કમ્યુનિકેશન ઇઝ ધ કી! - Sandesh

કમ્યુનિકેશન ઇઝ ધ કી!

 | 5:10 pm IST

મેનેજમેન્ટ ગુરુ :- સરદાર

આઝાદ ભારતના દિગ્ગજ નેતા સરદાર વલ્લભભાઈ પટેલ પ્રસંગોપાત દેશના તમામ પ્રાંતોના વડાઓને પત્ર લખીને સંવાદ સાધતા. આ પત્રોમાં તેઓ દેશની સામેના અનેક પ્રકારના પડકારો વિશે ખૂલીને વાત કરતા. એવા કેટલાક પત્રોમાંના એક એવા તા. ૧૦ ઓક્ટોબર, ૧૯૪૮ના પત્રમાં તેમણે પ્રાંતોના વડાઓને સંબોધીને લખ્યું…

કાશ્મીરની વાત કરીએ તો, લડાઈ અગાઉની જેમ જ ઝડપથી ચાલી રહી છે. બંને પક્ષે મોરચામાં ખાસ ફેર પડયો નથી. આપણાં દળોએ કેટલાક નાના લાભ મેળવ્યા છે અને ખાસ કરીને તીથવાલમાં પોતાની હરોળો પર થયેલા હુમલા મારી હઠાવ્યા છે. અત્યારે આપણે થોડીક વ્યૂહાત્મક અગત્ય ધરાવતી હિમાચ્છાદિત પર્વતમાળા પર એક નાના મોરચા ઉપર લડાઈમાં રોકાયેલા છીએ. પ્રારંભમાં આપણે થોડીક સફળતા મેળવી છે અને આ યોજના સફળ થશે એવી આપણને આશા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સુલેહસંપ થાય તે પહેલાં એક આવશ્યક મુદ્દા તરીકે કાશ્મીરનો પ્રશ્ન ઉકેલી નાખવો જોઈએ એવી વાત પર પાકિસ્તાનના વડાપ્રધાન વારંવાર જે ભાર મૂકી રહ્યા છે તે તમે જોયો હશે. વડાપ્રધાને પાકિસ્તાનના વડા પ્રધાન સાથે ત્રણ વાર ચર્ચા કરી છે. એમાંની બે એટલી અને બેવિનની હાજરીમાં થયેલી અને એક પેરિસમાં ખાનગી ચર્ચા હતી. પણ ઉકેલની દિશામાં જરાયે પ્રગતિ થઈ નથી… પાકિસ્તાનના વડાપ્રધાને શુભેચ્છા અને મૈત્રીના દાવા તો કર્યા છે પણ એને વ્યવહારમાં મૂકવાના ઈરાદાનો કોઈ પુરાવો મળતો નથી.

પાકિસ્તાન સાથેના આપણા સંબંધમાં એક નવી સમસ્યા સર્જાઈ રહી છે. તે છે પૂર્વ બંગાળમાંથી પિૃમ બંગાળમાં થતી હિજરત. છેલ્લા પખવાડિયા દરમિયાન આમાં મોટો ઉછાળો આવ્યો છે. પિૃમ બંગાળના વડાપ્રધાને મને કહ્યું છે કે એમનો પ્રાંત વધુ નિરાશ્રિતો સ્વીકારી શકે તેમ નથી. પણ પૂર્વ બંગાળમાં આર્થિક અને રાજકીય સ્થિતિ એવી છે કે કેટલાક મુસ્લિમો પણ વધારે સારી સ્થિતિવાળા પિૃમ બંગાળમાં આશ્રય શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમે ચિંતાપૂર્વક આ ધસારાનો ઝોક જોઈ રહ્યા છીએ. અમને એ તદ્દન સ્પષ્ટ જણાય છે કે પૂર્વ અને પિૃમ બંગાળ વચ્ચે પ્રાદેશિક પુનર્વ્યવસ્થા કર્યા સિવાય ભારત પૂર્વ બંગાળમાંથી વધુ નિરાશ્રિતો સ્વીકારી શકશે નહીં. વડા પ્રધાને પાકિસ્તાનના વડાપ્રધાન સાથે આ હિજરતનો પ્રશ્ન ઉપાડી લીધો છે અને પાકિસ્તાનના વડાપ્રધાને લઘુમતીઓને હૈયાધારણ આપવા અને એમની વાજબી ફરિયાદો દૂર કરવા પૂર્વ બંગાળની મુલાકાત લેવાનું વચન આપ્યું છે. નવેમ્બરના ઉત્તરાર્ધમાં આ મુલાકાત લેવાશે. એમાંથી કંઈ પરિણામ આવે છે કે નહીં તે જોઈએ.

