નીતિન પટેલને નાણા ખાતુ આપ્યા બાદ જાણો CM વિજય રૂપાણીએ શું જવાબ આપ્યો - Sandesh
  • Home
  • India
  • નીતિન પટેલને નાણા ખાતુ આપ્યા બાદ જાણો CM વિજય રૂપાણીએ શું જવાબ આપ્યો

નીતિન પટેલને નાણા ખાતુ આપ્યા બાદ જાણો CM વિજય રૂપાણીએ શું જવાબ આપ્યો

 | 5:02 pm IST

મંત્રીઓના ખાતાની ફાળવણીમાં ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને નાણાં ખાતુ અને શહેરી વિકાસ ખાતુ ન સોંપાતા તેઓ નારાજ થયા હતા. જેને કારણે તેઓ બીજા દિવસે સચિવાલય સંકુલમાં પણ હાજર ન રહયા હતાં. આખરે નીતિન પટેલને નાણા ખાતુ સોંપવાનો આજે નિર્ણય લેવાયો હતો. આ અંગેની બાંહેધરી ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમિત શાહે આપતા નીતિન પટેલે ગાંધીનગર ખાતે ડેપ્યુટી સીએમનો ચાર્જ સંભાળ્યો હતો. જેના બાદ સીએમ વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં પણ કહ્યું હતું કે, નીતિન પટેલને નાણા ખાતું આપવામાં આવ્યું છે.

સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, નાણાં ખાતુ નીતિન પટેલને આપવામાં આવ્યું છે. આ અંગેનો સત્તાવાર પરિપત્ર રાજ્યપાલને પહોંચાડી દેવાયો છે. હાઈકમાન્ડે નીતિન પટેલની લાગણીને માન આપ્યુ છે. આ કિસ્સાથી વિરોધીઓનાં મોંમા પાણી આવી ગયુ હતું, પરંતુ જે કાંઈ પ્રશ્નો હતા તે હવે પૂર્ણ થઈ ગયા છે.

તો બીજી તરફ, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નાયબ મુખ્યમંત્રીનો બપોરે ચાર્જ સંભાળ્યા બાદ મહેસાણા જવા રવાના થયા હતા. મોઢેરા ચોકડી ખાતે તેમનો આવકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે મહેસાણાના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. તેમજ કાર્યકર્તાઓએ તેમને અભિનંદન આપીને આતશબાજી પણ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, મને નાણાં પ્રધાન બનાવવામાં આવ્યો છે. જે માટે CM રૂપાણીએ રાજ્યપાલને પત્ર મોકલી દીધો છે. મેં આજે ચાર્જ સંભાળ્યો છે. હું 40 વર્ષથી પક્ષનો કાર્યકર રહ્યો છું. મારી લાગણીને માન આપી મને જવાબદારી સોંપાઈ છે. મને નાણાં વિભાગ સોંપવામાં આવ્યું છે.

જ્યારે કે કોંગ્રેસમાં જોડાવા અંગે તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસમાં જોડાવાની કલ્પના પણ ન કરી શકું. મહેસાણાનો પ્રેમ અને વિશ્વાસ મને મળ્યો છે. તેથી મહેસાણાનું ઋણ ચૂકવવાનો હંમેશા પ્રયત્ન કરીશ.