'ઘડિયાળ' અને 'હાથ' ફરી જોડવાનો  સમય  આવ્યો - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • ‘ઘડિયાળ’ અને ‘હાથ’ ફરી જોડવાનો  સમય  આવ્યો

‘ઘડિયાળ’ અને ‘હાથ’ ફરી જોડવાનો  સમય  આવ્યો

 | 12:20 am IST

મુંબઇ, તા. ૮

ચાર વરસ પહેલાં મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય બે મુખ્ય ગઠબંધન તૂટયા હતા. ત્યાર પછી રાજ્યમાં થયેલા સત્તા પરિવર્તને તમામ સમીકરણ બદલી નાખ્યા છે. સત્તા પરથી ફેંકાયેલી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ફરી એક વાર જોડાણ કરવા લગભગ તૈયાર છે. યુતિ તૂટયા પછી ભાજપ સાથે સત્તામાં ભાગીદાર એવી શિવસેનાએ એકલા હાથે ચૂંટણી લડવાની ઘોષણા કરી જ દીધી છે. કહેવાય છે કે સત્તા જોડે છે, પરંતુ શિવસેના-ભાજપ જેવા ૨૫ વર્ષ જૂના ‘મિત્રો’ની બાબતમાં આ વાત ખોટી સાબિત થઇ રહી છે. હવે એમ લાગે છે કે ‘કમળ’ને ઘાયલ કરવા ‘બાણ’ ઉતાવળું થયું છે

કોંગ્રેસ-એનસીપીના નેતાઓની બેઠક તાજેતરમાં વિધાનસભામાં વિપક્ષ નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલના સરકારી બંગલે યોજાઇ હતી, જેમાં બંને પાર્ટીના મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ હાજર હતા. બેઠકના એજેન્ડાના ત્રણ મુખ્ય મુદ્દા હતા. પહેલો મુદ્દો હતો ૨૨મી ફેબ્રુઆરીથી શરૂ થનારા રાજ્ય વિધાનમંડળના બજેટ સત્રમાં વિપક્ષની રણનીતિ નક્કી કરવી, બીજો મુદ્દો હતો મહારાષ્ટ્રમાં લોકસભાની બે બેઠક માટે થનારી પેટાચૂંટણી અને આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે યુતિ અંગે ચર્ચા કરી સંમતિ કેળવવી.

બેઠકમાં એનસીપી તરફથી પ્રદેશાધ્યક્ષ સુનીલ તટકરે, અજિત પવાર, જયંત પાટીલ અને દિલીપ વળસે પાટીલ જ્યારે કોંગ્રેસ તરફથી પ્રદેશાધ્યક્ષ અશોક ચવ્હાણ, રાધાકૃષ્ણ વિખે પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ અને પૂર્વ મંત્રી નસીમ ખાન જેવા દિગ્ગજ નેતાઓ હાજર હતા.

બેઠકની ખાસ વાત એ હતી કે વર્ષ ૨૦૧૪માં ‘ઘડિયાળ’ અને ‘હાથ’નો સાથ છૂટવાથી જે કડવાશ જન્મી હતી તે પૂરી રીતે ગાયબ હતી.

તમામ નેતાઓ ૨૦૧૯માં સાથે મળી ચૂંટણી લડવા તૈયાર હતા. જો કે, આ તો પ્રારંભિક સંમતિ છે, ખરો પડકાર તો ત્યારે ઊભો થશે જ્યારે ચૂંટણીની  જાહેરાત થશે અને બેઠકની વહેચણી માટે સોદાબાજી શરૂ થશે.

બેઠકમાં બંને પાર્ટીના પ્રાદેશિક નેતાઓની સંમતિ પર હવે આ બંને પાર્ટીના હેડની મંજૂરીની મોહર લાગવાની બાકી છે. જોકે, રાહુલ ગાંધી અને શરદ પવાર પહેલાથી જ વિપક્ષી ‘એકતા’ મજબૂત કરવામાં ગૂંથાયેલા છે.

તમામ ધર્મનિરપેક્ષ પાર્ટીઓને એક કરવાનો પ્રયાસ 

તમામ બિનસાંપ્રદાયિક પક્ષોને એક કરવા અંગે બેઠકમાં ચર્ચા થઇ હતી. ભવિષ્યમાં સાથે મળીને કેવી રીતે કામ કરવું છે એની ચર્ચા કરાઇ હતી. બંને પાર્ટી (એનસીપી-કોંગ્રેસ) વચ્ચેની કડવાશ હવે દૂર થઇ ગઇ છે, એમ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અશોક ચવ્હાણે જણાવ્યું હતું.

;