કલર ફોટોગ્રાફી જેમ્સ કલાર્ક મેક્સવેલની શોધ છે - Sandesh
  • Home
  • Kids Corner
  • કલર ફોટોગ્રાફી જેમ્સ કલાર્ક મેક્સવેલની શોધ છે

કલર ફોટોગ્રાફી જેમ્સ કલાર્ક મેક્સવેલની શોધ છે

 | 12:20 am IST

રિદ્ધિ મહેશ્વરી

રમતિયાળ, બાળસહજ તોફાની નાનકડો જેમ્સ અચાનક સાવ શાંત-ચૂપ થઈ ગયો હતો. કારણ, આઠ જ વર્ષની ઉંમરે તેણે પોતાની વહાલી મમ્મીને ગુમાવી હતી. એનું બાળમાનસ મા વગર જીવન કલ્પી જ શક્તું ન હતું. હજી મા ગુમાવ્યાનું એક દુઃખ પચતું ન હતું ત્યાં બીજી તકલીફ એ હતી કે તેને ભણાવવા આવતા શિક્ષક આવતા તે પણ તેણે શિક્ષારૂપે વારંવાર સોટીનો પ્રસાદ આપતા. ત્યારે જેમ્સને મા બહુ યાદ આવી જતી.

બાળક તરીકે જ્યારે જેમ્સને આળપંપાળ, હૂંફ, સ્નેહ, વહાલની જરૂર હતી ત્યારે મા તો ગુમાવી હતી, તેની જગ્યા શિક્ષકની સોટીએ લીધી હતી. અધૂરામાં પૂરું અતિશય શિસ્તપાલનના આગ્રહી પિતા સાથે તે સંવાદ સાધી જ શક્યો ન હતો. જેમ્સનું બાળપણ એકદમ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી જેવું કાળું-ધોળું અને નિસ્તેજ લાગતું હતું.

આ બધી નકારાત્મક્તાની અસર હવે જેમ્સના સ્કૂલના ભણતર પર દેખાવા લાગી હતી. દિનબદિન સ્કૂલનું પરિણામ નબળું થતું જતું હતું. એનાથી પણ વધુ નબળી થતી જતી હતી જેમ્સની માનસિકતા. સ્કૂલમાં પણ તેના દેસી ટાઈપના દેખાવ અને ગામઠી બોલીને લીધે અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સતત સતામણી ખરેખર તો જેમ્સને તોડી પાડવા માટે પૂરતી હતી. પણ જેમ્સ જુદી માટીનો સાબિત થવાનો હતો. આવી પરિસ્થિતિઓ સામે ભાંગી પડે એ બીજા.

તકલીફો, ત્રાસ, માનસિક સતામણી વગેરે બધું તો જેમ્સના લમણે જ લખાયું હતું. એડીનબર્ગ યુનિવર્સિટીમાં પહોંચ્યો ત્યાં પણ જેમ્સ પોતાની જાતને ત્યાંના વાતાવરણમાં સેટ કરવા મથ્યા કરતો હતો, પણ કોઈપણ હિસાબે એ એમાં સફળ થઈ શક્તો ન હતો, થોડાં ઘણાં અંશે જેમ્સ પોતાની જાતને અનુકૂળ ત્યારે કરી શક્યો જ્યારે એ એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આવ્યો. ન ફક્ત અનુકૂળતા સધાઈ…કદાચ કેમ્બ્રિજમાં આવીને મુરઝાયેલો જેમ્સ ખીલવા લાગ્યો હતો. કેમ્બ્રિજમાં આવ્યા પછી તેના વર્તનની વિચિત્રતા હોવા છતાં લોકો તેની અંદર છુપાયેલી હોશિયારી, બુદ્ધિશક્તિને લીધે મિત્રો બનવા લાગ્યા. મિત્રવર્તુળમાં મોટેભાગે ટેકનોલોજીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો જ હતા.

એક વખતનો સાવ નંખાયેલ માનસિકતાનો શિકાર ગણાતો જેમ્સ હવે પોતાની સેન્સ ઓફ હ્યુમર, તમામ વિષયો પરનું તેનું જ્ઞાન વગેરે વડે લોકો વચ્ચે પોતાની સાનુકૂળતા સાધવામાં મુખ્ય પરિબળ સાબિત કરી શક્યો.

પોતાની અંદર ધરબાયેલી શક્તિઓને બહાર લાવવામાં આવી સકારાત્મક પરિસ્થિતિઓ જ કારણભૂત બનતી હોય છે એ ધોરણે, જેમ્સ કલાર્ક મેક્સવેલ હવે સંપૂર્ણપણે ખીલી ચૂક્યો હતો. ભૂતકાળની સમસ્યાઓ, વિકટ પરિસ્થિતિઓ, નાનપણમાં મા ગુમાવ્યાનું દુઃખ, પિતા સાથે સાનુકૂળતા સાધી ન શકવાની ઘટનાઓ વગેરે તમામને પાર પાડી જેમ્સ હવે સફળતાના વિશ્વમાં ડગ માંડી ચૂક્યો હતો.

જેમ્સ કલાર્ક મેક્સવેલે ઈલેક્ટ્રોમેગ્નેટીક પ્રપોર્શન થીયરી સહિત ફિઝિકસ વિષયમાં ઘણું પ્રદાન કર્યું. મેગ્નેટીઝમ થીયરી, ઓપ્ટીક્સ અને ઈલેક્ટ્રીસિટી ટ્રાન્સફોર્મેશનના વિષય પર તેનો ફાળો વિશ્વમાં નોંધપાત્ર પ્રદાન કરી ચૂકેલ હતો. અને આ બધાથી સર્વોપરી,. આજે અત્યંત કોમન ગણાતી શોધ-કલર ફોટોગ્રાફી એ જેમ્સ કલાર્ક મેક્સવેલની યાદગાર શોધ છે.

જિંદગીની શરૂઆતમાં જ પાર વગરની હતાશાથી ભાંગી પડવાને બદલે જાણે જેમ્સ કલાર્ક મેક્વેલે બ્લેક એન્ડ વ્હાઈટ જીવનપર કલર ચઢાવી દીધા. ન ફકત પોતાની જિંદગીમાં પણ કલર ફોટોગ્રાફી પ્રોસેસ ઉપરાંત અનેકવિધ શોધ કરીને ‘સ્કોટલેન્ડના આઈન્સ્ટાઈન’નું બિરુદ મેળવી પોતાનું કમબેક પણ સાબિત કરી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન