ઓખીને કારણે ચિંતામાં મૂકાયેલા ખેડૂતોને સીએમ રૂપાણીએ આપ્યા ખુશીના સમાચાર - Sandesh
  • Home
  • Gujarat
  • ઓખીને કારણે ચિંતામાં મૂકાયેલા ખેડૂતોને સીએમ રૂપાણીએ આપ્યા ખુશીના સમાચાર

ઓખીને કારણે ચિંતામાં મૂકાયેલા ખેડૂતોને સીએમ રૂપાણીએ આપ્યા ખુશીના સમાચાર

 | 2:28 pm IST

ઓખી વાવાઝોડાને કારણે સૌથી મોટું નુકશાન ખેડૂતોને થયું છે. તેમનો ખેતરમાં લહેરાતો ઉભો પાક બગડી ગયો છે. તેથી ચિંતામાં મૂકાયેલા ખેડૂતોને રાહત મળે તેવા સમાચાર સીએમ વિજય રૂપાણીએ આપ્યા છે. ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે, ઓખી વાવાઝોડાને કારણે ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર આપવામાં આવશે.

વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે હતા. જ્યાં તેમણે રેલી યોજીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ રેલીમાં તેમને રાજકોટવાસીઓ તરફથી મોટો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે તેમણે મીડિયા સંબોધનમાં જણાવ્યું હતું કે, ઓખી વાવાઝોડાની ઘાત હવે ટળી ગઈ છે. પંરતુ ઓખી ખેડૂતોને જે નુકશાન થયું છે તેમનું તેમને વળતર આપવામાં આવશે. સીએમની આ જાહેરાતથી રાજ્યભરના ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ઓખી વાવાઝોડાને લઈને વાતાવરણમાં અચાનક પલટાને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાની થઈ હતી. હાલ ખેતરમાં ઘઉં, જીરું, ધાણા અને કપાસનો પાક છે. આ કમોસમી વરસાદથી શિયાળુ પાકને ભારે નુકસાની થશે. વાદળછાયા વાતાવરણને કારણે સૌરાષ્ટ્રમાં જીરા અને કોથમીરના પાકને નુકસાન પહોંચશે. વરસાદને કારણે કપાસ પીળો પડી જાય છે. ઉત્તર ગુજરાતમાં જીરાના પાકને નુકસાન થાય તેવી શકયતાઓ છે. કમોસમી વરસાદથી શિયાળાના કારેલા, દૂધી, જેવા પાકને નુકસાન થઈ શકે છે. આ સિવાય ટામેટા, મરચાં, રિંગણ વગેરેના પાકને પણ અસર થશે.