ચીનની સૌથી ધનવાન વ્યક્તિ અને અલીબાબાના સહસંસ્થાપક જેક મા નિવૃત્ત થશે, બાળકોને ભણાવશે - Sandesh
  • Home
  • Newspaper
  • ચીનની સૌથી ધનવાન વ્યક્તિ અને અલીબાબાના સહસંસ્થાપક જેક મા નિવૃત્ત થશે, બાળકોને ભણાવશે

ચીનની સૌથી ધનવાન વ્યક્તિ અને અલીબાબાના સહસંસ્થાપક જેક મા નિવૃત્ત થશે, બાળકોને ભણાવશે

 | 1:23 am IST

। બેઇજિંગ ।

ચીનના સૌથી ધનવાન વ્યક્તિ અને ઈ- કોમર્સ કંપની અલીબાબાના સહસંસ્થાપક જેક મા સોમવારે ૫૪ વર્ષની વયે નિવૃત્ત થઈ રહ્યાં છે. અલીબાબાના કાર્યકારી અધ્યક્ષ જેક માનું કહેવું છે કે નિવૃત્ત થઈને તેઓ શિક્ષણ કાર્ય કરશે.૧૯૯૯માં અલીબાબા કંપની શરૂ કરતાં પહેલાં પણ જેક મા અંગ્રેજીના શિક્ષક હતા. તેમણે જણાવ્યું હતું કે અલીબાબાના સીઈઓ બન્યા કરતાં શિક્ષણ કાર્ય કરીને બાળકોને ભણાવવા તે બહેતર કાર્ય છે. જેક મા ટૂંક સમયમાં શિક્ષકના રૂપમાં જોવા મળી શકે છે. ફોર્બ્સના જણાવ્યા મુજબ જેક મા હાલમાં ૨,૬૩૯ અબજ રૂપિયાની સંપત્તિ ધરાવે છે.

જેક મા પહેલા ઉદ્યોગપતિ છે કે જેમને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદ સંભાળ્યા પછી મળ્યા હતા. જેક હંમેશાં કહેતાં રહે છે કે તેઓ ટેક્નોલોજી કંપનીનું નેતૃત્વ ધરાવના કુદરતી ગુણો નથી ધરાવતા. પરંતુ હકીકત એ છે કે તેમના નેતૃત્વ હેઠળ જ અલીબાબા મોટી ટેક્નોલોજી કંપની બની રહી. તેમની કંપની ચીનની કેટલીક મીડિયા કંપનીઓમાં પણ ભાગીદારી ધરાવે છે. ગયા વર્ષે અલીબાબા કંપનીની આવક ૪૦ અબજ ડોલર રહી હતી.

૨૦૧૩ સુધી અલીબાબાના ચીફ એક્ઝિક્યુટિવ રહ્યાં પછી તેમણે ચેરમેનપદ સંભાળ્યું હતું. કંપનીએ સપ્ટેમ્બર ૨૦૧૪માં ન્યૂયોર્ક સ્ટોક એક્સ્ચેન્જમાં નોંધણી કરાવી હતી. અલીબાબાએ હજી જેક માના અનુગામી તરીકે ચીફ એક્ઝિક્યુટિવ પદ કોણ સંભાળશે તે વાતની જાહેરાત કરી નથી. જેક મા નિવૃત્તિ પછી પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં તો સામેલ જ રહેશે.

૩૦ જેટલા નોકરીદાતાએ રિજેક્ટ કર્યા હતા

જેક મા પ્રાથમિક શાળામાં એક વાર, માધ્યમિક શાળામાં ત્રણ પરીક્ષાઓમાં નાપાસ થયા હતા. નોકરીના ૩૦ પ્રયાસોમાં પણ તેમને નકારી કાઢવામાં આવ્યા હતા. એકવાર તો ૨૪ પૈકી ૨૩ ઉમેદવારોની પસંદગી થઈ હતી અને માત્ર તેમને જ નોકરી આપવા ઇનકાર થયો હતો. હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે તેમને ૧૦ વાર રિજેક્ટ કરાયા હતા.

યુનિવર્સિટી પરીક્ષામાં બે વાર નાપાસ થયા હતા  

જેક મા ચીનની યુનિવર્સિટી પરીક્ષામાં તેઓ બે વાર નાપાસ થઈ ચૂક્યા હતા. જેક મા પોતે જ કહે છે કે, ‘હું સારો વિદ્યાર્થી નહોતો પણ જાતમાં સતત સુધારા કરતો રહ્યો. આપણે હંમેશાં શીખતા રહીએ છીએ.

શિક્ષણ ક્ષેત્રની ભાવી યોજના  

જેક માએ ૨૦૧૪માં જ પોતાને નામે શિક્ષણ ફાઉન્ડેશનની રચના કરી હતી.શિક્ષણ ક્ષેત્રને સમર્પિત આ એક સખાવતી સંસ્થા છે. તેઓે સાથી અબજોપતિ બિલ ગેટ્સની જેમ જ પોતાને નામે શિક્ષણ ક્ષેત્ર માટે સમર્પિત એક ફાઉન્ડેશન શરૂ કરવા ઈચ્છતા હતા.