિત રેડ્ડીની જોડીને ડેન્માર્કના કિમ અસ્ત્રુપ અને આન્દ્રેસ સ્કારૂપની જોડીએ ૨૧-૧૬, ૨૭-૨૫થી હરાવી બહાર કર્યા હતા.

૩૦મો ક્રમાંક ધરાવતી રશિયાની કોસેત્કાયા સામે ત્રીજી ક્રમાંકિત સિંધુને પ્રથમ સેટ જીતવામાં ખાસ મુશ્કેલી નહોતી પડી પરંતુ બીજા સેટમાં સંઘર્ષ કરવો પડયો હતો. બંને ૧૦-૧૦ની બરાબરી પર હતી ત્યારે સિંધુએ સતત પાંચ પોઇન્ટ મેળવી ૧૫-૧૦ની સરસાઈ મેળવી હતી. કોસેત્કાયાએ પણ વાપસી કરતાં સતત પાંચ પોઇન્ટ મેળવતાં બંને ૧૫-૧૫ની બરાબરી પર પહોંચી ગઈ હતી. બંને ત્યારબાદ ૧૯-૧૯ની બરાબરી પર હતી ત્યારે સિંધુએ બે પોઇન્ટ મેળવી ૨૧-૧૯થી જીત મેળવી હતી. બીજા રાઉન્ડમાં સિંધુનો સામનો થાઇલેન્ડના બુસાનન ઓંગબામરુંગફાન સામે થશે.

વર્લ્ડ બેડમિન્ટન જુનિયર ચેમ્પિયનશિપ : ભારતનો વિજયી પ્રારંભ

કેનેડામાં શરૂ થયેલા વર્લ્ડ બેડમિન્ટન જુનિયર ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે ભારતીય શટલર્સે જીત સાથે પ્રારંભ કરતાં ગ્રૂપ ઈમાં શ્રીલંકા અને કેન્યા સામે ૫-૦થી વિજય મેળવ્યો હતો. શ્રીલંકા સામેના મુકાબલામાં ભારત તરફથી કૃષ્ણ પ્રસાદ અને ધ્રુવ કપિલાની જોડીએ પુરુષ ડબલ્સમાં, માલવિકા બંસોડેએ મહિલા સિંગલ્સમાં, લક્ષ્ય સેને પુરુષ સિંગલ્સમાં જીત મેળવી હતી. ચોથી મેચમાં તનિશા ક્રાસ્ટો અને ગાયત્રી ગોપીચંદ પુલેલાએ અને મિક્સ ડબલ્સમાં સૃષ્ટિ જુપુડી અને સાંઈકુમારની જોડીએ જીત મેળવી હતી. બીજો મુકાબલો કેન્યા સામે હતો જેમાં મહિલા સિંગલ્સમાં પુર્વા બાર્વેએ, પુરુષ સિંગલ્સમાં પ્રિયાંશુ રાજાવતે, સાહિથી બાંદી અને તનુશ્રીની જોડીએ મહિલા ડબલ્સમાં જીત મેળવી હતી. મનજિત અને ડિંકુએ પુરુષ ડબલ્સમાં જ્યારે અશ્વિની ભટ્ટ અને સાંઇ પ્રતીકની જોડીએ મિક્સ ડબલ્સમાં વિજય મેળવ્યો હતો.