કોમ્યુનિસ્ટ-સીપીઆઈ(એમ)ને વિવેકાનંદ યાદ આવ્યા   - Sandesh
  • Home
  • Columnist
  • કોમ્યુનિસ્ટ-સીપીઆઈ(એમ)ને વિવેકાનંદ યાદ આવ્યા  

કોમ્યુનિસ્ટ-સીપીઆઈ(એમ)ને વિવેકાનંદ યાદ આવ્યા  

 | 2:54 am IST

ચેકમેટ :- હરફન મૌલા

ચૂંટણી નજીક આવે તેમ તેમ રાજનીતિનું ઊંટ કઈ તરફ કરવટ લે છે તેની ભવિષ્યવાણી કોઈ કરી શકતું નથી. દરેક રાજકીય પક્ષો પોતાનો સગવડિયો ધર્મ અપનાવી અને મતદારોને આકર્ષવા પ્રયત્ન કરે છે. કેટલાંક રાજ્યોની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી ૨૦૧૯માં યોજાવાની છે ત્યારે દેશના તમામ મોટા રાજકીય પક્ષોએ અચાનક જ ધર્મ પ્રત્યે પોતાનો અભિગમ બદલી અને બંગાળથી ગુજરાત, મહારાષ્ટ્રથી મેઘાલય સુધી મતદારોને લોભાવવાનો પ્રયત્ન કર્યો છે.

રાહુલ ગાંધી શિવભક્તિ તરફ વળ્યા છે તો બંગાળનાં મમતા બેનરજી ભગવદ્ ગીતા વાંચી રહ્યાં છે. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ કૃષ્ણભક્તિ કરી રહ્યા છે તો કોમ્યુનિસ્ટ સીપીઆઈ(એમ)ની એસએફઆઈ પાંખ સ્વામી વિવેકાનંદને તેમનો આદર્શ દર્શાવી રહી છે. સિદ્ધારમૈયા રામભક્તિ ભણી વળ્યા, આમ મોટાભાગના રાજકીય પક્ષો એક રીતે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માત આપવા માટે હિંદુ ધર્મનું શરણું લેતા હોય તેમ જણાય છે. બીજી બાજુ અત્યાર સુધી કટ્ટર હિંદુવાદી ગણાતો ભારતીય જનતા પક્ષ અલ્પસંખ્યક સમુદાયને પોતાની પાંખમાં લેવા પ્રયત્ન કરે છે.

ભારતની રાજનીતિ હાલમાં ૧૮૦ ડિગ્રી પર ટર્ન લઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા જ્યાં ગુજરાતના સૌરાષ્ટ્રમાં ૧૪૮ મંદિરોમાં શ્રીરામ સંધ્યાઆરતી સમિતિ બનાવી અને પૂજનસામગ્રીનું વિતરણ કરવાની તૈયારીમાં છે ત્યારે ભાજપ પશ્ચિમ બંગાળમાં અલ્પસંખ્યક સંમેલનનું આયોજન કરી મમતા બેનરજીને ડારવા પ્રયત્ન કરી રહ્યો છે. અહીંના ૩૦ ટકા મુસ્લિમ સમુદાયને આકર્ષવા ભાજપનો આ પ્રયત્ન હોય તેમ જણાય છે.

બંગાળનાં મુખ્ય પ્રધાન બન્યા બાદ દીદી મમતા બેનરજી હંમેશાં મુસ્લિમો તરફ કૂણું વલણ રાખતાં હોવાનો આક્ષેપ થતો હતો તેથી તેમણે હવે અહીં અંદાજે ૧૦ હજાર જેટલા બ્રાહ્મણો અને પુરોહિતોને ભગવદ્ ગીતાનું વિતરણ કર્યું છે, એટલું જ નહીં પોતે હિંદુ હોવાનું ગર્વભેર જાહેર કરે છે.

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના અખિલેશે મુસ્લિમોને સાઇડટ્રેક કરી હવે અચાનક કૃષ્ણભક્તિના રંગે રંગાયા છે, તો સિદ્ધારમૈયા ભગવાન શ્રી રામનાં ગુણગાન ગાઈ રહ્યા છે. આમ ચૂંટણીનાં નગારાં વાગતાં તમામ રાજકીય પક્ષો વિવિધ ધર્મના રંગે રંગાઈ અને મતદારોને આકર્ષવા પ્રયત્ન કરી રહ્યા છે.

હાલમાં જ ગુજરાતમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચારસભા અને તેની લોકપ્રિયતાને ટક્કર આપવા માટે કોંગ્રેસના હાલના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમનાથ મહાદેવ સહિત અનેક ઘાર્મિક સ્થળોની મુલાકાત લઈ અને માથું ટેકવ્યું હતું, એટલું જ નહીં, ગુજરાતની ચૂંટણીમાં પોતે હિંદુ હોવાનો મુદ્દો ઊછળતાં તેમણે મૌન રહેવાનું પસંદ કરી વિવાદ ટાળ્યો હતો. અંબાજીનાં મંદિરમાં પણ રાહુલબાબાએ માતાને ચરણે શીશ ઝુકાવી આશિષ મેળવ્યા હતા. બીજી બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના હંમેશના નિયમને અપનાવી અને દેવી-દેવતાઓનાં આશીર્વચન મેળવ્યાં હતાં. ગુજરાતમાં ભલે ભાજપનો ભગવો લહેરાયો, પરંતુ કોંગ્રેસની બેઠકમાં ખાસ્સો વધારો થયો છે જેને પગલે કોંગ્રેસ હવે અહીં હિંદુત્વનું કાર્ડ ઉતારી અને અંદાજે દોઢસો જેટલાં મંદિરમાં ભાવિકોને પૂજન માટેની સાહિત્યસામગ્રી વિતરણ કરવાની જાહેરાત કરી છે.

ઉત્તર પ્રદેશમાં પણ યોગીનું રાજ આવતાં અહીં ભગવાકરણ થયું છે. ભગવો રંગ હિંદુત્વનું પ્રતીક છે અને હાલમાં ઉત્તર પ્રદેશમાં જે રીતે ભગવા રંગને લહેરાવાઈ રહ્યો તે જોતાં અહીં રામરાજ્ય આવશે તેમ લાગે છે, આથી જ કદાચ અખિલેશે હવે રાજકારણના ચાણક્ય તરીકે ઓળખાતા કૃષ્ણને શરણે જવાનું પસંદ કર્યું છે, જોકે આમ છતાં સારી વાત એ છે કે સૌ રાજકીય પક્ષોના નેતાઓ આખરે તો બોલે છે કે ‘મેરા ભારત મહાન.’