કોમોડિટી માર્કેટમાં ક્રૂડમાં તેજી, બેઝમેટલ્સ, બુલિયન, એગ્રિમાં મંદી - Sandesh
 • Home
 • Supplements
 • Business @ Sandesh
 • કોમોડિટી માર્કેટમાં ક્રૂડમાં તેજી, બેઝમેટલ્સ, બુલિયન, એગ્રિમાં મંદી

કોમોડિટી માર્કેટમાં ક્રૂડમાં તેજી, બેઝમેટલ્સ, બુલિયન, એગ્રિમાં મંદી

 | 3:26 am IST

કોમોડિટી વોચઃ  મિનિતા દવે

વૈશ્વિક સ્તરે આર્થિક યુદ્ધનો પાયો નંખાઈ ગયો છે. વૈશ્વિક ટ્રેડ વોર બાદ હવે કરન્સી વોર સામે આવ્યું છે. સૌ પ્રથમ લીરા અને રૂબલ ડોલરની સામે તળિયે બેસી ગયા બાદ હવે રૂપિયામાં સતત રકાસ જોવા મળી રહ્યો છે. ડોલર સામે રૂપિયો સતત તૂટી ૭૨ની સપાટી પહોંચ્યો છે. ઓગસ્ટ મહિનામાં જ રૂપિયામાં બે ટકાથી જ્યારે ચાલુ વર્ષમાં ૧૨-૧૩ ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. રૂપિયો હજુ આગળ જતા તૂટી ૭૩ની સપાટી પહોંચે તેવું એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે. કરન્સી-ટ્રેડવોરનો પાયો અમેરિકાએ નાંખ્યો છે અને તેની અસર આગળ જતા અન્ય દેશોને મોટા પાયે થશે તે નક્કી છે. ટ્રેડવોરના પ્રારંભે જ કોમોડિટી માર્કેટમાં સન્નાટો છવાયો હતો જ્યારે હવે કરન્સી વોરમાં વેપારો સાવ ઠપ થઇ ચૂકયા છે. અમેરિકા અને ચીન વચ્ચેના આંતરિક ટ્રેડ વોરમાં અનેક દેશોમાંથી થઇ રહેલી આયાત-નિકાસને મોટી અસર પડશે. છેલ્લા એક મહિનાથી કોમોડિટી માર્કેટમાં મોટી ઊથલ-પાથલ જોવા મળી છે.

અમેરિકન ડોલર ભારતીય કરન્સી રૂપિયા રેકોર્ડ બ્રેક સપાટી પર ૭૨ ઉપર ક્વોટ થવા લાગ્યો છે. જે આગામી ટૂંકા ગાળામાં ૭૩ અને ત્યાર બાદ ૭૪ સુધી પહોંચી જાય તેવું મોટા ભાગના ફોરેક્સ એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે. ડોલરની તેજી પાછળનું મુખ્ય કારણ ક્રૂડઓઇલ ઝડપી ઊંચકાઇને ૮૦ ડોલરની સપાટી નજીક પહોંચી જતા ક્રૂડ આયાતકારોની ડોલરમાં મોટા પાયે ખરીદી આવી છે જેના કારણે ઝડપી સુધારો જોવા મળ્યો છે. વૈશ્વિક મંદી તથા કરન્સી માર્કેટની આંટીઘૂંટીમાં છેલ્લા એક વર્ષથી એગ્રિ કોમોડિટીની નિકાસ અટવાઇ પડી હતી જેના કારણે મોટભાગની કોમોડિટીમાં ભાવ ઘટી ગયા છે. અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર આકરી ડયૂટી લાગુ કરતા સૌથી વધુ ચીનને અસર પડશે તેવા અહેવાલે ચીને પણ અમેરિકાથી આયાત થતી અનેક વસ્તુઓ પર ડયૂટી લાદી છે જેના કારણે વેપારો છેલ્લા દોઢેક મહિનાથી વેપાર સાવ નહીવત્ જેવા છે. ચીન અને અમેરિકાના યુદ્ધમાં અનેક દેશોના વેપારને અસર પડશે. વૈશ્વિક વેપાર યુદ્ધમાં અનેક ઉત્પાદકો, ટ્રેડરો, આયાત-નિકાસકારો તથા સટ્ટાખોરો માટે હવેનો સમય સાવચેતીનો બન્યો છે. હવેના સમયમાં વિશ્વના ટ્રેડ નિયમોને ધ્યાનમાં રાખ્યા વગર વેપાર કરશે તો તેને મોટો ફટકો પડશે તે નક્કી છે. અમેરિકાએ સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ આપવા માટે ચીન અને ભારતથી આયાત થતી સ્ટીલ તથા એલ્યુમિનિયમ પર એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાગુ કરી છે. બંને દેશો નિકાસકારોને સબસિડી આપતી હતી જેના કારણે અમેરિકાએ ડયૂટી લાગુ કરવાનું પગલું ભર્યું છે. જોકે, ભારતીય નિકાસકારોને અમેરિકાએ ડયૂટી લાગુ કરી છે તેની નહીવત્ અસર થશે જ્યારે સૌથી મોટી અસર ચીનને પડશે. ચીન અમેરિકામાં સૌથી વધુ સ્ટીલ અને એલ્યુમિનિયમની નિકાસ કરે છે. ચીનને મોટી અસર થતા ચીનની સરકારે પણ અમેરિકાથી આયાત થતી અનેક વસ્તુઓ પર આકરી ડયૂટી લાગુ કરી છે જેના કારણે ટ્રેડ વોરનું સર્જન થયું છે. અમેરિકાએ કરેલી શરૂઆતના પગલે વિશ્વ વ્યાપાર યુદ્ધના મંડાણ કરાવશે.

બેઝમેટલ્સ માર્કેટ માટે ૨૦૧૭-૧૮નું નાણાકીય વર્ષ આકર્ષક રહ્યું છે. અત્યારે મેટલ્સ માર્કેટમાં તેજીની સાયકલનો સમય ચાલી રહ્યો છે જેના કારણે રોકાણકારોને શ્રેષ્ઠ રિટર્ન મળી રહ્યું છે. જોકે, છેલ્લા એકાદ મહિનામાં આંતરિક આયાત ડયૂટી તેમજ કરન્સી વોરના કારણે તેજીને બ્રેક લાગી છે. જોકે, મેટલ્સમાં ડિમાન્ડ આધારિત તેજી જળવાઇ રહી છે. ગત નાણાકીય વર્ષમાં સરેરાશ ૫ થી ૩૦ ટકા સુધીનું આકર્ષક રિટર્ન રોકાણકારોને મળ્યું છે. સૌથી વધુ રિટર્ન નિકલમાં ૩૦ ટકા અને જ્યારે સૌથી ઓછું રિટર્ન લીડમાં ૪ ટકા જ રહ્યું છે. મેટલ્સ માર્કેટમાં હવે આગામી વર્ષે ડિમાન્ડ આધારિત તેજી-મંદી રહેશે. ચીન મંદીમાંથી બહાર આવી રહ્યું છે. વૈશ્વિક માગ સારી છે જેને ધ્યાનમાં લેતા આગામી વર્ષે પણ મેટલ્સ માર્કેટમાં ધીમી પણ મક્કમ તેજી જોવા મળશે તેવું મોટાભાગના એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે. તેની સામે બુલિયન માર્કેટમાં નેગેટિવ ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે.

ફેડરલ રિઝર્વની આગામી બેઠકમાં વ્યાજદર મુદ્દે કેવો નિર્ણય લેવામાં આવે છે તેના પર સોના-ચાંદીની વધઘટ જોવાશે. હાલ સોનામાં તેજીના કોઇ સંકેતો સાંપડતા નથી. ડોલર ઇન્ડેક્સ ૧૬ મહિનાની ઊંચી સપાટી પર ક્વોટ થઇ રહ્યો છે. હેજફંડો તેમજ રોકાણકારો અન્ય રોકાણના માધ્યમ તરફ ડાઇવર્ટ થયા છે જેના કારણે સોનામાં તેજી નકારાઇ રહી છે. જોકે, સ્થાનિક બજારમાં રૂપિયાની નરમાઇના કારણે ભાવ નજીવી રેન્જમાં અથડાઇ રહ્યાં છે.

ઇરાન પર પ્રતિબંધ-અમેરિકામાં વાવાઝોડાના કારણે ક્રૂડમાં તેજી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર આર્થિક પ્રતિબંધો લાગુ કરી દીધા છે જેના કારણે ક્રૂડના પુરવઠામાં ગાબડું પડ્યું છે. બીજી તરફ અમેરિકામાં વાવાઝોડાનો ભય અને ક્રૂડ ઇન્વેન્ટરી રેશિયો સતત ઘટી રહ્યો હોવાથી ક્રૂડ જોત-જોતામાં ૮૦ ડોલર નજીક પહોંચ્યું છે. અમેરિકામાં ગોર્ડન નામનું વાવાઝોડું આવશે તેવા અહેવાલ અનેક ક્રૂડ ડ્રિલિંગ રિંગ્સ બંધ થવા લાગી છે જેના કારણે ક્રૂડમાં તેજીનો તખ્તો ગોઠવાયો છે. આગામી સમયમાં ક્રૂડ ઝડપી વધી ૮૫-૯૦ ડોલર સુધી પહોંચી શકે તેવો અંદાજ છે. ક્રૂડની તેજી અને રૂપિયાની નરમાઇથી ક્રૂડની આયાત સતત માંેઘી બની રહી છે જેના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઊંચકાઇ રહ્યાં છે.

 • કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો તૂટી ૭૨ની સપાટીએ પહોંચ્યો, ચાલુ વર્ષમાં રૂપિયામાં ૧૨-૧૩ ટકાનો જંગી ઘટાડો
 • ડોલર-રૂપિયાની બે તરફી વધઘટના કારણે આયાત-નિકાસ વેપારો ઠપ, એક મહિનામાં અનેક ફોર્વર્ડમાં થયેલ સોદાઓ કેન્સલ થયા
 • રૂપિયો તૂટી ૭૩ની સપાટીએ પહોંચશે, રૂપિયાની નરમાઇથી ક્રૂડ-સોનાની આયાત મોંઘી બનશે, નિકાસકારોને લાભ પરંતુ વેપાર નહીં
 • આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઊંચકાઇને ૮૦ ડોલર નજીક, વર્ષાંત સુધીમાં ૮૫-૯૦ ડોલર થવાની આગાહી
 • બેઝમેટલ્સ-બુલિયન માર્કેટમાં નરમાઇનો ટ્રેન્ડ યથાવત, ફેડરલ રિઝર્વની વ્યાજદરની બેઠક પર તેજી-મંદીની ચાલ ઘડાશે
 • ચીને અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર ડયૂટી લાગુ કરતા ભારતની અમુક કોમોડિટીની નિકાસને વેગ મળશે જ્યારે અમુકને ફટકો પણ પડી શકે
 • અમેરિકાનું ડયૂટીનું પગલું વૈશ્વિક વેપાર યુદ્ધના શરૂઆતનો પ્રારંભ, વૈશ્વિક વેપારો ખોરવાશે આગળ જતા અનેક દેશોને મોટી અસર પડી શકે
 • જિયો પોલિટિકલ ઇશ્યૂ, ટ્રેડવોર તથા ડોલર ઇન્ડેક્સની બે તરફી વધઘટના કારણે આગામી સમયમાં મેટલ્સ માર્કેટમાં બેતરફી ચાલ રહેશે
 • ઇરાન પરના પ્રતિબંધની અસર, અમેરિકામાં વાવાઝોડું તેમજ ક્રૂડ ઇનવેન્ટરી રેશિયો સતત ઘટતા ક્રૂડમાં ઝડપી તેજીની ચાલ
 • રૂપિયાની નરમાઇ અને ક્રૂડની તેજીના કારણે પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘું થશે, ઇંધણ મોંઘું થવાની સીધી અસર ફુગાવા પર વર્તાશે