બિહારના ઔરંગાબાદમાં સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના એક જવાને પોતાના જ સહકર્મીઓ પર ફાયરિંગ કર્યું. આ ઘટનામાં 4 જવાનોના મોત થયા છે.  બે જવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં જ્યારે બે ગંભીર રીતે ઘાયલ જવાનોએ સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

હાલ આ ઘટના સંદર્ભે કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. જો કે માધ્યમોના અહેવાલ મુજબ જવાન રજાઓ ન મળવાથી નારાજ હતો. ગુસ્સામાં આવીને તેણે પોતાની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. મળતી માહિતી મુજબ આ જવાન નબીનગર સ્થિત એનટીપીસીના પાવર સ્ટેશન પર તૈનાત હતો.

અત્રે જણાવવાનું કે આ ઘટના એવા સમયે ઘટી છે જ્યારે બીએસએફ અને સીઆરપીએફના જવાનોના ફરિયાદ કરતા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં ભ્રષ્ટાચાર અને સુવિધાઓમાં ભેદભાવની વાતો જવાનો કરી રહ્યા છે. જવાનોએ પીએમ મોદી પાસે હસ્તક્ષેપની પણ માગણી કરી છે. કેન્દ્ર સરકાર પણ જવાનોના આ આરોપોને લઈને ગંભીર છે. આ સમગ્ર મામલે તપાસના આદેશો આપી દેવાયા છે.