ચીને ડોકલામમાં ફરી ચોકીઓ અને હેલિપેડ બનાવ્યા, સૈનિકો પણ તૈનાત કર્યા - Sandesh
  • Home
  • India
  • ચીને ડોકલામમાં ફરી ચોકીઓ અને હેલિપેડ બનાવ્યા, સૈનિકો પણ તૈનાત કર્યા

ચીને ડોકલામમાં ફરી ચોકીઓ અને હેલિપેડ બનાવ્યા, સૈનિકો પણ તૈનાત કર્યા

 | 9:21 pm IST

ભારત અને ચીને ડોકલામના વિવાદાસ્પદ સ્થળથી દૂર ફરી સૈનિકો તૈનાત કર્યા છે. ચીને તેના સૈનિકો માટે હેલિપેડ્સ અને સુરક્ષા ચોકીઓ પણ બનાવી છે. સરંક્ષણપ્રધાન નિર્મલા સિતારમણે લોકસભામાં આ મુજબ જણાવ્યું છે.

લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં સંરક્ષણપ્રધાન સિતારમણે જણાવ્યું હતું કે 2017માં સર્જાયેલી તંગદિલીનો અંત આવ્યા પછી બંને પક્ષોએ તેમના સૈનિકોને વિવાદાસ્પદ સ્થળથી દૂર ફરીથી તૈનાત કર્યા છે. જોકે બંને બાજુએ સૈનિકોની સંખ્યા ઓછી છે.
સિતારમણે વધુમાં જણાવ્યું હતું કે શિયાળામાં પણ સૈનિકો ત્યાં જ રહ્યા હતાં. આ માટે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએએલ)એ સુરક્ષા ચોકીઓ, બંકરો અને હેલિપેડ સહિત કેટલાક પાયાના માળખાનું નિર્માણ કર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સીમાને લગતાં મુદ્દાઓ નિયમિતપણે ચીન સમક્ષ રાજદ્વારી રીતે ઉઠાવવામાં આવે છે. 16 જૂને ભારતના સૈનિકોએ ચીનના સૈનિકોને વિવાદાસ્પદ ક્ષેત્રમાં રસ્તાનું નિર્માણ કરતાં અટકાવ્યા હતાં. ત્યારપછી બંને દેશોના સૈનિકો એકબીજાની સામે અડીખમ ઉભા રહ્યા હતાં. 28 ઓગસ્ટે વિવાદનો અંત આવ્યો હતો.

ચીન પાકિસ્તાનમાં સેના મથક બનાવી રહ્યું છે, એમ પૂછવમાં આવતાં સિતારમણે કહ્યું હતું કે ભારત આવી કોઈ પણ ઘટના પર બાજનજર રાખી રહ્યું છે.