માલના બહિષ્કાર પર ચીની મીડિયાની અભદ્ર ભાષા, 'ભારતીયો મહેનતુ નથી, ફક્ત ભોંકી જ શકે' - Sandesh
  • Home
  • Uncategorized
  • માલના બહિષ્કાર પર ચીની મીડિયાની અભદ્ર ભાષા, ‘ભારતીયો મહેનતુ નથી, ફક્ત ભોંકી જ શકે’

માલના બહિષ્કાર પર ચીની મીડિયાની અભદ્ર ભાષા, ‘ભારતીયો મહેનતુ નથી, ફક્ત ભોંકી જ શકે’

 | 1:50 pm IST

ભારતમાં ચીની પ્રોડક્ટ્સ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ચાલી રહેલા કેમ્પેઈનથી ચીન ભડકી ગયું છે. વિરોધમાં ચીનનું સરકારી મીડિયા અભદ્ર ભાષા પ્રયોગ પર ઉતરી આવ્યું છે. સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના એક અહેવાલમાં લખવામાં આવ્યું છે કે ભારતીયો મહેનતુ નથી ફક્ત ભોંકી જ શકે છે. ભારતીય પ્રોડક્ટ્સ ચાઈનીઝ પ્રોડક્ટ્સ સામે હરિફાઈમાં ટકી શકતા નથી. બંને દેશોના વધતા ટ્રેડ ડેફિસિટ ઉપર પણ ભારત કશું કરી શકતું નથી.

અખબારના અહેવાલમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાની આતંકીઓને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરાવવાની ભારતની કોશિશોના વિરોધ પગલે લોકો નારાજ છે. સોશિયલ મીડિયા પર ચીનની પ્રોડ્ક્ટસના બહિષ્કારનું અભિયાન ચાલી રહ્યું છે. એટલું જ નહીં અખબારે નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટને પણ અવ્યવહારિક ગણાવ્યો છે. ભારત અને અમેરિકાના સંબંધો પર લખવામાં આવ્યું છે કે અમેરિકા કોઈનું મિત્ર નથી. ફક્ત ચીનને ઘેરવા માટે ભારતને પંપાળી રહ્યું છે.

એવું પણ લખવામાં આવ્યું છે કે ભારત કરતા ચીનની કંપનીઓ પોતાના દેશમાં જ કારખાના લગાવે. ભારતમાં વેપાર કરવા માટે ચીની પ્રોડક્ટસ ખરીદવા મોટી સંખ્યામાં ભારતીય વેપારીઓ કોઈ પણ સંજોગોમાં અહીં આવશે. ત્યાં કારખાના લગાવીને નાણા બરબાદ કરી વ્યવસ્થા શાં માટે બગાડવી. અહેવાલમાં ચીની કંપનીઓને ભારતમાં રોકાણ ન કરવા માટે ઉક્સાવવામાં આવી છે. લેખમાં લખ્યું છે કે ભારતમાં વીજળી અને પાણીની અછત છે. લોકો પણ બહુ મહેનતું નથી. ઉપરથી લઈને નીચે સુધી ભ્રષ્ટાચાર ફેલાયેલો છે. ચીની કંપનીઓ માટે ત્યાં રોકાણ કરવું એ આત્મઘાતી જેવું રહેશે.

ભારત પાસે ખુબ રૂપિયા છે પરંતુ મોટા ભાગના નાણા નેતાઓ, ઓફિસરો અને તેમના કેટલાક અંગત ઉદ્યોગપતિઓ પાસે છે. આ લોકો દેશમાં પોતાના રૂપિયા વાપરવા માંગતા નથી. જેના કારણે મેક ઈન ઈન્ડિયા જેવી અવ્યવહારિક સ્કિમ ચાલુ કરાઈ છે. અત્રે જણાવવાનું કે આ જ અખબારે દાવો કર્યો હતો કે ભારતમાં ચીની પ્રોડક્સનો બહિષ્કાર થઈ રહ્યો છે છતાં તહેવારોના કારણે ચીની માલનું વિક્રમજનક વેચાણ નોંધાયું છે. લેખ મુજબ ભારતમાં દિવાળી સૌથી મોટી ખરીદીની સીઝન છે અને હિન્દુઓનો પ્રમુખ તહેવાર છે. પરંતુ કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર ચીની માલના બહિષ્કારનું અભિયાન ચાલે છે.

લેખ મુજબ આ બહિષ્કાર સફળ ગયો નથી. ચીની પ્રોડક્ટ્સની ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં વિક્રમજનક વેચાણ થયું છે. ચીની હેન્ડસેટ કંપની શિયોમીએ ફ્લિપકાર્ટ, એમેઝોન ઈન્ડિયા, સ્નેપડીલ અને ટાટા ક્લિક જેવા મંચોથી ફક્ત 3 જ દિવસમાં 5 લાખ ફોન વેચાયા છે. અગાઉ બાબા રામદેવે મંગળવારે કહ્યું હતું કે ચીન ભારતમાંથી નાણા કમાઈને પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન