નાગરિકતા સંશોધન વિધેયકની વિરુદ્ધ કેમ છે આસામ? - Sandesh
  • Home
  • Columnist
  • નાગરિકતા સંશોધન વિધેયકની વિરુદ્ધ કેમ છે આસામ?

નાગરિકતા સંશોધન વિધેયકની વિરુદ્ધ કેમ છે આસામ?

 | 1:18 am IST

કરન્ટ ઇશ્યૂ

નાગરિકતા (સંશોધન) વિધેયક, ૨૦૧૬ લોકસભામાં પસાર થવાના વિરોધમાં આસામ બંધ અને બેમુદતી આર્થિક નાકાબંધીથી ઝઝૂમી રહ્યું છે. આ મુદ્દે આસામ ગણપરિષદ(એજીપી)એ રાજ્યની સરકાર સાથે છેડો ફાડી નાખ્યો છે અને રસ્તા પર ઊતરી છે.

અખિલ આસામ વિદ્યાર્થી સંઘ સહિત ડઝનો સંગઠન તેનો વિરોધ કરી રહ્યાં છે. ઓછામાં ઓછાં ૭૦ સંગઠનોએ રાજ્યમાં બેમુદતી આર્થિક નાકાબંધી શરૂ કરી દીધી છે. આસામનું સૌથી મોટું સાહિત્યિક સંગઠન આસામ સાહિત્ય સભા પણ ઘણી વખત અસમિયા ભાષા, ઓળખ અને સંસ્કૃતિના સવાલ ઉઠાવી રહ્યું છે. ઓળખનાં સંકટ પર કહેવાતાં જોખમે જ રાજ્યમાં યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ જેવાં ઉગ્રવાદી સંગઠનને જન્મ આપ્યો હતો.

વિવાદ કેમ? : ઉપરોક્ત વિધેયકમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી અહીં આવેલાં બિનમુસ્લિમોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. ભલે તેમની પાસે કોઈ કાયદેસર દસ્તાવેજ કેમ ન   હોય! એ સાથે જ નાગરિકતા માટે અનિવાર્ય ૧૨ વર્ષની સમયસીમા ઘટાડીને ૬ વર્ષની કરી દીધી છે. મતલબ કે આ દેશોના હિંદુ, પારસી, શીખ અને ખ્રિસ્તી સમુદાયની કોઈપણ વ્યક્તિ કોઈપણ કાયદેસર દસ્તાવેજ વિના છ વર્ષથી ભારતમાં રહેતો હોય તો તે નાગરિકતાનો હકદાર થઈ જશે. વિરોધ કરનારાં સંગઠનોને તેની સામે જ વાંધો છે.

એજીપી અને અખિલ આસામ વિદ્યાર્થી સંઘે(આસૂ) આ વિધેયકને આસામ સમજૂતી અને ભારતીય બંધારણની ભાવનાની વિરુદ્ધ ગણાવ્યું છે. આસૂના મુખ્ય સલાહકાર સમુજ્જ્વલ ભટ્ટાચાર્ય કહે છે કે, આસામ આઝાદી બાદથી જ શરણાર્થીઓ અને ઘૂસણખોરોનો બોજો વેઠી રહ્યું છે. હવે આ વિધેયક બાદ તો રાજ્યમાં એવાં લોકોની સંખ્યા વધી જશે, પરંતુ અમે ૨૫ માર્ચ ૧૯૭૧ બાદ બાંગ્લાદેશથી આવનારા કોઈ પણ વ્યક્તિને રાજ્યમાં નહીં રહેવા દઈએે, ભલે તે હિંદુ હોય કે મુસ્લિમ. ભટ્ટાચાર્યની દલીલ છે કે તેનાથી રાજ્યનું જાતીય સંતુલન બગડી જશે અને અસમિયાં લોકો પોતાનાં જ ઘરમાં પરાયાં થઈ જશે.

આસામ ભાજપના વરિષ્ઠ નેતા તથા રાજ્યના નાણામંત્રી હિંમત વિશ્વ શર્માનો દાવો છે કે જો નાગરિકતા(સંશોધન) વિધેયક પસાર નહીં થાય તો આવતાં પાંચ વર્ષમાં રાજ્યના હિંદુ લઘુમતીમાં આવી જશે. હિંમતનો પ્રશ્ન એ છે કે, આખરે અત્યાચારનો શિકાર બનેલાં હિંદુ જશે ક્યાં? તેમની પાસે તો મુસલમાનો અને ખ્રિસ્તિઓની જેમ પાકિસ્તાન કે અમેરિકા જવાનો વિકલ્પ નથી. તેમની દલીલ એવી છે કે જો પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને પંજાબને એ જોગવાઈ પર કોઈ આપત્તિ નથી તો આસામ પર શરણાર્થીઓનો બોજો પડવાની વાત કહીને વિવાદ કેમ ઊભો કરાય છે?

નાગરિકતા વિધેયક અંગે પેદા થયેલા વિવાદ પર મલમ લગાવવા માટે કેન્દ્રે વર્ષ ૧૯૮૫ના આસામ કરારની કલમ ૬ને અમલ કરવાના મુદ્દે પર એક નવ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ છે, જોકે કેટલાંય સંગઠનોએ તેની સામે વિરોધ વ્યક્ત કર્યો છે. એ કલમમાં આસામની સાંસ્કૃતિક, સામાજિક અને ભાષાકીય ઓળખ અને અસમિયાં લોકોની વિરાસતનાં રક્ષણની જોગવાઈ છે. આ સમિતિનો વિરોધ કરનારાં સંગઠનની દલીલ છે કે કલમ ૬ અને નાગરિકતા (સંશોધન) વિધેયક પરસ્પર વિરોધાભાસી છે. અખિલ આસામ વિદ્યાર્થી સંઘ(આસૂ)એ એ સમિતિમાં પોતાનો પ્રતિનિધિ નહીં મોકલવા નિર્ણય કર્યો છે, બીજી તરફ ભાજપ નેતા હિંમત દાવો કરે છે કે આસામકરારની કલમ ૬ અને ઉપરોક્ત વિધેયક એકબીજાના પૂરક છે, વિરોધાભાસી નહીં.

સમસ્યા તો જૂની છે! : આસામમાં ઓળખનાં સંકટની સમસ્યા દેશની આઝાદી જેટલી જ જૂની છે. રાજ્યમાં પડોશી બાંગ્લાદેશમાંથી ઘૂસી આવતાં લોકોની વિરુદ્ધ સમયાંતરે અવાજ ઊઠતો રહ્યો છે. એંશીના દાયકાની શરૂઆતમાં આ મુદ્દે રાજ્યમાં ૬ વર્ષ લાંબું આંદોલન થયું હતું. એ આસામ આંદાલન બાદ પ્રફુલ્લકુમાર મહંતોની નેતાગીરીમાં આસામ ગણપરિષદ સરકાર સત્તામાં આવી હતી.  રાજ્યનાં સૌથી મોટાં સાહિત્યિક સંગઠન અસમ સાહિત્ય સભા પણ ઘણી વખત ઓળખ અને સંસ્કૃતિનો સવાલ ઉઠાવી રહ્યું છે. સભાએ વીતેલાં વર્ષે કહ્યું હતું કે રાજ્યમાં કામ કરવા ઇચ્છતાં લોકો માટે અસમિયાં કે કોઈ સ્થાનિક ભાષાની જાણકારી હોવી જરૂરી છે. સભાના અધ્યક્ષ પરમાનંદ રાજવંશી કહે છે કે, જો કોઈને સ્થાનિક ભાષા આવડતી નહીં હોય તો તેને ખાનગી કે સાર્વજનિક ક્ષેત્રમાં કામ કરવા નહીં દેવાય. આસામનાં સ્થાનિક લોકો સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યાં છે, તેમની ઓળખ અને ભાષા જોખમમાં છે. અસમ સાહિત્ય સભા સ્થાનિક ભાષાઓને મરવા નહીં દે. નાગરિકતા વિધેયકના વિરોધમાં ડઝનો સંગઠનોએ જ્યાં વિધેયકની પ્રત સળગાવી, તો પૂર્વોત્તર બંધ રહ્યું. બીજી તરફ કૃષક મુક્તિસંગ્રામ સમિતિનાં નેતૃત્વમાં ઓછામાં ઓછાં ૭૦ સંગઠનોએ વિવાદાસ્પદ નાગરિકતા(સંશોધન) વિધેયક, ૨૦૧૬ના વિરોધમાં રાજ્યમાં બેમુદતી આર્થિક નાકાબંધી કરી છે.

આ સંગઠનોએ ચેતવણી આપી છે કે નાકાબંધી દરમિયાન તેઓ આસામમાં પેદા થતાં પેટ્રોલિયમ પેદાશ, કોલસો, વનઉત્પાદનો અને લાઇમસ્ટોન રાજ્યની બહાર જવા દેશે નહીં. રાજનીતિક નિરીક્ષકોનું કહેવું છે કે આ વિધેયકની વિરુદ્ધ આસામમાં શરૂઆતથી જ અવાજ ઊઠતો રહ્યો છે પરંતુ કેન્દ્ર તથા રાજ્યની ભાજપ સરકારોએ સ્થાનિક લોકોની ભાવનાને નજરઅંદાજ કરી પોતાના એજન્ડાને આગળ વધાર્યો છે, તેનાં પરિણામ ગંભીર હોઈ શકે છે.

આંદોલન આક્રમક બનવાના સંકેત : આસામ સહિત પૂર્વોત્તરના વિભિન્ન રાજનીતિક અને સામાજિક સંગઠનોના મૂડને જોઈને નજીકનાં ભવિષ્યમાં આ મુદ્દે આંદોલન તેજ થાય એવા સંકેત છે. ઓળખનું સંકટ સ્થાનિક લોકો માટે ખૂબ સંવેદનશીલ મુદ્દો છે. એક નિરીક્ષક સુનીલકુમાર દાસ કહે છે કે, આ આંદોલન આવનારા દિવસોમાં હિંસક થઈ શકે છે, તેનાથી રાજ્યમાં આસામ આંદોલનની પુનરાવૃત્તિની શંકાથી ઇનકાર થઈ શકે નહીં.

એક તરફ ઘૂસણખોરોને ભગાડવા NRC, ને બીજી તરફ ધર્મના નામે નાગરિકતા ! : એજીપી નેતા તથા પૂર્વ મુખ્યમંત્રી પ્રફુલ્લ મહંતો કહે છે કે, વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપે સત્તામાં આવવાની સ્થિતિમાં રાજ્યમાંથી ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોને ખદેડવાનું વચન આપ્યું હતું, પરંતુ વિડંબના એ છે કે હવે એ જ પક્ષ બિનમુસ્લિમ ઇમિગ્રન્ટને નાગરિકતા આપવા તૈયાર રહી છે. તેઓ કહે છે કે આ ઐતિહાસિક આસામ સમજૂતીની જોગવાઈનું ખુલ્લું ઉલ્લંઘન છે. ધ્યાન રહે કે વિદ્યાર્થીનેતા તરીકે પ્રફુલ્લ મહંતો પણ એ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. એ બાદ જ આસામમાં વર્ષ ૧૯૮૫માં તેમનાં નેજા હેઠળ આસામ ગણપરિષદની સરકાર સત્તામાં આવી હતી. મહંતોનું કહેવું છે કે એક બાજુથી ઘૂસણખોરને ભગાડવા માટે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)ને અપડેટ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને બીજી તરફ ધાર્મિક આધાર પર નાગરિકતા આપવા કાયદો બનાવાઈ ગયો છે. આ બંને વાત એકબીજાની વિરોધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન