ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં ઠંડીનો પારો ૪ ડિગ્રીએ પહોંચ્યો - Sandesh
  • Home
  • Ahmedabad
  • ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં ઠંડીનો પારો ૪ ડિગ્રીએ પહોંચ્યો

ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં ઠંડીનો પારો ૪ ડિગ્રીએ પહોંચ્યો

 | 9:22 am IST

રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. વહેલી સવારથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. રાજ્યમાં ઉત્તરીય પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. ગુજરાતમાં હિલ સ્ટેશન ગણાતા નલીયામાં પારો 4 ડિગ્રી સેલ્સિયસ જેટલો નીચે ઉતરી ગયો હતો. તો ગિરમાં તાપમાન 3.5 ડિગ્રીએ પહોંચ્યું છે. જ્યારે માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ 1.4 (-1.4) નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 12.2 ડિગ્રી પહોંચ્યો છે.. ઠંડા સુકા પવનોને પરિણામે ગુજરાતમાં જોરદાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.  હવામાન વિભાગના મતે આગામી 7 જાન્યુ. સુધી સમગ્ર રાજ્યના કેટલાક વિસ્તાર શીત લહેરથી પ્રભાવિત રહેશે. દરમિયાન ગુજરાતમાં ઠંડીથી એકનું મોત થયું છે.

બનાસકાંઠામાં ઠંડીથી એક મોત થયું છે. ડીસામાં નવાવાસ વિસ્તારમાં ઠંડીથી એક ભિક્ષૂકનું મોત થયું હતું. ભિક્ષૂકનાં મૃત્તદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. નલીયા સિવાય ગરવા ગઢ ગિરનારમાં પણ કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાન 3.5 ડિગ્રી જેટલું નોંધાયું છે. હિમાલયના ઠંડા પવનોના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. લઘુત્તપ તાપમાનનો પારો 10થી 11 ડિગ્રીની આસપાસ રહેતા કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આજે પણ રાજ્યમાં ગાત્રો થિજવતી ઠંડીનો અહેસાસ થયો હતો.  સમગ્ર ગિરનાર ઠંડોગાર થયો હોવા સાથે સમગ્ર તળેટી સહિતના ગિરનાર જંગલમાં હિમાલય જેવી કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

હાડ થિજવતી ઠંડીમાં શહેરીજનો ઠુંઠવાયા
હાડ થિજવતી ઠંડીમાં શહેરીજનો ઠુંઠવાયા છે. મંગળવારના રોજ અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 12.2 ડિગ્રીએ પહોચ્યો હતો જ્યારે મહત્તમ તાપમાન પણ 26.4 ડિગ્રીએ રહેતા દિવસ દરમિયા ઠંડુ વાતાવરણ રહેવા પામ્યુ હતું. આગામી તા.7 સુધી સમગ્ર રાજ્યના કેટલાક વિસ્તાર શીત લહેરથી પ્રભાવિત રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાઈ રહ્યું છે. હજુ પણ ઠંડી વધવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

માઉન્ટ આબુમાં બરફ જામ્યો છે. કાતિલ ઠંડીને કારણે જનજીવનને ભારે અસર થવા પામી છે. તાપમાન માઈનસ 1.4 ડિગ્રીએ પહોંચતા, માનવી ઉપરાંત વન્ય જીવો પણ અસર પામ્યા છે. ગુજરાતમાં  સૌથી વધું ઠંડી ગિરનારમાં નોંધાયી છે. જૂનાગઢમાં ગિર અભ્યારણમાં પણ વન્ય જીવો ઠંડીની લપેટમાં આવી ગયા છે.