• Home
  • Ahmedabad
  • કોલસા કૌભાંડ : પૂર્વ કોલસા સચિવ સહિત અનેક દોષિત જાહેર

કોલસા કૌભાંડ : પૂર્વ કોલસા સચિવ સહિત અનેક દોષિત જાહેર

 | 2:31 am IST

નવી દિલ્હી, તા. ૧૯

કોલસા કૌભાંડ કેસમાં દિલ્હીની એક વિશેષ અદાલતે શુક્રવારે પૂર્વ કોલસા સચિવ એચ. સી. ગુપ્તાને દોષિત જાહેર કર્યા છે. વિશેષ સીબીઆઈ જજ ભારત પરાશરને કોલસા મંત્રાલયના તત્કાલિન સંયુક્ત સચિવ કે. એસ. ક્રોફા, તત્કાલિન ડાયરેક્ટર કે. સી. સમારિયા અને અન્ય બેને દોષિત ઠેરવ્યા છે. તેમને મધ્ય પ્રદેશમાં થેસગોડા – બી રૂદ્રપુરી કોલસા બ્લોકની કે.એસ.એસ.પી.એલ.ને થયેલી ફાળવણીમાં અનિયમિતતાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટ હવે ૨૨ મેના રોજ કયા દોષિતને કેટલી સજા ફરમાવવી તેની જાહેરાત કરશે.

અદાલતે સીએ અમિત ગોયલને આ કેસમાં દોષમુક્ત જાહેર કર્યા છે. વિશેષ અદાલતે ગુપ્તા, ક્રોફા, સમારિયા ઉપરાંત કે.એસ.એસ.પી.એલ. કંપની અને તેના એમ.ડી. પવનકુમાર અહલુવાલિયાને પણ દોષિત જાહેર કર્યા છે. સુનાવણી દરમિયાન સીબીઆઈએ આક્ષેપ કર્યા હતા કે કે.એસ.એસ.પી.એલ. કંપનીએ કોલસા બ્લોક માટે અરજી કરી ત્યારે તે અધૂરી હતી. પ્રવર્તમાન નિયમો પ્રમાણેની અરજી ના હોવાથી મંત્રાલયે તે અરજીને ફગાવી દેવી જોઇતી હતી. સીબીઆઇએ આક્ષેપ કર્યા કે કંપનીએ પોતાની નેટવર્થ અને વર્તમાન ક્ષમતા પણ ખોટી જણાવી હતી.  સીબીઆઇએ રજૂઆત કરી હતી કે રાજ્ય સરકારે પણ કંપનીને કોલસા બ્લોકની ફાળવણી કરવા ભલામણ કરેલી નહોતી. જોકે આરોપીઓએ સુનાવણી વખતે આરોપોને ફગાવી દીધા હતા. અદાલતે ગયા વર્ષે ઓક્ટોબરમાં આરોપો નક્કી કરતી વખતે કહ્યું હતું કે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહને ગુપ્તાએ અંધારામાં રાખ્યા હતા.

;