પાકિસ્તાનમાં હૈદરાબાદ અંગે, ભારતીય લશ્કરના કહેવાતા ‘અત્યાચારો’ની ઉટપટાંગ જૂઠી વાતો વાતાવરણમાં ઝેર રેડી રહી છે. ગયા પત્રમાં જે જાસૂસીને લગતા ગાંડપણની મેં વાત કરી હતી એણે પણ પાકિસ્તાનને જકડી લીધું છે. પાકિસ્તાનનાં અખબારોમાં હાઈકમિશનરને પણ જાસૂસ કહીને એમની બદનક્ષી કરવામાં આવી છે.

બીજો બનાવ પાકિસ્તાન તરફથી મળેલી એક વિરોધની યાદી છે. આ વિરોધ પિૃમ બંગાળની સરકાર ચરિયાણો ઉપર પોતાની સત્તાની પુનઃ સ્થાપના કરવા જે પ્રયાસો કરી રહી છે તે સામે કરવામાં આવ્યો છે. પૂર્વ બંગાળની સરકારે આ ચરિયાણો ઉપર આક્રમણ કરેલું. ચોમાસામાં નદીઓ ઊભરાઈ જવાથી નદીઓની સામે આવેલાં ચરિયાણોમાં આપણે સત્તા પુનઃસ્થાપિત કરી શકીએ તેમ નહોતા. ત્યારે આપણી સ્થિતિ નબળી હતી. જ્યારે હવે પાણી ઊતરી રહ્યાં છે અને આપણે આપણા સત્તાબળથી પુનઃસ્થાપિત કરી શકીએ તેમ છીએ ત્યારે પાકિસ્તાનની સરકારે ચીસાચીસ કરવા માંડી છે. આપણે પાકિસ્તાન સરકારને સ્પષ્ટ જણાવી દીધું છે કે જે ભૂમિ અમારી જ છે તેની ઉપરની અમારી સત્તાનો ત્યાગ કરવા અમે તૈયાર નથી અને અમારું પોતાનું જાળવી રાખવા અમે પૂરેપૂરા કટિબદ્ધ છીએ.

ગયા વર્ષે મે મહિનામાં આપણે પાકિસ્તાન સાથે વેપાર-કરાર કર્યા હતા પણ ત્યારે પણ ઘણાં કારણોને લીધે એનો અમલ ઢીલમાં પડયો હતો. આપણને ખાસ કરીને કાચા શણ અને રૂમાં ઊંડો રસ હતો. આથી એમ નક્કી કર્યું કે આખી પરિસ્થિતિની ફરી ચર્ચા કરવી જેથી આપણે એ કરારના પાલનને પુનર્જીવિત કરવાનાં સાધનો નક્કી કરી શકીએ. એ પ્રમાણે બંને બાજુના અધિકારીઓ કરાંચીમાં મળ્યા અને ૨૦મી ઓક્ટોબરે બંને બાજુથી માલનો પ્રવાહ ચાલુ રાખવાના સમાધાન પર આવ્યા. કમનસીબે, આ કરાર નીચે, આપણે પાકિસ્તાન પાસેથી અત્યંત જરૂરી અનાજ મેળવી શક્તા નથી એટલે એ ખોટ આયાતથી પૂરવાનું આપણા માટે જરૂરી બનશે. આને લીધે આપણા માટે એ કરારનું મૂલ્ય થોડુંક ઘટયું છે, પણ કાચા શણ અને રૂ અંગેનું આપણું હિત બરાબર સાચવવામાં આવ્યું હોવાથી એટલે અંશે આપણે એ કરારમાંથી થોડોક લાભ મેળવી શકીશું. આનો આધાર અલબત્ત, પાકિસ્તાન અને ભારતના વેપારીઓ કેટલી ત્વરાથી સોદા પતાવી શકે છે અને કેટલી ઝડપથી માલ બંને દિશામાં ખસેડી શકાય છે તે ઉપર રહેશે.

આર્થિક પરિસ્થિતિએ આપણને ચિંતા ઉપજાવવાનું અને આપણું ધ્યાન ખેંચી રાખવાનું ચાલુ રાખ્યું છે. જે સંખ્યાબંધ ફુગાવાવિરોધી પગલાં વિશે અમે અખબારોમાં જાહેરાત કરી છે તે પગલાંથી તમે પરિચિત થઈ ગયા હશો. મેં મારા છેલ્લા પત્રમાં જે સર્વસામાન્ય નીતિ વિશે લખ્યું હતું તેના અનુસંધાનમાં હવે આપણે ઔદ્યોગિક કાચા માલને જકાતમાંથી રાહત આપવાનાં, ઔદ્યોગિક કારખાનાં અને યંત્રોની આયાત પરના કરમાં ઘટાડો કરવાનાં, જોઈન્ટ સ્ટોક કંપનીઓના ડિવિન્ડમાં મર્યાદાનાં અને ઉદ્યોગને આવકવેરામાં રાહત આપવાનાં પગલાં જાહેર કર્યાં છે. ૩૦મી ઓક્ટોબરે ચોપાટી ખાતે કરેલા ભાષણમાં મેં ફુગાવાવિરોધી પગલાંના અમલમાં આપણી પ્રગતિને શિથિલ બનાવતાં પાયાનાં કારણોની વિસ્તારથી વાત કરી હતી. મુંબઈના વેપારીવર્ગ પાસેથી અને કામદારો પાસેથી મારી અપીલના સંતોષકારક જવાબની હું આશા રાખું છું. હું તમારા પ્રાંતમાં એવી અપીલની જરૂર તમારા ધ્યાન પર લાવવા ઈચ્છું છું. તેથી, મેં મુંબઈ શહેરને આપેલા મારા સંદેશામાં દર્શાવ્યું હતું તેમ, આપણે વધુ ઉત્પાદન અને નીચા ભાવો માટે સંકલિત પ્રયત્ન કરી શકીશું. જો આ અનેક માથાળા રાક્ષસ સાથે લડવું હોય તો આપણામાં કટોકટીની અને તાકીદની યોગ્ય લાગણી હોવી અનિવાર્ય છે. આપણે ફક્ત એનું મસ્તક કાપવાનું નથી, પણ એને બાળી નાખવાનું છે જેથી એ ફરી ઊગે નહીં. આ સમસ્યા કેટલી બધી તાકીદની છે તે લોકો સમજે એ માટે, અને સરકારે જે અનેક પગલાં લીધાં છે તેને લોકો ટેકો આપે તે માટે, લોકોમાં યોગ્ય વાતાવરણ ઊભું કરવા અમે પ્રાંતિક સરકારો તરફ નજર નાખીએ છીએ. હું આશા રાખું છું કે તમારા પ્રાંતમાં, ખાસ કરીને વેપારીવર્ગમાં અને કામદારોમાં, આપણે જાહેર કરેલાં પગલાંની તરફેણમાં લોકોનો ટેકો મેળવવામાં તમે સફળ થશો.

ટૂંકમાં, મામલો ચાહે પાકિસ્તાન સાથેના સંબંધનો હોય કે દેશના અર્થતંત્ર સામેના આંતરિક પડકારોનો, સરદાર સમગ્ર દેશને તે વિશે વાકેફ કરીને આગળ વધવામાં માનતા. સરદારને સરદાર (નેતા) બનાવનારું એક મહત્ત્વનું તત્ત્વ આ હતું કે તેઓ ખરેખર સમગ્ર દેશને પોતાની સાથે રાખીને દોરવણી પૂરી પાડી શકતા હતા.

(ક્રમશઃ)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન