chintan ni pale - Do not interfere too much in my life
  • Home
  • Relationship
  • ચિંતનની પળે: તું મારી લાઇફમાં વધુ પડતી દખલ ન કર 

ચિંતનની પળે: તું મારી લાઇફમાં વધુ પડતી દખલ ન કર 

 | 5:14 am IST
  • Share

દરેક સંબંધની એક મર્યાદા હોય છે. એ મર્યાદાનું સન્માન જળવાવું જોઈએ  

મહેબૂબ કા ઘર હો કિ બુઝુર્ગો કી જમીનેં, જો છોડ દિયા ફિર ઉસે મુડ કર નહીં દેખા,   

યારોં કી મોહબ્બત કા યકીં કર લિયા મૈંને, ફૂલોં મેં છુપાયા હુઆ ખંજર નહીં દેખા.             

આપણી લાઇફ્માં ઘણા બધા લોકો સાથે જોડાયેલા હોઇએ છીએ. અમુક લોકો સાથે એટેચ્ડ હોઇએ છીએ, અમુક લોકો સાથે કનેક્ટેડ હોઈએ છીએ. દરેક સંબંધ એક ચોક્કસ અંતર સાથે જિવાતા હોય છે. કોઇ ખૂબ નજીક હોય છે, તો કોઇ ઘણા દૂર હોય છે. સમયે સમયે એમાં પણ બદલાવ આવતા રહે છે. નજીક હોય એ દૂર ચાલ્યા જાય છે અને દૂર હોય એ નજીક આવી જાય છે. કોની સાથે ક્યારે નાતો બંધાઇ જાય, ક્યારે નાતો છૂટી જાય, એ નક્કી હોતું નથી. અનુભવોના આધારે સંબંધ આગળ પાછળ અને ઉપર નીચે થતા રહે છે. કેટલાંક સંબંધો જીવતા હોય છે, કેટલાંક સંબંધો સ્થગિત હોય છે, કેટલાંક સુષુપ્ત હોય છે, કેટલાંક મૃત હોય છે, તો કેટલાંક ધૃત હોય છે. કેટલાંક સંબંધો ચોક્કસ જગ્યાએ જિવાતા હોય છે. ઘણા લોકો આપણને એવું કહે છે કે, આઇ એમ ધેર ફેર યુ. મને એક અવાજ દેજે, હું હાજર થઇ જઇશ. એવા લોકો જરૂર પડયે આવી પણ જતાં હોય છે. એવા સંબંધો એક કક્ષાએ જિવાતા હોય છે. સાચા સંબંધોમાં તો અવાજ દેવાની પણ જરૂર નથી પડતી. એવું કહેવાની જરૂરેય નથી રહેતી કે, આઇ એમ ધેર, એ તો હાજરાહજૂર હોય છે. સાદ દેવો ન પડે અને જે હંમેશાં મોજૂદ હોય એવા લોકો આપણી જિંદગીમાં ગણ્યાંગાંઠયા જ હોય છે. આપણને એનાથી જ ફેર પડતો હોય છે. એને પણ આપણાથી ફેર પડે છે. એક જોડાણ હોય છે, એક લગાવ હોય છે, એક વેવલેન્થ હોય છે. શ્વાસની ગતિ વધે તો પણ એને ખબર પડી જાય છે. ચહેરાની એકાદ લકીર બદલાય તો પણ સમજી જાય છે. એ પૂછે છે, શું થયું? કેમ મજામાં નથી? તેને સાચી વાત કહેવામાં પણ કોઈ સંકોચ થતો નથી. એવા થોડાક કિનારા હોય છે જે આપણને તણાવા દેતા નથી, એવા કેટલાંક આધાર હોય છે જે આપણને નિરાધાર થવા દેતા નથી. આપણે એના પર તો ટકી રહેતા હોઇએ છીએ. જિંદગીમાં બે-ચાર આવા લોકો હોય તો બહુ થયું. આપણી આસપાસ જે ટોળું હોય છે એમાંથી ખરેખર કોણ આપણું હોય છે? કોના પર તમે આંખો મીંચીને ટ્રસ્ટ મૂકી શકો છો? કોની સાથે તમારે ચહેરાના ભાવ છુપાવવા નથી પડતા?  

આપણે જિંદગીમાં બધાને બધી પરવાનગી આપતા નથી. કોને દિલ સુધી આવવા દેવા, કોને દિમાગ સુધી રાખવા, કોને નજર સામે રાખવા અને કોને દેખાય નહીં એટલા દૂર રાખવા એ આપણે નક્કી કરી લેતા હોઇએ છીએ. ક્યારેક કોઇકને થોડીક છૂટ આપી હોય તો એ વધુ પડતી છૂટ લેવા માંડતા હોય છે. એવા સંજોગોમાં એને કહેવું પડે છે કે, રૂક જાવ. દરેક સંબંધની એક મર્યાદા હોય છે. એ મર્યાદાનું સન્માન જળવાવું જોઈએ. બે મિત્રો હતા. એક મિત્રના પિતા ખૂબ જ ધનાઢય હતા. તેના મિત્રએ કહ્યું કે, તારા પિતા પાસે આટલી બધી સંપત્તિ હોવા છતાં તને તો વાપરવા માટે ખાસ કંઇ આપતા જ નથી. તારો ભાઇ બાપના પૈસે જલસા કરે છે. તારે હવે તારો ભાગ માંગી લેવો જોઈએ. મિત્રએ કહ્યું કે, મારે શું કરવું જોઈએ એ પ્લીઝ તું મને ન કહે. દરેક બાબતમાં ચંચૂપાત સારો ન કહેવાય. મારા પિતાએ તેની સંપત્તિ કોને કેટલી આપવી એ એમણે નક્કી કરવાનું છે. હું તો એવું વિચારું છું કે, હું મારી મહેનતે આગળ આવું. મારા પિતા જેટલી નામના અને સંપત્તિ કમાઉં. પિતા જે કરતા હશે એ એની રીતે યોગ્ય હશે. એણે શું કરવું જોઈએ એમાં હું દખલ કરતો નથી. તું મારે શું કરવું એમાં દખલ ન કર.  

મિત્રો અને સ્વજનોની સારી વાત ધ્યાનમાં લેવી જોઈએ. વાત ધ્યાનમાં લેતા પહેલાં માત્ર એટલું જ નક્કી કરવાનંુ હોય છે કે, એ વાત સારી અને સાચી તો છેને? વાત સાંભળવી અને વાત માનવી એમાં બહુ મોટો ર્ફ્ક છે. આપણે જો ધ્યાન ન રાખીએ તો આપણા વિચારોનો દોર પણ કોઇ પોતાના હાથમાં લઇ લે છે. એક પતિ-પત્નીની આ વાત છે. પતિને હંમેશાં એવું થતું કે, પત્નીની બહેનપણી તેને ચડાવે છે. એક વખત ફ્રવા જવાની વાત હતી. પતિએ પત્નીને પૂછયું, ક્યાં ફરવા જઈશું? પત્નીએ કહ્યું, આપણને પરવડે ત્યાં! પતિએ મજાકમાં કહ્યું, કેમ તારી બહેનપણીએ કંઇ કહ્યું નથી? પત્નીએ કહ્યું, કાલે જ તેની સાથે ફરવા જવાની વાત નીકળી હતી. તે કહેતી હતી કે, તું તો ફોરેન ફરવા ગઇ જ નથી. તારા વરને કહે કે આ વખતે વિદેશ જ જવું છે. પતિએ સવાલ કર્યો, તો તેં કેમ મને ન કહ્યું? પત્નીએ કહ્યું, મને ખબર છે આપણને અત્યારે વિદેશ જવાનું પોસાય એમ નથી. કોઇ ભલે ચડાવવાનો પ્રયાસ કરે, કેટલું ચડવું એ તો આપણે નક્કી કરવાનું હોય છે. આમ પણ ફ્રવા ક્યાં જઇએ છીએ એના કરતાં જ્યાં પણ જઇએ છીએ ત્યાં કેટલું એન્જોય કરીએ છીએ એ મહત્ત્વનું છે.  

દુનિયામાં ચડાવવાવાળા અને પછાડવાવાળા લોકોની કમી નથી. અમુક લોકોમાં તો પાણાઓને પણ ઝઘડાવી દેવાની આવડત હોય છે. કુદરતે આપણને વિચારવાની શક્તિ આપેલી છે. આપણું સારું નરસું આપણાથી વધારે કોઇ વિચારી ન શકે. આપણે આપણા વિચારોને એ કક્ષા આપવી જોઈએ. કોઇને ત્યારે જ પૂછવું જોઈએ જ્યારે પોતાને અવઢવ હોય, મૂંઝવણ હોય, રસ્તો ન સૂઝતો હોય. દરેક બાબતમાં કોઇને પૂછી પૂછીને કરવા જઇએ તો આપણે આપણા રસ્તે નહીં પણ એના રસ્તે જતા હોઇએ છીએ. પૂછવામાં પણ એ ધ્યાન રાખવું પડતું હોય છે કે, આપણે કોને પૂછીએ છીએ? જેને પૂછીએ છીએ એ લાયક તો છેને? કોને પૂછીએ છીએ એના પરથી આપણી કક્ષા પણ નક્કી થતી હોય છે. સલાહ શાણાની લેવાય, મૂરખની લઇએ તો ભટકી જ જવાય.  

આપણે પણ એ વાતની તકેદારી રાખવી જોઈએ કે, આપણી નજીકના લોકોની જિંદગીમાં કેટલો ચંચૂપાત કરવો? પોતાના હોય એની પાછળ ફ્રતા રહેવું પણ વાજબી હોતું નથી. આપણને લાગણી હોય એ બરાબર છે પણ આપણી વધુ પડતી ચિંતા આપણી જ વ્યક્તિની ઉડાનને મર્યાદિત કરી નાખતી હોય છે. એક યુવાન ફેરેન ભણવા જતો હતો. તેના પિતાએ તેને કહ્યું કે, અટકે ત્યાં કહેજે, ભટકે નહીં એનું ધ્યાન રાખજે. તારા નિર્ણયો તું જ લેજે. અમે તો છીએ જ, તારા માટે સદાયે હાજર જ હોઇશું. તું તારી રીતે જીવજે, અમારી રીતે નહીં. કદાચ તારી જીવવાની રીત મારા કરતાં સારી પણ હોય!  

આપણને ઘણી વખત આપણા લોકોને ઓવર પ્રોટેક્ટ કે ઓવર પેમ્પર કરતા હોઇએ છીએ. આપણે તેની ક્ષમતાને ઓછી આંકી લેતા હોઇએ છીએ. આપણને આપણા વિશે એવો જ ખયાલ હોય છે કે, આપણને જે રસ્તાઓ સૂઝે છે એ જ સાચા છે. એવું હોતું નથી. આપણાથી નાના હોય એના વિચારો, નિર્ણયો અને એની પસંદ – નાપસંદ આપણાથી સારી અને ઉમદા હોઈ શકે છે. આપણે બીજાની જિંદગીમાં કારણ વગરનો અને ક્યારેક વધુ પડતો રસ લઇએ છીએ. આપણે મેન્ટર બની જવું હોય છે. દીવાદાંડી હોય એ રસ્તો બતાવી દે પછી ભેગી ભેગી જતી નથી. માણસની ભૂમિકા સિગ્નલ જેવી હોવી જોઈએ. દિશા ચીંધી દેવાની. હાથ પકડીને દોરી જવાની કંઇ જરૂર નથી. આપણી લાઈફમાં પણ કોઇ એન્ક્રોચમેન્ટ ન કરી જાય એની તકેદારી રાખવી પડતી હોય છે. માણસનો સ્વભાવ કબજાખોર હોય છે અને કમજોરને એ સૌથી પહેલું નિશાન બનાવે છે. તમે જ તમારા માર્ગદર્શક, મદદગાર અને મેન્ટર બનો. તમે જ તમારા જજ બનો. તમે જ તમારા નિર્ણયો કરો, કારણ કે તમારા જેટલું તમને કોઇ ઓળખતું નથી, ઓળખી શકવાનું પણ નથી! 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો