સરપંચ વિજયના ઉત્સાહમાં મારામારી, બે યુવાનોએ મહિલાના વસ્ત્રો ફાડી તમાચા માર્યા - Sandesh
  • Home
  • Gujarat
  • સરપંચ વિજયના ઉત્સાહમાં મારામારી, બે યુવાનોએ મહિલાના વસ્ત્રો ફાડી તમાચા માર્યા

સરપંચ વિજયના ઉત્સાહમાં મારામારી, બે યુવાનોએ મહિલાના વસ્ત્રો ફાડી તમાચા માર્યા

 | 7:51 pm IST

વલસાડના ભોમાપારડી ગામે સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિજેતા બનેલા સરપંચપદના ઉમેદવારો તથા તેમના સમર્થકોએ વહેલી સવારે વિજય સરઘસ કાઢયા બાદ બે પક્ષો વચ્ચે મારામારી થતા મામલો વલસાડ રૃરલ પોલીસ મથકે પહોંચ્યો છે. જ્યાં પ્રથમ પક્ષના મહિલા ફરિયાદીએ ગામના ૪ ઇસમો સામે છેડતી તથા જાતિ અંગે અપમાનજનક શબ્દો ઉચ્ચારવા અંગે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે ૪ ઇસમો સામે તેમના એક સમર્થકને ચપ્પુ વડે હુમલો કરવા ઉપરાંત ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

વલસાડના ભોમાપારડી ગામની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીના પરિણામો મોડી રાત્રે જાહેર કરાયા હતાં. સરપંચ પદે વિજેતા બનેલ કોકીલાબેન રમેશભાઇ પટેલના સમર્થકોએ શુક્રવારે સવારે ૪ વાગ્યે ગામમાં વિજય સરઘસ કાઢી વિજયોત્સવ મનાવવાનું શરૂ કર્યું હતુ. સરઘસ ગામના હળપતિવાસ સામેથી પસાર થઇ રહ્યું હતું. જે દરમિયાન વિજયના ઉન્માદમાં આવી ગયેલા વૈભવ રમેશભાઇ પટેલ તથા તેનો ભાઇ ગૌરવ ફળિયામાં રહેતા રણજિતકુમાર સુમનભાઇ પટેલની સ્વીફટ કાર પાસે ફટાકડા ફોડવાની તૈયારી કરતા હતાં. તે જોઇ રણજિતભાઇની પત્ની મીત્તલબેન તથા તેમના જેઠ પ્રદિપભાઇ બહાર દોડી આવ્યા હતા અને પટેલ બંધુઓને કારને નુકસાન નહીં કરવા તથા તેમના ઘર પાસે વિજયોત્સવ મનાવી હેરાન નહીં કરવા જણાવતા ઉશ્કેરાયેલા પટેલ બંધુઓએ પ્રદીપભાઇ સાથે ઝપાઝપી શરૂ કરી હતી. આ સમયે મીત્તલબેન જેઠને બચાવવા દોડી આવ્યા હતાં. દરમિયાન બંને યુવાનોએ મીત્તલબેને પહેરેલા વસ્ત્રોની ખેંચાખેંચ કરતા તેમના વસ્ત્રો ફાટી ગયા હતાં. આ ઉપરાંત બંને એ તમાચા ચોડી દીધા હતા અને મીત્તલબેન તથા તેમના પરિજનોને જાતિ અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

મિત્તલબેન સહિતના લોકો ફરિયાદ કરવા માટે જઇ રહ્યા હતાં. તે દરમ્યાન ફળિયામાં પહોંચી ગયેલા ભાવિકભાઇ દિલીપભાઇ પટેલ તથા જયેશ જીણાભાઇ પટેલ હળપતિવાસમાં પહોંચી જઇ પ્રથમ પાર્ક કરેલી બાઇકો પર લાકડાના ફટકા મારી નુકસાન પહોંચાડવા ઉપરાંત મીત્તલબેનના પિતા સુમનભાઇને જયેશે તમાચા ચોડી દીધા હતાં.

આ અંગે મીત્તલબેન પટેલે વલસાડ રૃરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી. અને એ.એસ.પી. સંજય ખરાતે શરૃ કરી છે.

વિજય સરઘષમાં એક યુવાનને ચપ્પુ હુલાવી દેવાયું
ભોમાપારડીમાં ઘટેલી ઘટના અંગે રમેશભાઇ બાવાભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની પત્ની કૌતીકાબેન સરપંચ પદે વિજયી બન્યા હોય ગામમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. સરઘસ હળપતિવાસ સામેથી પસાર થઇ રહ્યું હતું. આ દરમિયાન રણજિતભાઇ તથા તેમની પત્ની મીત્તલબેન ઘરની બહાર દોડી આવી વિજેતા બનેલા સરપંચને ગાળો આપવાનું શરૃ કર્યું હતું અને પતિ-પત્નીએ અગાઉ સરપંચ તરીકે ૫ વર્ષ સુધી શાસન કર્યું હોય, હવે તેઓ શું કરશે તેવું જણાવી રમેશભાઇને માર મારવા લાગ્યા હતાં. આ દરમિયાન કાર (નં.જી.જે.૧૫ કે.૧૨૦૩) માં આવી પહોંચેલ આનંદ ગિરીશ પટેલ, પ્રતિક સંપતભાઇ પટેલ તથા કાર્તીક સંપતભાઇ પટેલ પણ રમેશભાઇને માર મારવાનું ચાલુ કરતા તેમને બચાવવા માટે ફેનીલ દિનેશભાઇ પાવાગઢી તથા પુત્ર ગૌરવ દોડી આવ્યા હતા અને તમામને છૂટા પાડી રહ્યા હતાં. આ દરમિયાન થયેલી ધમાચકડી દરમિયાન કાર્તિક સંપત પટેલે ફેનીલના પેટના ડાબા ભાગે ચપ્પુથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે અત્રેની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરાયો છે.