ટ્રમ્પના સ્વાગત માટે ચીને આકાશમાં ફેરવ્યું જોરદાર ઝાડુ - Sandesh
  • Home
  • Featured
  • ટ્રમ્પના સ્વાગત માટે ચીને આકાશમાં ફેરવ્યું જોરદાર ઝાડુ

ટ્રમ્પના સ્વાગત માટે ચીને આકાશમાં ફેરવ્યું જોરદાર ઝાડુ

 | 2:48 pm IST

દિલ્હીમાં પ્રદૂષણનું આવરણ છવાયું છે, તેવી જ રીતે ચીનની રાજધાની પેકિંગમાં પણ છેલ્લા ચાર દિવસથી પ્રદૂષણની ચાદર જોવા મળતી હતી, પરંતુ બુધવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પેકિંગ આવનાર હતા. તેમને પ્રદૂષણનો જરાસરખો પણ અનુભવ ન થાય તે માટે ચીન આકાશમાં છવાયેલા પ્રદૂષણનું મંગળવાર રાતે જ કાસળ કાઢી નાખ્યું હતું.  આ કારણે બુધવારની રાતે અને દિવસે આકાશમાં એકદમ ચકાચક દેખાતું હતું. બુધવારે ટ્રમ્પના વિમાને બપોરે પેકિંગમાં લેન્ડિંગ કર્યું અને ફોટોગ્રાફરોએ દૂર ઊભા રહીને પણ તેમના સ્પષ્ટ ફોટા પાડ્યા હતાં.

પેકિંગમાં રજકણની નાની સરખી રેખા પણ દ્રષ્ટિપાત થતી ન હતી અને સૂરજ સોળે કળાએ એકદમ સ્વચ્છ દેખાતો હતો. બીજીબાજુ દિલ્હીમાં બુધવારે જ બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સે લેન્ડિંગ કર્યું હતું. તેમને ટ્રમ્પથી વિપરીત ભારે પ્રદૂષણ વચ્ચે વિમાનમાંથી બહાર આવવાની ફરજ પડી હતી.

પેકિંગમાં  ટ્રમ્પના આગમન અગાઉ ચીને તાકિદના પગલાં તરીકે વાહનો અને બાંધકામ પ્રવૃતિઓ પર પ્રતિબંધ મુક્યો હતો. ઉપરાંત સ્ટીલ, સિમેન્ટ અને કોલસા કંપનીઓના ઉત્પાદન પર પણ પ્રતિબંધ મુકી દેવાયો હતો. આ તમામ પગલાંઓને લીધે પ્રદૂષણમાં 25 ટકા જેટલો ઘટાડો થયો હતો.