સાઉથ ચાઈના સી: વિયેતનામે ભારતને કરી એવી ઓફર, ચીનના પેટમાં તેલ રેડાયું - Sandesh
  • Home
  • World
  • સાઉથ ચાઈના સી: વિયેતનામે ભારતને કરી એવી ઓફર, ચીનના પેટમાં તેલ રેડાયું

સાઉથ ચાઈના સી: વિયેતનામે ભારતને કરી એવી ઓફર, ચીનના પેટમાં તેલ રેડાયું

 | 5:22 pm IST

વિયેતનામ દ્વારા દક્ષિણ ચીન સમુદ્રમાં ભારતને તેલ અને ઉર્જા ક્ષેત્રે રોકાણ કરવાનું આમંત્રણ આપતા ચીનન પેટમાં ચુંક ઉપડી છે. ચીને વિયેતનામના આ પગલાની નિંધા કરી છે. ચીને કહ્યું હતું કે, તેના અધિકારોનું અતિક્રમણ કરતી કોઈ પણ પ્રકારની વ્યવસ્થાનો તે વિરોધ કરે છે. ભારતમાં રહેલા વિયેતનામના રાજદૂત ટોન સિન થાને ગત મંગળવારે કહ્યું હતું કે. વિયેતનામ દક્ષિણ ચીન સમુદ્રમાં ભારત દ્વારા કરવવામાં આવનારા કોઈ પણ પ્રકારના રોકાણને આવકારે છે.

વિયેતનામના રાજદૂતના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કંગે કહ્યું હતું કે, ચીન પોતાના પાડોશી દેશોનું કોઈ અન્ય દેશ સાથેના સામાન્ય સંબંધોનો વિરોધ નથી કરતું. પરંતુ ચીન આવા કોઈ પણ પ્રકારના પ્રયત્નનો વિરોધ કરે છે જેનાથી દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની સંપ્રભુતાને પડકારવામાં આવતી હોય અને ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા માટે ખતરો હોય.

ચીન વર્ષોથી ONGC દ્વારા વિયેતનામના દાવા હેઠળના દક્ષિણ ચીન સમુદ્રમાં તેલના કુવાઓમાં સમારકામ કરવાનો વિરોધ કરતું આવ્યું છે. ભારતનું કહેવું છે કે, સમારકામને દક્ષિણ ચીન વિવાદ સાથે કોઈ જ લેવાદેવા નથી. ભારત તેને વિશુદ્ધ વ્યવસાયિક અભિયાન ગણાવતું રહ્યું છે. જ્યારે વિયેતનામે ભારતને નવેસરથી દક્ષિણ ચીન સમુદ્રમાં ઉર્જા અને તેલ ક્ષેત્રે રોકાણ કરવા કહ્યું છે. વિયેતનામના રાજદૂતે કહ્યું હતું કે, ભારત અને વિયેતનામ વચ્ચે રક્ષા સહયોગ વધારવાની જરૂરિયાત છે. ભારત વિયેતનામની રક્ષા ક્ષમતા વધારવામાં પણ મદદ કરી શકે છે.

વિયેતનામ દ્વારા ભારતને કરવામાં આવેલી આ ઓફરથી ચીન છંછેડાયું છે. ચીને વિયેતનામની આ નીતિનો વિરોધ કર્યો હતો અને આડકતરી રીતે ચીનની સંપ્રભુતાને ખતરો ગણાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ચીન સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર પર પોતાનો દાવો કરે છે. જ્યારે વિયેતનામ, ફિલિપાઈંસ, મલેશિયા, બ્રુનેઈ અને તાઈવાન તેનો વિરોધ કરી રહ્યાં છે. ભારત અને વિયેતનામ વચ્ચે સંબંધો સુમેળભર્યા બની રહ્યાં છે. ભારત દક્ષિણ ચીન સમુદ્રમાં આવન જાવનનું સમર્થન કરે છે. જાહેર છે કે, દક્ષિણ ચીન સમુદ્રમાં દર વર્ષે 65 બિલિયન ડોલરનો વ્યવસાય થાય છે.