Chinese Media Warns India Of Economic War With China After Ban On Its 59 Mobile Apps
  • Home
  • Featured
  • ચીનને હળવાશથી ના લે ભારત, ડોકલામ કરતા પણ ભયાનક થશે સ્થિતિ – ડ્રેગનની ધમકી

ચીનને હળવાશથી ના લે ભારત, ડોકલામ કરતા પણ ભયાનક થશે સ્થિતિ – ડ્રેગનની ધમકી

 | 10:36 pm IST

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતીય સેના સાથેની હિંસક અથડામણ બાદ પણ ચીન ચોર કોટવાલને ડાંટે જેવુ વલણ અપનાવીને ભારતને જવાબદાર ઠેરવતુ રહેતુ હોવાની વિવાદ વધી રહ્યો છે. વાતચીત દરમિયાન પણ જે બાબતે સહમતિ થઈ રહી છે તેના પર પણ ચીન અમલ નથી કરતુ અને LAC એ સૈન્ય સંખ્યામાં વધારો કરતુ રહે છે. આખરે ભારતે આક્રમક વલણ અપનાવતા એક જ સાથે 59 ચીની એપ્લિકેશન પર જ પ્રતિબંધ મુકી ડ્રેગનને કમરતોડ ફટકો માર્યો છે.

ભારતના આ આકરા વલણથી બરાબરના સમસમી ગયેલા સરકારી મીડિયાએ ભારતને ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. ચીનના ટટ્ટુ સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સે ભારતને આર્થિક યુદ્ધની ધમકી આપી દીધી છે અને કહ્યું છે કે, તેનું પરિણામ ડૉકલામ વિવાદ કરતા પણ વધારે ખરાબ હશે.

ગ્લોબલ ટાઈમ્સના સંપાદક હૂ શિજિને ટ્વિટ કરીને કહ્યું છે કે, જો ચીનના લોકો ભારતીય વસ્તુઓ બોયકોટ કરવા માંગે તો પણ નહીં કરી શકે. કારણ કે ચીનના માર્કેટમાં ભારતની વસ્તુઓ છે જ નહીં. ભારતીય મિત્રો, તમને રાષ્ટ્રવાદ ઉપરાંત પણ ઘણી મહત્વની વસ્તુઓની જરૂર છે.

‘પહેલા ભારત જ સૌથી પસંદગીનું માર્કેટ હતું’

ગ્લોબલ ટાઈમ્સનું કહેવું છે કે, એક વર્ષ પહેલા ચીની રોકાણકારો માટે ભારત સૌથી પસંદગીનું માર્કેટ હતું. ભારતને ‘આગામી બિલિયન માર્કેટ’ કહેવામાં આવતુ હતુ જેથી ચીનના મોબાઈલ ઈંટરનેટ માટે મહત્વનું માનવામાં આવતુ હતું. 2017 થી 2020 સુધીમાં ભારતમાં ચીની રોકાણ 10 બિલિયન ડૉલર વધી ગયું હતું. પરંતુ પહેલા કોરોના વાયરસ અને ત્યાર બાદ સરહદ પર તણાવ વધારતા સંબંધો બદલાયા. 

ચીનની અર્થવ્યવસ્થાને નુંકશાન ના પહોંચાડી શકે ભારત

ગ્લોબલ ટાઈમ્સનું કહેવું છે કે, ભારત દ્વારા એપ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયથી ચીનની સંબંધિત કંપનીઓને અસર જરૂર પડશે પણ ભારત એવી સ્થિતિમાં છે જ નહીં કે તે ચીનની અત્યંત શક્તિશાળી અર્થવ્યવસ્થાને નુંકશાન પહોંચાડી શકે. સમાચારપત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, લદ્દાખમાં ઘટેલી ઘટના બાદ ચીન શંતિથી ભારત સરકારને દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપારી સંબંધોનું રક્ષણ કરવાની અપીલ કરતુ રહ્યું. પરંતુ હવે મોદી સરકાર રાષ્ટ્રવાદની ભાવના સામે નિષ્ફળ ગઈ છે અને ઘરઆંગણાના દબાણને વશ થઈને આ નિર્ણય લીધો છે.

દ્વિપક્ષીય સંબંધો ખરાબ થવાથી વધશે આર્થિક ટકરાવ

ગ્લોબલ ટાઈમ્સનું કહેવું છે કે, ભારતના આ પગલાથી નકારાત્મક સંકેત જશે જેનાથી ચીનના બહિષ્કારની માંગણીથી ખરાબ થયેલા દ્વિપક્ષીય સંબંધોના કારણે આર્થિક ટકરાવ થશે. છેલ્લા કેટલાક સમયમાં બંને દેશો વચ્ચે ઘણીવાર વિવાદ થયા છે પણ બંને માટે આર્થિક યુદ્ધમાં ઉતરવું આસાન નહીં હોય. સમાચારપત્ર એ તો ત્યાં સુધી ચેતવણી આપી દીધી છે કે, ભારતે ચીન સાથે આર્થિક યુદ્ધના પરિણામોને ઓછા ના આંકવા જોઈએ. ચીન દ્વારા કોઈ પગલા ના ભરવા પર ભારતે ચીની વ્યાપાર પર કાર્યવાહી કરવાને કારણ ના બનાવવુ જોઈએ. 2017માં ડોકલામ વિવાદ બાદ વધારે ખરાબ પરિણામો જોવા નહોતા મળ્યા કારણ કે દ્વિપક્ષીય સંબંધોમાં તુરંત સુધાર થયો હતો.

ડોકલામ કરતા પણ વધારે નુંકશાન ઉઠાવવુ પડશે

મોદી સરકારની આકરી કાર્યવાહીથી હચમચી ગયેલા ચીનના સમાચાર પત્રએ ભારતને વધુ એક ધમકી આપતા કહ્યું હતું કે, ભારતે જે નિર્ણય લીધો છે તેનાથી ચીની રોકાણકારો અને વ્યાપારીઓના વિશ્વાસને આઘાત પહોંચ્યો છે. કોરોના વાયરસના કારણે પહેલાથી જ ઝઝુમી રહેલી ભારતીય અર્થવ્યવસ્થાને લાંબા સમય સુધી તેના પરિણામો ભોગવવા પડી શકે છે. આ સ્થિતિમાં જો ભારત સરકાર દેશના રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપતી રહેશે તો તેને ડૉકલામ વિવાદ કરતા પણ વધારે આર્થિક નુંકશાન વેઠવાનો વારો આવશે. અમે આશા રાખીએ છીએ કે, ભારત સરકાર પરિસ્થિતિની હકીકત સમજશે અને વર્તમાન સંકટને ભભૂકતી આગમાં ફેરવાતી રોકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન