સંગ તેવો રંગ - Sandesh

સંગ તેવો રંગ

 | 12:58 am IST

દેવપુર નામે એક સુંદર ગામ હતું. આ ગામમાં એક શ્રીમંત પરિવાર અને એક સામાન્ય પરિવાર રહેતા હતા. શ્રીમંત પરિવારને વેપારનો મોટો ધંધો હોવાથી સુખી સમૃદ્ધ હતો. જમીન બંગલો અને કેટલીયે પ્રોપર્ટી શ્રીમંત પરિવાર પાસે હતી જ્યારે સામાન્ય પરિવાર મહેનત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા.રોજે રોજ મહેનત કરવા જાય અને રોજેરોજ કમાણી થાય તેમાથી તે લોકો પોતાનું ગુજરાન ચલાવે, સાથે સાથે બાળકોને ભવિષ્ય માટે પૈસા પણ થોડા થોડા ભેગા કરે. જેથી બાળકોને આગળ જતા ચિંતા ન થાય, પરંતુ રોજે રોજનું ગુજરાન કરનાર સામાન્ય પરિવાર ઇચ્છે તો પણ એટલી બચત નહોતો કરી શકતો, કારણ કે તેમને ઘર ચલાવવા પુરતાં જ પૈસા મળતાં.

આ બેઉ કુટુંબમાં પરેશ અને પારસ નામના બે દીકરાઓ હતા. તેઓ બંને સાથે જ અભ્યાસ કરતા હતા અને જિગરી દોસ્ત હતા. બંને મિત્રો ધોરણ દસ સુધી તો અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતા. જેથી પહેલા, બીજા નંબરે પાસ થતા.

પરંતુ પરેશ નામનો તરુણ શ્રીમંત પરિવારનો હોવાથી કુસંગી મિત્રોના સંગથી ઉડાઉ અને વ્યસની બની ગયો. *કાળિયા ભેગો ધોળિયો બેસે તો વાન ન આવે પણ સાન આવે.* માણસને જેવો સંગ થાય તેવો બની જાય છે.

પારસ પોતાના મિત્ર પરેશને વ્યસન છોડાવવા વારંવાર સલાહ સૂચનો આપતો રહેતો જે પરેશને બિલકુલ ગમતું નહીં. અને સમય જતાં પારસ સાથેની મિત્રતા છોડી દીધી. બીડી, ગુટખા અને દારૃના સેવનથી બે વરસ બાદ ફેફસાનું કેન્સર થવાથી અકાળે મૃત્યુ થયું. આવા કરુણ મૃત્યુથી તેમનો પરિવાર દુઃખી-દુઃખી થઈ ગયો, તેમના મમ્મી-પપ્પાને ઘણો પસ્તાવો થયો.

જ્યારે પારસને સુસંગ મિત્રોના સંગથી મહાન વ્યક્તિના જીવન ચરિત્રો, શ્રીમદ્ ભગવદ ગીતા, રામાયણ તેમજ આધ્યાત્મિક પુસ્તકોનાં વાંચનની સાથે-સાથે પૂરા ખંતથી અભ્યાસમાં ધ્યાન આપતો અને ધોરણ બારમાં ઉચ્ચ ગુણ સાથે પાસ થયો.

સમય જતાં સ્નાતક ત્યારબાદ આઈ.પી.એસ.ની પરીક્ષા પાસ કરી અને મોભાદાર ઉચ્ચ અધિકારી બની ગયો. તેમના મમ્મી-પપ્પા, ગુરુઓ, મિત્રોએ ખૂબ જ અભિનંદન આપ્યા અને પરિવાર સાથે સુખેથી જીવન જીવવા લાગ્યો.

બોધઃ-

બાળ મિત્રો!

‘સારા માણસની સંગત માણસને સારું શીખવે છે, જ્યારે ખરાબ માણસની સંગત અધોગતિ નોતરે છે.’