ચીનને જવાબ આપવા ગાલવાનમાં ભારતની T-૯૦ ભીષ્મ ટેન્કો, ચુશુલમાં બે ટેન્ક રેજિમેન્ટ ખડેપગે - Sandesh
  • Home
  • India
  • ચીનને જવાબ આપવા ગાલવાનમાં ભારતની T-૯૦ ભીષ્મ ટેન્કો, ચુશુલમાં બે ટેન્ક રેજિમેન્ટ ખડેપગે

ચીનને જવાબ આપવા ગાલવાનમાં ભારતની T-૯૦ ભીષ્મ ટેન્કો, ચુશુલમાં બે ટેન્ક રેજિમેન્ટ ખડેપગે

 | 1:05 am IST

। નવી દિલ્હી ।

એલએસી પર ભારત અને ચીન વચ્ચે પ્રવર્તી રહેલા સરહદી તણાવને ઘટાડવાના ત્રીજા પ્રયાસમાં મંગળવારે લદ્દાખના ચુશુલ ખાતે ભારત અને ચીનની સેનાઓના ટોચના કમાન્ડરો વચ્ચે મંત્રણાનો પ્રારંભ થયો હતો. પરંતુ મંત્રણાની આડમાં ચીની સેનાએ ભારત સામે ઘૂરકિયાં કરવાનું જારી રાખ્યું છે. પૂર્વ લદ્દાખમાં જો ચીન દ્વારા કોઇ ઊંબાડિયું કરવામાં આવે તો તેને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે ગાલવાન વેલી સેક્ટરમાં ટી-૯૦ મિસાઇલ ફાયરિંગ ટેન્ક અને એન્ટિ ટેન્ક મિસાઇલ સિસ્ટમ તહેનાત કરી હતી.

ચીની સેનાએ ગાલવાન ખાતે આર્મર્ડ પર્સોનલ કેરિયર્સ અને સૈનિકોના ટેન્ટની સંખ્યામાં વધારો કર્યો છે. જેના પગલે ભારતીય સેનાએ ટી-૯૦ ભીષ્મ ટેન્ક તહેનાત કરવાનો નિર્ણય કર્યો હતો. સ્પેન્ગગુર ગેપમાં લશ્કરી પગલાંનો જવાબ આપવા માટે ભારતીય સેનાએ ચુશુલ સેક્ટરમાં બે ટેન્ક રેજિમેન્ટ ડિપ્લોય કરી છે. પૂર્વ લદ્દાખમાં એલએસી પર હોવિત્ઝર તોપ સહિતના ઇન્ફન્ટ્રી કોમ્બેટ વાહનો પણ મોકલી આપ્યાં છે.

બીજીતરફ રાજસ્થાનની પાકિસ્તાન સરહદ નજીક ચીન છેલ્લા બે દાયકાથી ક્રૂડ તેલ, ગેસ અને કોલસાના સંશોધનની આડમાં લશ્કરી માળખા વિકસાવી રહ્યો છે. ચીન અત્યાર સુધીમાં પાકિસ્તાની સરહદ નજીક સરહદી ચોકીઓ, વોચ ટાવર અને ૫૦૦થી વધુ બંકર તૈયાર કરી ચૂકયો છે. ચીને પાકિસ્તાનની સરહદ પર કાદનવાલી, ખોખરાપાર, હૈદરાબાદ અને મિટ્ટીમાં તૈયાર કર્યા છે.

ચીની સેના અરુણાચલપ્રદેશમાં એલએસી ખાતે મોટી સંખ્યામાં ચોકીઓ ઊભી કરી રહી છે. ચીની સેનાએ પેટ્રોલિંગ વધારવાની સાથેસાથે એલએસીનું ઉલ્લંઘન શરૂ કર્યું છે. અરુણાચલપ્રદેશના તવાંગ અને વાલોંગમાં ચીની સેનાની સક્રિયતા સૌથી વધુ જોવા મળી રહી છે.

પેંગોંગ ત્સો લેક પર દાવો ઠોકવા ચીની સેનાએ મેન્ડરિન સિમ્બોલ અને ચીનનો નકશો બનાવ્યા

એલએસી પર આવેલા ભારતના પેંગોંગ ત્સો લેક પર દાવો ઠોકતા ચીની સેનાએ મેન્ડરિન સિમ્બોલ અને ચીનનો નકશો બનાવ્યા છે. ચીની સેનાએ હાલ પચાવી પાડેલા ફિંગર ફોર અને ફિંગર ફાઇવ વચ્ચેની જગ્યામાં ૮૧ મીટર પહોળા અને ૨૫ મીટર લાંબા આ સિમ્બોલ અને નકશાને સેટેલાઇટની તસવીરોમાં સ્પષ્ટ જોઇ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન