કંપનીઓ દવાની કિંમત ૧૦ ટકાથી વધુ વધારશે તો લાઇસન્સ રદ થશે - Sandesh
  • Home
  • India
  • કંપનીઓ દવાની કિંમત ૧૦ ટકાથી વધુ વધારશે તો લાઇસન્સ રદ થશે

કંપનીઓ દવાની કિંમત ૧૦ ટકાથી વધુ વધારશે તો લાઇસન્સ રદ થશે

 | 4:24 am IST

 

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે દવા કંપનીઓ અને આયાતકારોની મનમાની પર નિયંત્રણ લાદવાનો નિર્ણય કર્યો છે. કોઈ પણ દવાની કંપની એક વર્ષમાં દવા કે સામગ્રીની કિંમતમાં ૧૦ ટકાથી વધુ વધારો કરી શકશે નહીં. જો કંપનીઓ આ આદેશને નહીં માને તો તેમના લાઇસન્સ રદ કરાશે અને તેમની વિરુદ્ધ કાયદાકીય પગલાં પણ ભરાશે. નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ આ આદેશ બહાર પાડયો છે.

આ આદેશ એનપીપીએ પોતાના એ હેવાલ બાદ બહાર પાડયો છે, જેમાં એવો ખુલાસો થયો હતો કે ખાનગી હોસ્પિટલો પોતાને ત્યાં દવાના ડબ્બા પર વધુ એમ.આર.પી. લખાવી વધુ નફો કમાય છે. એનપીપીએ ગયા અઠવાડિયે બહાર પાડેલા આદેશમાં કહ્યું છે કે, જો દવા કંપનીઓ મહત્તમ રિટેઇલ પ્રાઇસથી ૧૦ ટકા વધુ કિંમત એક વર્ષમાં વધારી દેશે તો તેના પર વ્યાજ સાથે વધારાની કિંમતની વસૂલી કરાશે. એટલું જ નહીં કંપનીઓ પાસેથી દંડ પણ વસૂલ કરાશે. વધેલી કિંમતનું વ્યાજ ત્યારથી લેવાશે જ્યારથી કંપનીએ ખોટી રીતે એમઆરપી વધારી હશે.

તમામ દવા પર આદેશ અમલી

સરકાર દ્વારા આ આદેશનું કડકાઈથી પાલન કરાવવાના પણ એનપીપીએને આદેશ અપાયા છે. એનપીપીએ એ કહ્યું છે કે આ આદેશ તમામ પ્રકારની દવા પર અમલી બનશે, પછી ભલે તે શેડયૂલ ડ્રગ્સ ( કિંમત પર સરકારી નિયંત્રણ હોય એવી દવા )ની યાદીમાં હોય કે નોન શિડયૂલ ડ્રગ્સ ( સરકારી નિયંત્રણ ન હોય એવી કિંમત ધરાવતી દવા)ની યાદીમાં હોય. એનપીપીએના અહેવાલ મુજબ મોટી હોસ્પિટલો દવા બનાવતી કંપનીઓ પાસેથી સીધી દવા ખરીદે છે. દવા કંપનીઓ હોસ્પિટલની માગણી પ્રમાણેની કિંમત પણ લખી આપે છે ! જ્યારે અન્યત્ર એ જ દવા જુદી જ એમઆરપીથી વેચાતી હોય છે !

વધુ એમઆરપી હોય તો ફરિયાદ ક્યાં કરવી ?

વધારે કિંમત વસૂલાતી હોવાની ફરિયાદ એનપીપીએ, ડ્રગ્સ કંટ્રોલર અને ઉપભોકતા વિભાગના મંત્રાલયને કરી શકાય છે.