ચીનના ૩૦૦ અબજ ડોલરના સામાન પર  ટેરિફ નાખવાની ટ્રમ્પની ધમકી - Sandesh
  • Home
  • World
  • ચીનના ૩૦૦ અબજ ડોલરના સામાન પર  ટેરિફ નાખવાની ટ્રમ્પની ધમકી

ચીનના ૩૦૦ અબજ ડોલરના સામાન પર  ટેરિફ નાખવાની ટ્રમ્પની ધમકી

 | 2:49 am IST

। વોશિંગ્ટન ।

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફરી ચીનને ધમકી આપતાં કહ્યું છે કે જાપાનના ઓસાકામાં થનારી જી-૨૦ દેશોની બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ફેસ-ટુ-ફેસ મુલાકાત માટે તૈયાર નહીં થાય તો અમે ચીનથી આયાત થતા ૩૦૦ અબજ ડોલરના સામાન પર એટલી જ આબકારી જકાત લાદીશું. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ચીનની ઇકોનોમી કદી પણ અમેરિકાની ઇકોનોમીથી આગળ નહીં વધી શકે. બીજી તરફ ચીનના વાણિજ્ય મંત્રાલયે પણ કહ્યું હતું કે જો અમેરિકા એકતરફી દબાણ વધારશે તો ચીન પણ જરૂરી પગલાં ઉઠાવશે.

ઓસાકામાં ૨૮ અને ૨૯ જૂને જી-૨૦ સમિટ થવાનું છે અને એમાં આ બે નેતાઓ વચ્ચે સામસામી મુલાકાત થવાની છે. આ બેઠક પહેલાં જ ટ્રમ્પે ચીનને વધારે ટેરિફ નાખવાની ધમકી આપીને અમેરિકા દ્રિપક્ષીય વેપારમાં પોતાની સર્વોપરિ દેખાડવા માગે છે. તેમનું કહેવું છે કે દ્વીપક્ષીય વેપારમાં ચીન છેતરપિંડી કરે છે.

એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો શી જિનપિંગ મુલાકાત માટે તૈયાર નહીં થાય તો અમે ચાઇનીઝ સામાન પરનો ટેરિફ વધારીશું. ચીન એવું સપનું જોઈ રહ્યું છે કે  ૨૦૨૦માં અમેરિકામાં સત્તા પલટો થશે અને જો બિડેન કે બીજો કોઈ  વ્યક્તિ અમેરિકાનો પ્રમુખ બનશે, એ પછી ચીન આસાનીથી  અમેરિકાનો અનુચિત લાભ ઉઠાવી શકશે.ચીન-અમેરિકા વેપાર પર વિવાદના વાદળો મંડરાયેલાં છે. ૧૦ મે પછી બન્ને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે સામસામે કોઈ વાટાઘાટો થઈ નથી એથી ડોનાલ્ડ ટ્રમ્પ ગિન્નાયા છે.

૨૦૧૭માં અમેરિકાનો ચીન સાથેનો કુલ વેપાર ૬૩૫.૪ અબજ ડોલરનો રહ્યો હતો. એમાં અમેરિકાની નિકાસ માત્ર ૧૨૯.૯ અબજ ડોલરની રહી હતી અને ચીન પાસેથી તેણે ૫૦૫.૫ અબજ ડોલરના સામાનની આયાત કરી હતી. આના કારણે અમેરિકી ઉત્પાદનોની ચીનમાં કિંમત વધી ગઈ છે અને ચીની કંપનીઓ કાચા માલ માટે વૈકલ્પિક આયાત પર જોર લગાવી રહી છે.

ગયા વર્ષે જુલાઈ મહિનામાં અમેરિકાએ ચીનના ૨૫૦ અબજ ડોલરના સામાન પર ટેરિફ લગાવી દીધું હતું અને આ વર્ષે એમાં ૨૫ ટકાનો વધારો કરી દીધો હતો. ચીને પણ ૧૧૦ અબજ ડોલરના અમેરિકાના આયાતી સામાન પર ટેરિફ વધારી દીધું હતું.

આ વર્ષે પહેલા ચાર મહિનામાં અમેરિકાથી ચીનમાં નિકાસ થતી ચીજવસ્તુઓમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. ચીન ટેન્શનમાં એટલા માટે છે કે યુરોપિયન યુનિયન બાદ અમેરિકા જ ચીનને વધારે બિઝનેસ આપતો બીજા નંબરનો દેશ છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ-વોરના કારણે આખી દુનિયા પરેશાન છે. શેર બજારો પર પણ એની અસર જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન